Bhagavad Gita: Chapter 2, Verse 2

શ્રીભગવાનુવાચ ।
કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ ।
અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન ॥ ૨॥

શ્રી ભગવાન્ ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; કુત:—ક્યાંથી; ત્વા—તને; કશ્મલમ્—ભ્રાંતિ; ઈદમ્—આ; વિષમે—આ સંકટના સમયે; સમુપસ્થિતમ્—ઉત્પન્ન થઇ છે; અનાર્ય—અશિષ્ટ જન; જુષ્ટમ્—આચરેલું; અસ્વર્ગ્યમ્—ઉચ્ચતર લોકમાં ના લઇ જનારું; અકિર્તીકરમ્—અપયશનું કારણ; અર્જુન—હે અર્જુન.

Translation

BG 2.2: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું: મારા પ્રિય અર્જુન, આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઇ ગઈ? સમ્માનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી. તે ઉચ્ચ લોક તરફ નહિ પરંતુ અપયશ તરફ દોરી જાય છે.

Commentary

આપણા પવિત્ર ગ્રંથોમાં વર્ણિત ‘આર્ય’ શબ્દ કોઈ જાતિ કે વંશીય સમૂહના સંદર્ભે પ્રયુક્ત થયો નથી. મનુ સ્મૃતિમાં ‘આર્યન’ શબ્દની પરિભાષા ઉન્નત અને સુસંસ્કૃત માનવના રૂપે કરવામાં આવી છે. “આર્યન” શબ્દ “સંપૂર્ણ સજ્જન” ની સમાન શ્રેષ્ઠતાનો સંકેત આપે છે. વૈદિક ગ્રંથોનો ઉદ્દેશ્ય સર્વ પ્રકારે મનુષ્યને શ્રેષ્ઠ ‘આર્ય’ બનવા પ્રેરિત કરવાનો છે. અર્જુનની વર્તમાન પરિસ્થિતિ તે આદર્શોના પરિપેક્ષમાં શ્રી કૃષ્ણને સંઘર્ષમય પ્રતીત થાય છે અને તેથી તેઓ અર્જુનની વ્યાકુળતાને ધ્યાનમાં રાખીને તેને ઠપકો આપતા સમજાવે છે કે, આ વર્તમાન પરિસ્થિતિમાં આ આદર્શવાદી અવસ્થામાં કેવી રીતે જીવી શકાય?

ભગવદ્ ગીતા, અથવા “ભગવાનની દિવ્ય વાણી”નો વાસ્તવમાં અહીંથી આરંભ થાય છે કારણ કે શ્રી કૃષ્ણ કે જેઓ અત્યાર સુધી શાંત હતા, તેઓ આ શ્લોકથી બોલવાનો પ્રારંભ કરે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પ્રથમ તો અર્જુનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષુધા ઉત્પન્ન કરે છે. આ માટે તેઓ અંગુલિનિર્દેશ કરે છે કે, તેની વ્યાકુળતા ઉત્તમ પુરુષ માટે અપમાનજનક તેમજ સર્વથા અનુચિત છે. તત્પશ્ચાત્, તેઓ અર્જુનને તેના મિથ્યા મોહના પરિણામો, કે જે વેદના, અપકીર્તિ, જીવનની અસફળતા અને આત્માનું અધ:પતન છે, તેનું સ્મરણ કરાવે છે.

શ્રી કૃષ્ણ અર્જુનને સાંત્વના આપવાના બદલે તેની વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે અધિક અસ્વસ્થ કરી રહ્યા છે. જયારે આપણે વ્યાકુળ હોઈએ છીએ ત્યારે આપણે સૌ અસ્વસ્થતાનો અનુભવ કરીએ છીએ કારણ કે તે આત્માની પ્રાકૃતિક સ્થિતિ નથી. આ અસંતોષની અનુભૂતિ જો ઉચિત દિશામાં પ્રેરિત થાય છે તો તે વાસ્તવિક જ્ઞાનની શોધ માટે શક્તિશાળી પ્રેરણા બનીને ઉપસી આવે છે. સંશયનું ઉચિત નિવારણ વ્યક્તિને પહેલાં કરતાં અધિક ગહન સમજણ પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થાય છે. આમ, કેટલીક વાર ભગવાન હેતુપૂર્વક વ્યક્તિને આફતગ્રસ્ત પરિસ્થિતિમાં મૂકે છે કે જેથી તે કે તેણી મૂંઝવણને દૂર કરવા જરૂરી જ્ઞાનની શોધ કરવા વિવશ બની જાય, તથા અંતે જયારે સંશયનું પૂર્ણ નિવારણ થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ સમજશક્તિની ઉચ્ચાવસ્થા પ્રાપ્ત કરી લે છે.