Bhagavad Gita: Chapter 15, Verse 15

સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો
મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનઞ્ચ ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો
વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્ ॥ ૧૫॥

સર્વસ્ય—સર્વ જીવના; ચ—અને; અહમ્—હું; હ્રદિ—હૃદયમાં; સન્નિવિષ્ટ:—સ્થિત; મત્ત:—મારાથી; સ્મૃતિ:—સ્મરણશક્તિ; જ્ઞાનમ્—જ્ઞાન; અપોહનમ્—વિસ્મૃતિ; ચ—તેમજ; વેદૈ:—વેદો દ્વારા; ચ—અને; સર્વૈ:—સર્વ; અહમ્—હું; એવ—એકલો; વેદ્ય:—જાણવા યોગ્ય; વેદાંત-કૃત્—વેદાંતના રચયિતા; વેદ-વિત્—વેદોના અર્થનાં જ્ઞાતા; એવ—એકમાત્ર; ચ—અને; અહમ્—હું.

Translation

BG 15.15: હું સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન તેમજ વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે. એકમાત્ર હું જ સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય છું, હું વેદાંતનો રચયિતા છું તથા વેદોના અર્થનો જ્ઞાતા છું.

Commentary

ભગવાને આપણી અંદર એક અદ્ભુત યંત્ર રચનાનું સર્જન કર્યું છે, જે જ્ઞાન અને સ્મૃતિની શાખાઓથી સંપન્ન છે. મગજ તેનું હાર્ડવેર છે અને મન તથા બુદ્ધિ તેનું સોફ્ટવેર છે. પ્રાય: આપણે આ યંત્ર રચના પ્રત્યે ઉપેક્ષિત ભાવ સેવીએ છીએ. તબીબો મગજનું પ્રત્યારોપણ કરે છે અને પોતાના પરાક્રમ પર ગર્વ અનુભવે છે, પરંતુ તેઓ એ ચિંતન કરતા નથી કે મગજની આ અદ્ભુત યંત્રરચનાનું સર્જન કેવી રીતે થયું હશે? હજી પણ એવા અનેક ક્ષેત્રો છે કે જ્યાં આધુનિક તકનિકોના પૂર્ણ વિકાસ પશ્ચાત્ પણ કોમ્પ્યુટરનાં કાર્યકલાપોની તુલના માનવના મસ્તિષ્ક સાથે થઈ શકતી નથી. ઉદાહરણ તરીકે, સોફ્ટવેર ઈજનેરો હજી પણ ચહેરાની ઓળખ કરવાની તકનિક માટે સંઘર્ષ કરી રહ્યા છે, જયારે મનુષ્યો અન્ય વ્યક્તિઓને તેમના દેખાવમાં પરિવર્તન આવી ગયા પશ્ચાત્ પણ સરળતાથી ઓળખી જાય છે. તેથી તો પ્રાય: આપણને એવી ઉક્તિઓ સાંભળવા મળે છે કે, “અરે મારા પ્રિય મિત્ર, અતિ દીર્ઘકાળ પશ્ચાત્ તને મળીને પ્રસન્નતા થઈ. આપણે છેલ્લે મળ્યા એની તુલનામાં તારામાં ઘણું પરિવર્તન આવી ગયું છે.” આ પ્રદર્શિત કરે છે કે માનવીય મસ્તિષ્ક વર્ષો પશ્ચાત્ પણ પરિવર્તિત થઈ ગયેલા ચહેરાઓને પણ ઓળખી લે છે, જયારે કોમ્પ્યુટર અપરિવર્તિત ચહેરાને પણ પૂર્ણત: ઓળખી શકતું નથી. વર્તમાનમાં, ઈજનેરો (engineers) હજી પણ સ્કેનર સોફ્ટવેર માટે સંઘર્ષ કરી રહ્યા છે, કે જે ટાઈપ કરેલી સામગ્રીનું ત્રુટિરહિત વાંચન કરી શકે. તેનાથી વિપરીત, મનુષ્યો અન્ય દ્વારા લિખિત સાંકેતિક હસ્તલિપિને પૂર્ણત: સમજી જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે સ્મૃતિ અને જ્ઞાનના આ અદ્ભુત ગુણો તેમનામાંથી આવે છે.

તદુપરાંત, તેમણે આપણને ભૂતકાળનું વિસ્મરણ કરવાની શક્તિ પણ પ્રદાન કરી છે. જે પ્રમાણે, અવાંછિત રેકર્ડસ (records)નષ્ટ થઈ જાય છે, એ પ્રમાણે મનુષ્યો અનિચ્છનીય સ્મરણોને ભૂલી જાય છે, અન્યથા તેઓ આ માહિતીઓની ભરમારથી અવરુદ્ધ રહેત.

ઉદ્ધવ શ્રીકૃષ્ણને કહે છે:

           ત્વત્તો જ્ઞાનં હિ જીવાનાં પ્રમોષસ્તેઽત્ર શક્તિતઃ (ભાગવતમ્ ૧૧.૨૨.૨૮)

“તમારામાંથી જ જીવોના જ્ઞાનનો ઉદય થાય છે અને તમારી શક્તિથી જ તે જ્ઞાન વિલુપ્ત થઈ જાય છે.”

જ્ઞાનના આ આંતરિક ગુણ કે જેનાથી આપણે સંપન્ન છીએ, તેના અતિરિક્ત બાહ્ય જ્ઞાનનો સ્રોત શાસ્ત્રો છે અને આ શ્લોકમાં, ભગવાને વેદના પ્રાગટ્યના સંદર્ભમાં તેમના મહાત્મયને પ્રગટ કર્યું છે. એ તેઓ જ છે કે જેમણે સૃષ્ટિના પ્રારંભમાં વેદો પ્રગટ કર્યા. પરંતુ જે પ્રમાણે, ભગવાન દિવ્ય છે તથા બુદ્ધિના કાર્યક્ષેત્રની બહાર છે, એ જ પ્રમાણે આ વેદો પણ દિવ્ય છે. તેથી, કેવળ ભગવાન જ તેમનો વાસ્તવિક અર્થ જાણે છે અને જો તેઓ તેમની કૃપા કોઈ પર વરસાવે તો તે ધન્યભાગી જીવાત્મા પણ વેદોનો જ્ઞાતા બની જાય છે. વેદ વ્યાસ કે જેઓ ભગવાનના અવતાર હતા, તેમણે વેદાંત દર્શનની રચના કરી. તેથી, શ્રીકૃષ્ણ કહે છે કે, તેઓ વેદાંતના પણ રચયિતા છે.

અંતત: તેઓ કહે છે કે વેદોમાં લૌકિક અને આધ્યાત્મિક બંને પ્રકારના અસંખ્ય ઉપદેશો નિહિત છે, છતાં પણ ભગવાનને જાણવા એ જ સર્વ વેદોનાં જ્ઞાનનો ઉદ્દેશ્ય છે. તેમાં ચોક્કસ પ્રયોજનાર્થ સકામ ફળદાયી કર્મકાંડો અને અનુષ્ઠાનોનો પણ ઉલ્લેખ છે. જે લોકો ભૌતિક સંસાર પ્રત્યે પ્રગાઢ રીતે અનુરક્ત છે, તે લોકોને તે પ્રલોભિત કરીને તેમને ભગવાન તરફ ઉન્મુખ કરવા પૂર્વે મધ્યવર્તી ઉપાય પ્રદાન કરે છે.  કઠોપનિષદ્દ (૧.૨.૧૫)માં વર્ણન છે:   સર્વે વેદા યત્પદમામનન્તિ   “સર્વ વૈદિક મંત્ર વાસ્તવમાં ભગવાન તરફ સંકેત કરે છે.” આપણે ભલે સર્વ વૈદિક મંત્રોને સ્મૃતિમાં રાખીએ, તેનું ઉચિત રીતે ઉચ્ચારણ કરવાનું શીખી લઈએ, ધાર્મિક વિધિ-વિધાનોમાં નિપુણ થઈ જઈએ, ધ્યાનમાં લીન રહીએ અને કુંડલીની શક્તિ પણ જાગૃત કરી લઈએ, પરંતુ જો આપણે ભગવાનને જાણતા ન હોઈએ તો આપણે વેદોના વાસ્તવિક ઉદ્દેશ્યને સમજ્યા જ નથી. જયારે બીજી બાજુ, જેઓ ભગવાન પ્રત્યે પ્રેમ વિકસિત કરે છે, તેઓ સ્વત: સર્વ વૈદિક શાસ્ત્રોનાં ઉદ્દેશ્યને સમજી લે છે. જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજ વર્ણન કરે છે:

            સર્વ શાસ્ત્ર સાર યહ ગોવિન્દ રાધે,

           આઠોં યામ મન હરિ ગુરુ મેં લગા દે (રાધા ગોવિન્દ ગીત)

“સર્વ શાસ્ત્રોનો સાર એ છે કે, મનને રાત-દિવસ ભગવાન અને ગુરુ પ્રત્યેની પ્રેમમયી ભક્તિમાં લીન કરવું.”

આ અધ્યાયના શ્લોક સં. ૧ થી ૧૫ માં શ્રી કૃષ્ણે સર્જનનાં વૃક્ષની વ્યાખ્યા કરી છે. હવે આ વિષયનું સમાપન કરતાં, આગામી બે શ્લોકોમાં આ જ્ઞાનને ઉચિત પરિપ્રેક્ષ્યમાં રાખીને તેઓ ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ શબ્દોની વ્યાખ્યા કરે છે.