Bhagavad Gita: Chapter 15, Verse 19

યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ્ ।
સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારત ॥ ૧૯॥

ય:—જે; મામ્—મને; એવમ્—એ રીતે; અસમ્મૂઢ:—સંશય રહિત; જાનાતિ—જાણે છે; પુરુષ-ઉત્તમમ્—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર; સ:—તેઓ; સર્વ-વિત્—પૂર્ણ જ્ઞાની; ભજતિ—ભજે છે; મામ્—મને; સર્વ-ભાવેન—સર્વ પ્રકારે; ભારત—અર્જુન, ભારતપુત્ર.

Translation

BG 15.19: જે લોકો સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે જાણે છે, તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. હે અર્જુન, તેઓ પૂર્ણપણે સર્વ ભાવોથી મારી ભક્તિ કરે  છે.

Commentary

શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે કે ભગવાનની અનુભૂતિ ત્રણ પ્રકારે કરી શકાય છે:

            વદન્તિ તત્તત્ત્વવિદસ્તત્ત્વં યજ્જ્ઞાનમદ્વયમ્

           બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે (૧.૨.૧૧)

“સત્યના તત્ત્વવેત્તાઓ કહે છે કે, આ સંસારમાં એક જ પરમ તત્ત્વ છે, જે ત્રણ પ્રકારે પ્રગટ થાય છે—બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન.” આ ત્રણ પૃથક્ તત્ત્વો નથી, પરંતુ એક જ પરમ તત્ત્વના ત્રણ પ્રાગટ્ય છે. ઉદાહરણ તરીકે, જળ, બરફ અને બાષ્પ ત્રણ પૃથક્ તત્ત્વો દેખાય છે, પરંતુ તેઓ એક સમાન તત્ત્વના ત્રણ વિવિધ સ્વરૂપ છે. એ જ પ્રમાણે, બ્રહ્મ એ ભગવાનનું એ સ્વરૂપ છે કે જે નિરાકાર તથા સર્વ-વ્યાપક છે. જે લોકો જ્ઞાન-યોગના માર્ગનું અનુસરણ કરે છે, તેઓ ભગવાનનાં બ્રહ્મ સ્વરૂપની આરાધના કરે છે. પરમાત્મા એ પરમ તત્ત્વનું એ સ્વરૂપ છે, જે પરમાત્મા સ્વરૂપે સર્વ જીવોનાં અંત:કરણમાં નિવાસ કરે છે. અષ્ટાંગ-યોગના માર્ગમાં ભગવાનની અનુભૂતિ પરમાત્મા સ્વરૂપે થાય છે. ભગવાન એ પરમેશ્વરનું એ સ્વરૂપ છે કે જે સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે અને મધુર લીલાઓ કરે છે. ભક્તિ માર્ગમાં પરમેશ્વરની અનુભૂતિ ભગવાન સ્વરૂપે થાય છે. આ અંગે અગાઉ શ્લોક સં. ૧૨.૨માં વર્ણન કરવામાં આવ્યું છે.

આ અધ્યાયના બારમાં શ્લોકથી શ્રીકૃષ્ણ, ભગવાનનાં આ ત્રણેય સ્વરૂપોનું વર્ણન કરે છે. શ્લોક સં.૧૨ થી ૧૪માં સર્વ-વ્યાપક બ્રહ્મના પ્રાગટ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શ્લોક સં.૧૫માં પરમાત્મા સ્વરૂપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા શ્લોક સં. ૧૭ અને ૧૮માં ભગવાનનું વર્ણન છે. હવે, આ સર્વમાંથી કઈ અનુભૂતિ પૂર્ણ તથા સર્વશ્રેષ્ઠ છે? ભગવાન આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે આપે છે. જે લોકો ભક્તિ દ્વારા તેમને પૂર્ણ દિવ્ય પુરુષોત્તમ, ભગવાન સ્વરૂપે જાણે છે, તેઓ વાસ્તવમાં તેમનું પૂર્ણ જ્ઞાન ધરાવે છે. ભગવાન સ્વરૂપની અનુભૂતિ શા માટે સર્વશ્રેષ્ઠ છે, તેનું સ્પષ્ટીકરણ જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજે “ભક્તિ શતક”માં  આપ્યું છે. તેઓ ભાગવતમ્ નાં ઉપરોક્ત શ્લોકને ટાંકીને પ્રારંભ કરે છે:

            તીન રૂપ શ્રી કૃષ્ણ કો, વેદવ્યાસ બતાય,

           બ્રહ્મ ઔર પરમાત્મા, અરુ ભગવાન કહાય (ભક્તિ શતક દોહા સં. ૨૧)

“વેદ વ્યાસે દર્શાવ્યું છે કે પરમેશ્વર શ્રીકૃષ્ણ ત્રણ સ્વરૂપે પ્રગટ થાય છે—બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન.” પશ્ચાત્ તેઓ પૂર્ણ સત્યના આ ત્રણેય પ્રાગટ્યો અંગે વર્ણન કરે છે.

            સર્વશક્તિ સંપન્ન હો, શક્તિ વિકાસ ન હોય,

           સત ચિત આનઁદ રૂપ જો, બ્રહ્મ કહાવે સોય (ભક્તિ શતક દોહા સં. ૨૨)

“બ્રહ્મ સ્વરૂપે ભગવાનની અનંત શક્તિઓ સર્વથા સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેઓ કેવળ શાશ્વત જ્ઞાન અને આનંદ પ્રદર્શિત કરે છે.”

            સર્વશક્તિ સંયુક્ત હો, નામ રૂપ ગુણ હોય,

           લીલા પરિકર રહિત હો, પરમાત્મા હૈ સોય (ભક્તિ શતક દોહા સં. ૨૩)

“પરમાત્મા સ્વરૂપે ભગવાન તેમનાં રૂપ, નામ અને ગુણ પ્રગટ કરે છે. પરંતુ, તેઓ લીલા કરતા નથી કે તેમનાં કોઈ પરિકર હોતા નથી.”

           સર્વશક્તિ પ્રાકટ્ય હો, લીલા વિવિધ પ્રકાર,

           વિહરત પરિકર સંગ જો, તેહિ ભગવાન પુકાર (ભક્તિ શતક દોહા સં. ૨૪)

“પરમેશ્વરના જે સ્વરૂપમાં તેઓ તેમની સર્વ શક્તિઓનું પ્રાકટ્ય કરે છે અને તેમના ભક્તો સાથે વિવિધ મધુર લીલાઓ કરે છે, તેને ભગવાન કહેવામાં આવે છે.” જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજ દ્વારા રચિત આ દોહાઓ સ્પષ્ટ કરે છે કે, બ્રહ્મ અને પરમાત્મા સ્વરૂપે ભગવાન તેમની સર્વ શક્તિઓને પ્રગટ કરતા નથી. પરમ તત્ત્વનો પૂર્ણ સાક્ષાત્કાર ભગવાન સ્વરૂપે થાય છે, જેમાં તેઓ તેમનાં સર્વ નામો, રૂપો, ગુણો, ધામો, લીલાઓ અને પરિકરોને પણ પ્રગટ કરે છે. (આ અંગે શ્લોક સં. ૧૨.૨માં પણ રેલગાડીના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે.) આ પ્રમાણે, જે લોકો તેમને પરમ દિવ્ય પુરુષોત્તમ, ભગવાન સ્વરૂપે જાણે છે, તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી સંપન્ન છે.