Bhagavad Gita: Chapter 15, Verse 18

યસ્માત્ક્ષરમતીતોઽહમક્ષરાદપિ ચોત્તમઃ ।
અતોઽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ॥ ૧૮॥

યસ્માત્—કારણ કે; ક્ષરમ્—નશ્વર; અતીત:—ગુણાતીત; અહમ્—હું; અક્ષરાત્—અવિનાશીથી; અપિ—પણ; ચ—અને; ઉત્તમ:—શ્રેષ્ઠ; અત:—તેથી; અસ્મિ—હું છું; વેદે—વેદોમાં; ચ—અને; પ્રથિત:—પ્રખ્યાત; પુરુષ-ઉત્તમ:—પરમ દિવ્ય પુરુષ.

Translation

BG 15.18: હું નશ્વર સાંસારિક પદાર્થો તથા અવિનાશી આત્માથી પણ અનુભવાતીત છું; તેથી વેદો અને સ્મૃતિઓમાં મને પરમ દિવ્ય પુરુષ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત કરાયો છે.

Commentary

પાછલા અમુક શ્લોકોમાં શ્રીકૃષ્ણે વિસ્તૃત રીતે વર્ણન કર્યું કે સૃષ્ટિનાં ભવ્ય પદાર્થો તેમના ઐશ્વર્યનું પ્રાગટ્ય છે. પરંતુ તેઓ દૃશ્યમાન બ્રહ્માંડનું સર્જન કરીને થાકતા નથી. તેમનું અતિન્દ્રિય વ્યક્તિત્ત્વ માયિક પ્રકૃતિ તથા દિવ્ય આત્મા આ બંનેથી પરે છે. અહીં, તે સ્વયંની દિવ્ય વિભૂતિને પુરુષોત્તમ સ્વરૂપે ઓળખાવે છે.

કોઈને એવી શંકા થઈ શકે કે શું ભગવાન કૃષ્ણ તથા જેનો તેઓ સંદર્ભ આપે છે, તે પરમાત્મા, બંને એક છે. આવા ભ્રામક અવશેષોને દૂર કરવા શ્રીકૃષ્ણ આ શ્લોકના શબ્દસમૂહોમાં સ્વયંનો એકવચન પ્રથમ પુરુષ તરીકે ઉલ્લેખ કરે છે. આગળ તેઓ કહે છે કે, વેદોમાં પણ તેમના અંગે આ પ્રકારની ઉદ્દઘોષણા કરવામાં આવી છે;

કૃષ્ણ એવ પરો દેવસ્ તં ધ્યાયેત્ તં રસયેત્ તં યજેત્ તં ભજેદ્ (ગોપાલ તાપની ઉપનિષદ્દ)

“શ્રીકૃષ્ણ પરમ ભગવાન છે. તેમનું ધ્યાન ધરો, તેમની ભક્તિ-રસનું પાન કરો અને તેમની આરાધના કરો.”

પુન:

        યોઽસૌ પરં બ્રહ્મ ગોપાલઃ (ગોપાલ તાપની ઉપનિષદ્દ)

“ગોપાલ (શ્રીકૃષ્ણ) પરમ બ્રહ્મ છે.”

કોઈ ભગવાન વિષ્ણુ, ભગવાન રામ, ભગવાન શિવ વગેરેનાં સ્થાન અંગે પ્રશ્ન કરી શકે છે. તેઓ સર્વ એક જ પરમ બ્રહ્મનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપો છે અને તેઓ એકબીજાથી અભિન્ન છે. પરિણામ સ્વરૂપે, તેઓ સર્વ ભગવાનનાં અથવા તો પરમ દિવ્ય પુરુષનાં પ્રાગટય સ્વરૂપો છે.