Bhagavad Gita: Chapter 15, Verse 7

મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ ।
મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ॥ ૭॥

મમ—મારા; એવ—કેવળ; અંશ:—સૂક્ષ્મ અંશ; જીવ-લોકે—માયિક સંસારમાં; જીવ-ભૂત:—દેહધારી આત્માઓ; સનાતન:—શાશ્વત; મન:—મન; ષષ્ઠાનિ—છ; ઈન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; પ્રકૃતિ-સ્થાનિ—માયિક પ્રકૃતિથી બદ્ધ; કર્ષતિ—સંઘર્ષ કરે છે.

Translation

BG 15.7: આ માયિક સંસારમાં દેહધારી આત્માઓ મારા અતિ સૂક્ષ્મ અંશ છે. પરંતુ માયિક પ્રકૃતિથી બદ્ધ તેઓ મન સહિતની છ ઈન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે.

Commentary

શ્રી કૃષ્ણે અગાઉ સમજાવ્યું કે જે તેમના ધામમાં જાય છે, તેઓ પાછા ફરતા નથી. હવે તેઓ જે આત્માઓ માયિક ક્ષેત્રમાં રહે છે તેઓ અંગે સમજાવે છે. પ્રથમ તો તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ પણ તેમના સૂક્ષ્મ અંશ છે.

તેથી, હવે આપણે ભગવાનનાં અંશના પ્રકારો સમજીએ. તેમનાં બે પ્રકારો છે:

૧. સ્વાંશ. આ સર્વ ભગવાનના અવતારો છે, જેમ કે, રામ, નૃસિંહ, વરાહ વગેરે. તેઓ શ્રીકૃષ્ણથી અભિન્ન છે અને તેથી તેમને સ્વાંશ કહેવામાં આવે છે. જેનો અર્થ છે, સમન્વિત અંશ.

૨. વિભિન્નાંશ. આ ભગવાનથી પૃથક્ અંશ છે. તેઓ પ્રત્યક્ષ રીતે ભગવાનના અંશ નથી, પરંતુ તેઓ તેમની આત્મ શક્તિ (જીવશક્તિ)ના અંશ છે. આ શ્રેણીમાં અસ્તિત્વના સર્વ જીવાત્માઓનો સમાવેશ થાય છે. આ અંગે શ્રી કૃષ્ણે શ્લોક સં. ૭.૫માં વર્ણન કર્યું છે: “હે બળવાન ભુજાઓધારી અર્જુન, માયિક શક્તિથી પરે મારી અન્ય એક શ્રેષ્ઠતર શક્તિ છે. આ છે દેહધારી આત્માઓ કે જે આ વિશ્વમાં જીવનનો આધાર છે.”

તદુપરાંત, વિભિન્નાંશ આત્માઓનાં ત્રણ પ્રકાર છે:

૧. નિત્ય સિદ્ધ. આ નિત્ય મુક્ત આત્માઓ છે અને તેથી તેઓ અનાદિકાળથી ભગવાનના દિવ્ય ધામમાં નિવાસ કરે છે અને દિવ્ય લીલાઓમાં ભાગ લે છે.

૨. સાધન સિદ્ધ. આ એવા આત્માઓ છે કે જેઓ આપણી સમાન અગાઉ માયિક ક્ષેત્રમાં હતા, પરંતુ તેમણે સાધના કરીને ભગવદ્દ- પ્રાપ્તિ કરી હોય છે. હવે તેઓ શેષ શાશ્વતતા માટે દિવ્ય ક્ષેત્રમાં નિવાસ કરે છે અને ભગવાનની લીલાઓમાં ભાગ લે છે.

૩. નિત્ય બદ્ધ. આ એ આત્માઓ છે કે જેઓ અનંતકાળથી માયિક ક્ષેત્રમાં છે. તેઓ પાંચ ઈન્દ્રિયો અને મન સાથે દેહ ધારણ કરીને સંઘર્ષ કરે છે.

કઠોપનિષદ્દ વર્ણન કરે છે:

           પરાઞ્ચિ ખાનિ વ્યતૃણત્સ્વયમ્ભૂઃ (૨.૧.૨)

“સર્જનહાર બ્રહ્માએ ઈન્દ્રિયોને એવી બનાવી છે કે તેઓ વિશ્વમાં બહિર્મુખ રહે છે.” આ વિભિન્નાંશ નિત્ય બદ્ધ જીવો માટે શ્રીકૃષ્ણ વર્ણન કરે છે કે, તેઓ મન અને ઇન્દ્રિયોને સંતૃપ્ત કરવા સંઘર્ષ કરે છે અને આ પ્રક્રિયામાં દુઃખોનો અનુભવ કરે છે. હવે તેઓ આગામી શ્લોકમાં જયારે મૃત્યુ પશ્ચાત્ આત્મા અન્ય શરીરમાં ગમન કરે છે ત્યારે મન અને ઈન્દ્રિયોનું શું થાય છે, તે અંગે વ્યાખ્યા કરે છે.