Bhagavad Gita: Chapter 8, Verse 12

સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ ।
મૂર્ધ્ન્યાધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્ ॥ ૧૨॥

સર્વ-દ્વારાણિ—સર્વ દ્વારો; સંયમ્ય—સંયમમાં રાખીને; મન:—મન; હ્રદિ—હૃદયમાં; નિરુધ્ય—બંધ કરીને; ચ—અને; મૂર્ધનિ—માથામાં; આધાય—સ્થાપિત; આત્મન:—આત્માના; પ્રાણમ્—પ્રાણવાયુને; આસ્થિત:—(માં)સ્થિત; યોગ-ધારણામ્—યોગમાં એકાગ્રતા.

Translation

BG 8.12: સર્વ દ્વારોને સંયમમાં રાખીને, મનને હૃદયનાં ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને, વ્યક્તિએ દૃઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ.

Commentary

સંસાર ઇન્દ્રિયો દ્વારા મનમાં પ્રવેશ કરે છે. પ્રથમ આપણે બોધનીય વિષયોને જોઈએ છીએ, સૂંઘીએ છીએ, સાંભળીએ છીએ, સ્પર્શ કરીએ છીએ અને સ્વાદ ચાખીએ છીએ. પશ્ચાત્ મન આ વિષયોમાં વસી જાય છે. પુનરાવર્તિત ચિંતન આસક્તિ ઉત્પન્ન કરે છે, જે પુન: મનમાં વિચારોનું સ્વત: પુનરાવર્તન સર્જે છે. આ દૃષ્ટિએ સંસારને મનથી બહાર રાખવા માટે ઈન્દ્રિયોનો સંયમ અતિ આવશ્યક પાસું છે. ધ્યાનના જે સાધક આ વિષયની ઉપેક્ષા કરે છે, તેમણે અનિયંત્રિત ઇન્દ્રિયો દ્વારા સર્જિત સાંસારિક વિચારોનાં અવિરત પ્રવાહો સાથે સતત ઝઝૂમવું પડે છે. તેથી, શ્રીકૃષ્ણ શરીરના આ દ્વારોને સુરક્ષિત રાખવાનો ઉપદેશ આપે છે. સર્વ-દવારાણિ-સંયમ્ય  અર્થાત્ ‘શરીરમાં પ્રવેશતા માર્ગોને નિયંત્રિત કરવા.’ આનો અર્થ છે, ઇન્દ્રિયોને તેમની સાહજિક બાહ્ય વૃત્તિઓ પ્રત્યે નિયંત્રિત કરવી. હૃદિ-નિરુધ્ય અર્થાત્ ‘મનને હૃદયમાં સ્થિત કરવું.’ આનું તાત્પર્ય છે, મનની ભક્તિપૂર્ણ ભાવનાઓને તે સિંહાસન પર બિરાજમાન અક્ષરમ્  અવિનાશી પરમ પુરુષોત્તમ પ્રત્યે નિર્દેશિત કરવી. યોગ-ધારણામ્  અર્થાત્ ‘ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરવું.’ તેનું તાત્પર્ય છે, પૂર્ણ એકાગ્રતા સાથે તેમનું ધ્યાન ધરવું.