Bhagavad Gita: Chapter 8, Verse 8

અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના ।
પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિન્તયન્ ॥ ૮॥

અભ્યાસ-યોગ—યોગના અભ્યાસથી; યુક્તેન—સ્મરણમાં નિરંતર લીન રહીને; ચેતસા—મન દ્વારા; ન-અન્ય-ગામિના—વિચલિત થયા વિના; પરમમ્ પુરુષમ્—પરમ પુરુષોત્તમ ભગવાન; દિવ્યમ્—દિવ્ય; યાતિ—પ્રાપ્ત કરે છે; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; અનુચિન્તયન્—નિરંતર ચિંતન કરતો.

Translation

BG 8.8: હે પાર્થ, અભ્યાસ દ્વારા જયારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા— પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના — સ્મરણમાં સદૈવ મગ્ન રાખીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ.

Commentary

મનને સદૈવ ભગવાનના ધ્યાનમાં મગ્ન રાખવાનો આ ઉપદેશ ભગવદ્ ગીતામાં અનેક સ્થાને પુનરાવર્તિત કરવામાં આવ્યો છે. અહીં કેટલાક શ્લોક પ્રસ્તુત કર્યા છે:

            અનન્યચેતાઃ સતતં ૮.૧૪

            તેષાં સતતયુક્તાનાં ૧૦.૧૦

            મય્યેવ મન આધત્સ્વ ૧૨.૮

અભ્યાસ શબ્દનો અર્થ છે, સાધના—મનને ભગવાનના ધ્યાન માટે પ્રશિક્ષિત કરવું અને મહાવરો કરવો. આ પ્રકારની સાધના દિવસના કોઈ નિશ્ચિત સમયે, કોઈ નિયમિત સમયાંતરે નહીં પરંતુ નિરંતર અને જીવનની દૈનિક સર્વ પ્રવૃત્તિઓ સાથે કરવી જોઈએ.

જયારે મન ભગવાન પ્રત્યે અનુરક્ત થઈ જાય છે ત્યારે તે સાંસારિક કર્તવ્યોનું પાલન કરવા છતાં પણ પવિત્ર થઈ જાય છે. તે સ્મરણમાં રાખવું આવશ્યક છે કે આપણા શરીર દ્વારા કરવામાં આવેલા કર્મો નહીં પરંતુ જેનું આપણે આપણા મનથી ચિંતન કરીએ છીએ તે આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે. મનને ભક્તિમાં તલ્લીન કરવાનું છે અને મનને ભગવાનને સમર્પિત કરવાનું છે અને જયારે ચેતના પૂર્ણપણે ભગવાનમાં તલ્લીન થઈ જશે ત્યારે વ્યક્તિ દિવ્ય કૃપા પ્રાપ્ત કરશે. ભગવાનની કૃપા દ્વારા વ્યક્તિ માયિક બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે અને અનંત દિવ્ય આનંદ, દિવ્ય જ્ઞાન અને ભગવાનનો દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરશે. આવા જીવાત્મા આ જ શરીરમાં રહીને ભગવદ્-પ્રાપ્તિ કરે છે અને શરીર છોડયા પશ્ચાત્ ભગવદ્ ધામમાં જાય છે.