Bhagavad Gita: Chapter 8, Verse 18

અવ્યક્તાદ્ વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્ત્યહરાગમે ।
રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસઞ્જ્ઞકે ॥ ૧૮॥

અવ્યક્તાત્—અવ્યક્તમાંથી; વ્યક્તય:—પ્રગટ થયેલા; સર્વાં:—સર્વ; પ્રભવન્તિ—પ્રગટ થાય છે; અહ:-આગમે—બ્રહ્માના દિવસના પ્રારંભે; રાત્રિ-આગમે—રાત્રિ સમયે; પ્રલીયન્તે—નષ્ટ થઈ જાય છે; તત્ર—તેમાં; એવ—નિશ્ચિત; અવ્યક્ત-સંજ્ઞકે—જે અપ્રગટ કહેવાય છે.

Translation

BG 8.18: બ્રહ્માના દિવસના આરંભકાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુન: તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે.

Commentary

બ્રહ્માંડની અદ્ભૂત બ્રહ્માંડીય રમતમાં અસ્તિત્વ ધરાવતા વિવિધ લોક અને તેમની ગ્રહ પ્રણાલીઓમાં સર્જન, સંરક્ષણ અને વિલય (સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય)ના ચક્રનું પુનરાવર્તન થતું રહે છે. બ્રહ્માનો દિવસ જે ૪,૩૨૦,૦૦૦,૦૦૦ વર્ષને સમતુલ્ય છે, જે એક કલ્પ સમાન છે. તેના અંતે મહરલોક સુધીના લોકોની પ્રણાલી નષ્ટ થઈ જાય છે. તેને નૈમિત્તિક પ્રલય (આંશિક પ્રલય) કહેવામાં આવે છે. શ્રીમદ્ ભાગવતમ્ માં શુકદેવજી પરીક્ષિતને કહે છે કે જે પ્રમાણે એક શિશુ દિવસ દરમિયાન તેના રમકડાંઓથી એક સંરચના તૈયાર કરે છે અને સૂતાં પહેલા તેને છુટ્ટી પાડી દે છે, તે જ પ્રમાણે, બ્રહ્મા જાગૃત થાય છે ત્યારે લોક-પ્રણાલીનું સર્જન તથા તેમાં જીવનની રચના કરે છે અને નિંદ્રા પૂર્વે તેને વેરવિખેર કરી દે છે.

બ્રહ્માના જીવનના ૧૦૦ વર્ષોના અંતે સમગ્ર બ્રહ્માંડ વિલીન થઈ જાય છે. આ સમયે સમગ્ર માયિક સર્જન સંકેલાઈ જાય છે. પંચ મહાભૂત પંચ–તન્માત્રાઓમાં વિલીન થઈ જાય છે, પંચ-તન્માત્રાઓ અહંકારમાં વિલીન થઈ જાય છે, અહંકાર મહાનમાં વિલીન થઈ જાય છે અને મહાન પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. પ્રકૃતિ એ માયિક શક્તિ — માયાનું અતિ સૂક્ષ્મ સ્વરૂપ છે. માયા તેના મૂળભૂત સ્વરૂપમાં પરમાત્મા મહા વિષ્ણુના દેહમાં જઈને સ્થિત થઈ જાય છે. આને પ્રાકૃત પ્રલય અથવા તો મહા પ્રલય કહે છે. પુન: જયારે મહા વિષ્ણુ સૃષ્ટિના સર્જનની ઈચ્છા કરે છે ત્યારે તેમના કેવળ દૃષ્ટિપાતથી આ બધું પ્રગટ થવા લાગે છે. પ્રકૃતિમાંથી મહાનનું સર્જન થાય છે; મહાનમાંથી અહંકારનું સર્જન થાય છે; અહંકારમાંથી પંચ તન્માત્રાઓનું સર્જન થાય છે; પંચ તન્માત્રાઓમાંથી પંચ મહાભૂતનું સર્જન થાય છે. આ પ્રમાણે, અસંખ્ય બ્રહ્માંડોનું સર્જન થાય છે.

આધુનિક વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આકાશગંગામાં ૧૦૦ અબજ તારાઓ છે. બ્રહ્માંડમાં આવી આકાશગંગા સમાન એક અબજ તારા સમૂહો છે. આ પ્રમાણે, વૈજ્ઞાનિકોના અંદાજ અનુસાર આપણા બ્રહ્માંડમાં ૧૦૨૦ તારાઓ છે. વેદો પ્રમાણે, આપણા બ્રહ્માંડ સમાન ભિન્ન કદ અને વિશેષતાઓ ધરાવતાં અસંખ્ય બ્રહ્માંડો છે. જયારે મહા વિષ્ણુ શ્વાસ લે છે ત્યારે પ્રત્યેક શ્વાસે તેમના શરીરના છિદ્રોમાંથી અનંત બ્રહ્માંડો પ્રગટ થાય છે અને જયારે તેઓ ઉચ્છ્વાસ બહાર કાઢે છે ત્યારે આ સર્વ બ્રહ્માંડો પાછા વિલીન થઈ જાય છે. આ પ્રમાણે બ્રહ્માનાં જીવનના ૧૦૦ વર્ષો સમાન મહા વિષ્ણુનો એક શ્વાસ છે. પ્રત્યેક બ્રહ્માંડના એક બ્રહ્મા, એક વિષ્ણુ અને એક શંકર છે. તેથી અસંખ્ય બ્રહ્માંડોમાં અસંખ્ય બ્રહ્મા, વિષ્ણુ અને શંકર છે. સર્વ બ્રહ્માંડોનાં સર્વ વિષ્ણુ મહા વિષ્ણુનું જ વિસ્તરણ છે.