Bhagavad Gita: Chapter 8, Verse 3

શ્રીભગવાનુવાચ ।
અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે ।
ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસઞ્જ્ઞિતઃ ॥ ૩॥

શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; અક્ષરમ્—અવિનાશી; બ્રહ્મ—બ્રહ્મ; પરમમ્—પરમ; સ્વભાવ:—પ્રકૃતિ; અધ્યાત્મમ્—પોતાનો આત્મા; ઉચ્યતે—કહેવાય છે; ભૂત-ભાવ-ઉદ્ભવ-કર:—પ્રાણીઓના ભૌતિક શરીર સંબંધિત કાર્યો અને વિકાસ; વિસર્ગ:—સર્જન; કર્મ—સકામ કર્મ; સંઞ્જ્ઞિત—કહેવાય છે.

Translation

BG 8.3: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: પરમ અવિનાશી તત્ત્વને બ્રહ્મ કહેવામાં આવે છે; પ્રાણીના પોતાના આત્માને અધ્યાત્મ કહેવાય છે. પ્રાણીઓના દૈહિક માયિક વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે.

Commentary

શ્રીકૃષ્ણ કહે છે કે પરમ તત્ત્વને બ્રહ્મ કહેવાય છે. (વેદોમાં ભગવાનને અનેક નામોથી સંબોધિત કરવામાં આવ્યા છે અને તેમાંનું એક નામ બ્રહ્મ છે.) તે સ્થાન, સમય અને કાર્ય-કારણની કડીઓથી પરે છે. આ સર્વે માયિક ક્ષેત્રના લક્ષણ છે, જયારે બ્રહ્મ લૌકિક સૃષ્ટિથી પરે છે. તેઓ બ્રહ્માંડના પરિવર્તનોથી પ્રભાવિત થતા નથી અને અવિનાશી છે. તેથી, તેને અક્ષરમ્ કહેવાય છે. બૃહદારણ્યક ઉપનિષદ્દ (૩.૮.૮)માં બ્રહ્મનું વર્ણન આ જ પ્રકારે કરવામાં આવ્યું છે: “વિદ્વાનો બ્રહ્મને અક્ષર (અવિનાશી) કહે છે. તેમને પરમ તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે કારણ કે તેઓ માયા તથા આત્માઓ જે ગુણોથી સંપન્ન છે, તેનાથી પણ પરે એવા ગુણોના સ્વામી છે.”

આધ્યાત્મિકતાના માર્ગને અધ્યાત્મ કહેવામાં આવે છે અને આત્માના વિજ્ઞાનને પણ અધ્યાત્મ કહેવામાં આવે છે. પરંતુ અહીં આ શબ્દનો ઉપયોગ જીવાત્મા માટે થયો છે, જેમાં આત્મા,શરીર, મન અને બુદ્ધિનો સમાવેશ થાય છે.

કર્મ એ મનુષ્ય દ્વારા કરવામાં આવતાં કાર્યો છે, જે મનુષ્યના જન્મોજન્મનાં અસ્તિત્વની વિશેષ પરિસ્થતિનું નિર્માણ કરે છે. આ કર્મો આત્માને સંસારમાં (માયિક અસ્તિત્વના ચક્રમાં) પરિભ્રમણ કરાવે છે.