Bhagavad Gita: Chapter 8, Verse 16

આબ્રહ્મભુવનાલ્લોકાઃ પુનરાવર્તિનોઽર્જુન ।
મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે ॥ ૧૬॥

આ-બ્રહ્મ-ભુવનાત્—બ્રહ્મલોક પર્યંત; લોકા:—બધા લોક; પુન: આવર્તિન:—પુન: જન્મ પામનારા; અર્જુન—અર્જુન; મામ્—મને; ઉપેત્ય—પામીને; તુ—પરંતુ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પુન: જન્મ—પુનર્જન્મ; ન—કદાપિ નહીં; વિદ્યતે—થતો.

Translation

BG 8.16: હે અર્જુન, બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિના સર્વ લોકમાં તું પુનર્જન્મને પામીશ. પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કૌન્તેય, કદાપિ પુન: જન્મ થતો નથી.

Commentary

વૈદિક ગ્રંથો પૃથ્વી લોકથી નીચેના સાત લોકનું વર્ણન કરે છે—તળ, અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, પાતાળ. આને નર્ક અથવા નરકીય લોક કહેવાય છે. પૃથ્વી લોકથી આરંભ થઈને ઉચ્ચતર અન્ય સાત લોક પણ છે—ભૂ:, ભુવ:, સ્વ:, મહ:, જન:, તપ:, સત્ય:. આ લોકોને સ્વર્ગ અથવા સ્વર્ગીય લોક કહે છે. અન્ય ધાર્મિક પરંપરાઓમાં પણ સાત સ્વર્ગનું વર્ણન મળે છે. યહૂદી ધર્મમાં તલમુડ માં સાત સ્વર્ગોના નામનો ઉલ્લેખ છે, જેમાંઅરબોથ સર્વોચ્ચ લોક તરીકે નામાંકિત છે (જુઓ સામ ૬૮.૪). ઇસ્લામ ધર્મમાં પણ સાતવાં આસમાં (સાતમું આકાશ) દ્વારા સાત સ્વર્ગનો ઉલ્લેખ છે.

ભિન્ન-ભિન્ન ગ્રહના અસ્તિત્ત્વને પણ વિવિધ લોક તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર બ્રહ્માંડમાં ૧૪ લોક છે. તેમાં સર્વોચ્ચ લોક બ્રહ્માનો છે, જેને બ્રહ્મલોક કહેવામાં આવે છે. આ સર્વ લોક માયાના આધિપત્ય હેઠળ છે અને આ લોકના નિવાસીઓ જન્મ અને મૃત્યુના ચક્રને પાત્ર છે. શ્રીકૃષ્ણ પૂર્વ શ્લોકમાં આ સર્વ લોકનો દુ:ખાલયમ્ તથા અશાશ્વતમ્ (દુઃખોથી ભરેલું અને અલ્પકાલીન) તરીકે ઉલ્લેખ કરે છે.

સ્વર્ગલોકના સમ્રાટ ઇન્દ્રનું પણ એક દિવસ મૃત્યુ થાય છે. પુરાણોમાં વર્ણન છે કે એક વખત ઇન્દ્રે સ્વર્ગના શિલ્પી વિશ્વકર્માને ભવ્ય મહેલના નિર્માણનું કાર્ય સોંપ્યું. આ નિર્માણ કાર્ય જે પૂર્ણ થતું જ ન હતું, તેનાથી ચિંતિત વિશ્વકર્માએ અંતત: ભગવાનને સહાયતા માટે પ્રાર્થના કરી. ભગવાન ત્યાં પ્રગટ થયા અને ઇન્દ્રને પૂછયું, “આટલો ભવ્ય મહેલ! આનાં નિર્માણ માટે કેટલા વિશ્વકર્માઓને રોકવામાં આવ્યા છે?” ઇન્દ્રને આ પ્રશ્નથી આશ્ચર્ય થયું અને ઉત્તર આપ્યો કે “મને તો એમ જ છે કે એક જ વિશ્વકર્મા છે.” પ્રભુએ સ્મિત કર્યું અને કહ્યું, “આ બ્રહ્માંડ સહિત ૧૪ લોક છે અને તેમાં અસંખ્ય બ્રહ્માંડો છે. પ્રત્યેક બ્રહ્માંડમાં એક ઇન્દ્ર અને એક વિશ્વકર્મા છે.”

પશ્ચાત્, ઇન્દ્રે કીડીઓની હારમાળા તેના તરફ આવતી જોઈ. તેને કૌતુક થયું અને પૂછયું કે આટલી બધી  કીડીઓ ક્યાંથી આવી રહી છે? ભગવાને કહ્યું, “હું એ સર્વ આત્માઓને લઈ આવ્યો છું જેઓ એક સમયે તેમના પૂર્વ જન્મમાં ઇન્દ્ર હતા અને હવે કીડીના દેહમાં છે.” ઇન્દ્ર તેમની સંખ્યા જોઇને દિગ્મૂઢ થઈઇ ગયો.

એટલામાં જ લોમેશ ઋષિનો પ્રવેશ થયો. તેમણે તેમના શિર પર સાદડી ઉપાડી હતી; તેમની છાતી પર વાળનું ચક્ર હતું. તે કુંડાળામાંથી કેટલાક વાળ ખરી ગયા હતા, જેને કારણે રિક્ત સ્થાન દેખાતું હતું. ઇન્દ્રે તે ઋષિને આવકાર આપ્યો અને વિનમ્રતાથી પ્રશ્ન કર્યો કે, “શ્રીમાન, આપ શા માટે આ સાદડી તમારા શિર પર રાખો છો? અને તમારી છાતી પરના આ વાળના ચક્રનું તાત્પર્ય શું છે?”

લોમેશ ઋષિએ ઉત્તર આપ્યો કે, “મને ચિરાયુ (દીર્ઘ જીવન)નું વરદાન પ્રાપ્ત છે. આ બ્રહ્માંડના ઇન્દ્રના એક કાર્યકાળની સમાપ્તિએ એક વાળ ખરી જાય છે. જેને કારણે આ ચક્રમાં રિક્ત સ્થાન દેખાય છે. મારા શિષ્યો મારા નિવાસ માટે એક ઘરનું નિર્માણ કરવા ઈચ્છે છે પરંતુ મને લાગે છે કે જીવન તો ક્ષણભંગુર છે તો પછી અહીં શા માટે નિવાસસ્થાન બનાવવું જોઈએ? હું આ સાદડી રાખું છું, જે મને વર્ષા તેમજ સૂર્યના તાપથી રક્ષે છે. રાત્રિ સમયે હું તેને પાથરીને તેના પર સૂઈ જાઉં છે.” ઇન્દ્ર દિગ્મૂઢ થઈ ગયો અને વિચારવા લાગ્યો, “આ ઋષિ પાસે અનેક ઈન્દ્રોના જીવનકાળ જેટલો સમય છે અને છતાં એ કહે છે કે જીવન અલ્પકાલીન છે. તો પછી હું શા માટે આ ભવ્ય મહેલનું નિર્માણ કરાવી રહ્યો છું?” તેનો અહંકાર ચૂર ચૂર થઈ ગયો અને તેણે વિશ્વકર્માને મુક્ત કરી દીધા.

આ કથા પ્રસંગના પઠન સમયે આપણે પણ ભગવદ્ ગીતાની બ્રહ્માંડ મીમાંસા અંગેની અદ્ભુત આંતર-દૃષ્ટિ પ્રત્યે ચકિત થવાનું ચૂકવું ન જોઈએ. સોળમી સદીના અંતમાં નિકોલસ કોપરનિકસ, એ પ્રથમ પાશ્ચાત્ય વૈજ્ઞાનિક હતા, જેમણે ઉચિત સૂર્યકેન્દ્રીય સિદ્ધાંત પ્રસ્તુત કરતાં કહ્યું કે વાસ્તવમાં સૂર્ય એ બ્રહ્માંડનું કેન્દ્ર છે. ત્યાં સુધી સમગ્ર પશ્ચિમ જગત માનતું હતું કે બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી હતી. તત્પશ્ચાત્ ખગોળશાસ્ત્રમાં થયેલી પ્રગતિ દ્વારા સ્પષ્ટ થયું કે સૂર્ય પણ બ્રહ્માંડનું કેન્દ્ર નથી પરંતુ તે તારાસમૂહ, જેને આકાશગંગા કહેવામાં આવે છે, તેના અધિકેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. અધિક પ્રગતિથી વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ તારવ્યો કે આકાશ ગંગા જેવા અનેક તારાસમૂહો અસ્તિત્વ ધરાવે છે, જે પ્રત્યેકમાં આપણા સૂર્ય સમાન અસંખ્ય તારાઓ છે.

જેનાથી વિપરીત, પાંચ હજાર વર્ષો પૂર્વે વૈદિક તત્ત્વજ્ઞાને દર્શાવ્યું કે પૃથ્વી એ ભૂરલોક છે, જે સ્વર લોકની આસપાસ પરિભ્રમણ કરે છે અને તે બંનેની મધ્યે રહેલા પ્રદેશને ભુવરલોક કહે છે. સ્વરલોક પણ સ્થિર નથી; તે જન લોકના ગુરુત્ત્વાકર્ષણમાં સ્થિત છે અને તેમની મધ્યે જે ક્ષેત્ર છે, તેને મહરલોક કહેવાય છે. પરંતુ જનલોક પણ સ્થિર નથી; તે બ્રહ્મ લોક (સત્ય લોક)ની આસપાસ પરિભ્રમણ કરે છે અને તેમની મધ્યેના ક્ષેત્રને તપલોક કહે છે. આ ઉચ્ચતર સાત લોકનું વર્ણન કરે છે, એ જ પ્રમાણે સાત નિમ્નતર લોક પણ છે. આ પાંચ હજાર વર્ષો પૂર્વે પ્રદાન થયેલું આંતરજ્ઞાન અત્યંત અદ્ભુત છે.

શ્રીકૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે,બ્રહ્માંડના આ બધા ૧૪ લોક માયાના ક્ષેત્રમાં છે અને તેથી તેના નિવાસીઓ જન્મ અને મૃત્યુના ચક્રથી બાધિત છે. પરંતુ જેમને ભગવદ્-પ્રાપ્તિ થાય છે, તેઓ માયિક શક્તિના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. મૃત્યુ સમયે આ માયિક દેહનો ત્યાગ કરીને તેઓ ભગવાનનાં દિવ્ય ધામને પ્રાપ્ત કરે છે. ત્યાં તેઓ દિવ્ય દેહ પ્રાપ્ત કરીને ભગવાનની દિવ્ય લીલાઓમાં નિત્ય ભાગ લે છે. આ પ્રમાણે, તેમણે આ માયિક સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી. કેટલાક સંતો માયામાંથી મુક્તિ પ્રાપ્ત કરીને પણ પાછા આવે છે. પરંતુ તે કેવળ અન્ય લોકોને બંધનમાંથી મુક્ત કરવા માટે સહાયના પ્રયોજનથી અવતરિત થાય છે. આ એ મહાન અવતરિત સંતો અને પયગંબરો હોય છે કે જેઓ માનવજાતિના દિવ્ય કલ્યાણમાં વ્યસ્ત રહે છે.