Bhagavad Gita: Chapter 8, Verse 14

અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ ।
તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ ॥ ૧૪॥

અનન્ય ચેતા:—અવિચલિત મનથી; સતતમ્—સતત; ય:—જે; મામ્—મને; સ્મરતિ—સ્મરણ કરે છે; નિત્યશ:—નિયમિતરૂપે; તસ્ય—તેના માટે; અહમ્—હું; સુ-લભ:—સહજ પ્રાપ્ય; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; નિત્ય—નિત્ય; યુક્તસ્ય—પરોવાયેલા; યોગિન:—યોગીઓના.

Translation

BG 8.14: હે પાર્થ, જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે, હું તેમને સહજ રીતે સુલભ છું કારણ કે, તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે.

Commentary

સમગ્ર ભગવદ્ ગીતા દરમિયાન શ્રીકૃષ્ણએ પુન: પુન: ભક્તિ ઉપર ભાર મૂક્યો છે. અગાઉના શ્લોકમાં શ્રીકૃષ્ણે ભગવાનના ગુણ રહિત, નિરાકાર સ્વરૂપના ધ્યાનનું પ્રતિપાદન કર્યું. આ પ્રકારનું ધ્યાન કેવળ શુષ્ક નથી પરંતુ કઠિન પણ છે. તેથી હવે તેઓ અધિક સરળ વિકલ્પ અભિવ્યક્ત કરે છે, જે ભગવાનના સાકાર સ્વરૂપ જેવાં કે, કૃષ્ણ, રામ, શિવ, વિષ્ણુ વગેરેનું ધ્યાન છે. તેમાં ભગવાનના દિવ્ય સ્વરૂપનાં નામો, રૂપો, ગુણો, લીલાઓ, ધામો અને પરિકરોનો સમાવેશ થાય છે.

સમગ્ર ગીતામાં આ એક જ શ્લોક એવો છે કે જેમાં શ્રીકૃષ્ણ કહે છે કે તેમને પ્રાપ્ત કરવા સુલભ છે. પરંતુ, તેઓ અનન્ય-ચેતા: ની શરત રાખે છે, જેનો અર્થ છે, મન અનન્યપણે કેવળ અને એકમાત્ર તેમનામાં જ લીન હોવું જોઈએ. આ અનન્ય શબ્દ અતિ મહત્ત્વપૂર્ણ છે. વ્યુત્પત્તિ શાસ્ત્ર પ્રમાણે, ન અન્ય અથવા “અન્ય નહિ”. મન અન્ય કોઈ પ્રત્યે નહિ પરંતુ કેવળ એકમાત્ર ભગવાન પ્રત્યે જ આસકત હોવું જોઈએ. આ અનન્યતાની શરત ભગવદ્ ગીતામાં પુન: પુન: પ્રસ્તુત કરવામાં આવી છે.

            અનન્યાશ્ચિન્તયન્તો માં (૯.૨૨)

            તમેવ શરણં ગચ્છ (૧૮.૬૨)

            મામેકં શરણં વ્રજ (૧૮.૬૬)

અન્ય ગ્રંથોમાં પણ અનન્ય ભક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

            મામેકમેવ શરણાત્માનં સર્વદેહિનામ્ (ભાગવતમ્ ૧૧.૧૨.૧૫)

“કેવળ મારું શરણ ગ્રહણ કરો, જે સર્વ જીવોનો પરમ આત્મા છું.”

           એક ભરોસો એક બલ એક આસ વિસ્વાસ (રામાયણ)

“મારો કેવળ એક આધાર, એક શક્તિ, એક વિશ્વાસ અને એક આશ્રય છે, અને તે શ્રી રામ છે.”

           અન્યાશ્રયાણાં ત્યાગોઽનન્યતા (નારદ ભક્તિ દર્શન, સૂત્ર ૧૦)

“અન્ય સર્વ આશ્રયનો ત્યાગ કરીને કેવળ ભગવાન પ્રત્યે અનન્ય થાઓ.”

અનન્ય ભક્તિનું તાત્પર્ય છે કે મન કેવળ ભગવાનના નામો, રૂપો, ગુણો, લીલાઓ, ધામો અને પરિકરો પ્રત્યે જ આસક્ત હોવું જોઈએ. આનો તર્ક અતિ સરળ છે. સાધનાનો ઉદ્દેશ્ય મનનું શુદ્ધિકરણ છે અને તે કેવળ પૂર્ણ-શુદ્ધ ભગવાન પ્રત્યે તેને અનુરક્ત કરવાથી જ પરિપૂર્ણ થાય છે. પરંતુ, જો આપણે ભગવાનના ચિંતન દ્વારા મનને શુદ્ધ કરીને પુન: સંસારમાં ડૂબકીઓ મારીને તેને મલિન કરી દઈએ તો પછી આપણે ન જાણે કેટલી અવધિ સુધી પ્રયાસ કર્યા કરીએ પરંતુ તેને ક્યારેય શુદ્ધ કરી શકીશું નહિ.

આ જ ભૂલ અનેક લોકો કરે છે. તેઓ ભગવાનને પ્રેમ કરે છે પરંતુ તેઓ સંસારી લોકો અને પદાર્થોને પણ પ્રેમ કરે છે તથા તેમના પ્રત્યે આસકત રહે છે. તેથી સાધના દ્વારા તેમને જે કંઈ સકારાત્મક લાભ થયો હોય, તે સંસારી આસક્તિના કારણે દૂષિત થઈ જાય છે. જો તમે વસ્ત્રને ધોવા માટે તેના પર સાબુ ઘસતા હો અને સાથે-સાથે તેના પર ગંદકી પણ નાખતા રહો તો તમારી બધી મહેનત વ્યર્થ થઇ જશે. તેથી, શ્રીકૃષ્ણ કહે છે કે કેવળ ભક્તિ નહિ પરંતુ તેમની અનન્ય ભક્તિથી તેઓ સરળતાથી પ્રાપ્ત થાય છે.