Bhagavad Gita: Chapter 8, Verse 4

અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ્ ।
અધિયજ્ઞોઽહમેવાત્ર દેહે દેહભૃતાં વર ॥ ૪॥

અધિભૂતમ્—સતત પરિવર્તનશીલ ભૌતિક પ્રાગટ્ય; ક્ષર:—નશ્વર;  ભાવ:—પ્રકૃતિ; પુરુષ:—ભૌતિક સર્જન પર વ્યાપ્ત ભગવાનનું બ્રહ્માંડીય સ્વરૂપ; ચ—અને; અધિદૈવમ્—સ્વર્ગીય દેવતાઓના સ્વામી; અધિયજ્ઞ:—સર્વ યજ્ઞોના સ્વામી; અહમ્—હું; એવ—નિશ્ચિત; અત્ર—અહીં; દેહે—આ શરીરમાં; દેહ-ભૃતામ્—શરીર ધારણ કરનારામાં;  વર—હે શ્રેષ્ઠ.

Translation

BG 8.4: હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ, ભૌતિક પ્રાગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અધિભૂત કહેવામાં આવે છે; ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદૈવ કહેવામાં આવે છે; પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વ યજ્ઞોનાં સ્વામી કહેવામાં આવે છે.

Commentary

પાંચ તત્ત્વો—પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ— આ સર્વના પ્રાગટ્યથી સમાવિષ્ટ બ્રહ્માંડના બહુદર્શી રૂપને અધિભૂત કહેવામાં આવે છે. વિરાટ પુરુષ કે જેમાં સમગ્ર ભૌતિક સૃષ્ટિ સમાવિષ્ટ છે તેવા ભગવાનના સંપૂર્ણ બ્રહ્માંડીય સ્વરૂપને અધિદૈવ કહેવામાં આવે છે. કારણ કે તેઓ દેવતાઓનું સર્વોપરી આધિપત્ય કરે છે (સ્વર્ગીય દેવતાઓ બ્રહ્માંડના વિવિધ વિભાગોના પ્રશાસક છે). પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાન શ્રીકૃષ્ણ, જે સર્વ પ્રાણીઓના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે નિવાસ કરે છે તેમને અધિયજ્ઞ કહેવામાં આવે છે. સર્વ યજ્ઞો તેમની સંતુષ્ટિ માટે કરવામાં આવે છે. આ પ્રમાણે, તેઓ સર્વ યજ્ઞોની દિવ્ય સર્વોપરી સત્તા છે અને તેઓ સર્વ કર્મોનું ફળ પ્રદાન કરનારા છે.

આ તથા અગાઉનો શ્લોક અર્જુનના છ પ્રશ્નોના ઉત્તર આપે છે, જે મહદ્દઅંશે શબ્દોની પરિભાષા સંબંધિત છે. આવતા કેટલાક શ્લોક મૃત્યુ સમય સંબંધિત પ્રશ્નનો ઉત્તર આપે છે.