Bhagavad Gita: Chapter 14, Verse 20

ગુણાનેતાનતીત્ય ત્રીન્દેહી દેહસમુદ્ભવાન્ ।
જન્મમૃત્યુજરાદુઃખૈર્વિમુક્તોઽમૃતમશ્નુતે ॥ ૨૦॥

ગુણાન્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો; એતાન્—આ સર્વ; અતીત્ય—પાર કરીને; ત્રીન્—ત્રણ; દેહ—શરીર; સમુદ્ભવાન્—થી ઉત્પન્ન; જન્મ—જન્મ; મૃત્યુ—મૃત્યુ; જરા—વૃદ્ધાવસ્થા; દુ:ખૈ:—દુઃખ; વિમુક્ત:—માંથી મુક્ત: અમૃતમ્—અવિનાશી; અશ્નુતે—પ્રાપ્ત કરે છે.

Translation

BG 14.20: શરીર સાથે સંબંધિત માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણોથી ગુણાતીત થઈને, વ્યક્તિ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રાપ્ત કરે છે.

Commentary

જો આપણે ગંદા કૂવામાંથી જળ-પાન કરીશું તો આપણું પેટ અવશ્ય બગડશે. એ જ પ્રમાણે, જો આપણે ત્રણ ગુણોથી પ્રભાવિત હોઈશું તો આપણે તેનાં જન્મ, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેવાં પરિણામો અવશ્ય ભોગવવા પડશે. માયિક જીવનનાં આ ચાર મૂળભૂત દુઃખો છે. આ જ દુઃખોનું અવલોકન કરીને પ્રથમ સમયે જ ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું હતું કે, આ જગત દુઃખાલય છે અને પશ્ચાત્ તેમણે આ દુઃખોમાંથી મુક્ત થવાનો માર્ગ શોધ્યો.

વેદોમાં મનુષ્યો માટે અનેક આચાર-સંહિતાઓ, સામાજિક ઉત્તરદાયિત્ત્વ, કર્મકાંડો અને નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ નિયત ઉત્તરદાયિત્ત્વો અને આચાર-સંહિતાઓને સામૂહિક રીતે કર્મ ધર્મ,અથવા વર્ણાશ્રમ ધર્મ અથવા તો શારીરિક ધર્મ કહેવામાં આવે છે. તેઓ આપણને તમોગુણ અને રજોગુણથી ઉપર ઉઠીને સત્ત્વગુણમાં ઉન્નત થવામાં સહાય કરે છે. પરંતુ, સત્ત્વગુણ સુધી પહોંચવું એ પર્યાપ્ત નથી; તે પણ બંધનકારક જ છે. સત્ત્વગુણને સુવર્ણ બેડીઓના બંધન સાથે સરખાવી શકાય. આપણું લક્ષ્ય તો તેનાથી પણ પર, માયિક અસ્તિત્ત્વની કેદમાંથી મુક્ત થવાનું છે.

શ્રીકૃષ્ણ જણાવે છે કે જયારે આપણે આ ત્રણ ગુણોને પાર કરીએ છીએ, તત્પશ્ચાત્ માયા જીવને બંધનમાં બાંધી શકતી નથી. પરિણામે, જીવ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને શાશ્વતતા પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં, આત્મા સદૈવ શાશ્વત છે. પરંતુ તેનું માયિક શરીર સાથેનું તાદાત્મ્ય તેને જન્મ અને મૃત્યુના ભ્રમનો અનુભવ કરાવે છે. આ ભ્રામક અનુભવ આત્માની શાશ્વત પ્રકૃતિથી વિરૂદ્ધ છે, જે તેનાથી મુક્તિ ઈચ્છે છે. તેથી, માયિક ભ્રમ પ્રાકૃતિક રીતે જ આપણા આંતરિક ‘સ્વ’ ને  અસ્વસ્થ કરે છે અને આપણે બધાં આંતરિક રીતે અમરત્વનો સ્વાદ ઝંખીએ છીએ.