Bhagavad Gita: Chapter 14, Verse 9

સત્ત્વં સુખે સઞ્જયતિ રજઃ કર્મણિ ભારત ।
જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સઞ્જયત્યુત ॥ ૯॥

સત્ત્વમ્—સત્ત્વ ગુણ; સુખે—સુખમાં; સંજયતિ—બાંધે છે; રજ:—રજોગુણ; કર્મણિ—કર્મ તરફ; ભારત—અર્જુન, ભરતપુત્ર; જ્ઞાનમ્—જ્ઞાન; આવૃત્ય—આચ્છાદિત; તુ—પરંતુ; તમ:—તમોગુણ; પ્રમાદે—ભ્રમમાં; સંજયતિ—બાંધે છે; ઉત—ખરેખર.

Translation

BG 14.9: સત્ત્વ વ્યક્તિને માયિક સુખોમાં બાંધે છે; રજસ આત્માને પ્રવૃત્તિઓ પ્રત્યે અભિસંધિત કરે છે અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે.

Commentary

સત્ત્વગુણમાં માયિક અસ્તિત્ત્વના દુઃખોમાં ઘટાડો થાય છે તથા સાંસારિક કામનાઓ શાંત થઈ જાય છે. તેને પરિણામે વ્યક્તિમાં પરિસ્થિતિ પ્રત્યે સંતૃપ્તતાની ભાવના ઉત્પન્ન થાય છે. આ સારી બાબત છે પરંતુ તેની નકારાત્મક બાજુ પણ છે. ઉદાહરણ તરીકે, જે લોકો સંસારમાં દુઃખનો અનુભવ કરે છે અને પોતાના મનોરથોને કારણે વિહ્વળ થઈ જાય છે, તેઓ તેમની સમસ્યાઓના ઉકેલ માટે પ્રેરિત થાય છે અને આ પ્રેરણા કેટલીક વખત તેમને આધ્યાત્મિક માર્ગે લઈ આવે છે. પરંતુ જે સત્ત્વગુણથી સંપન્ન છે તે સરળતાથી સંતૃપ્ત થઈ જાય છે અને ગુણાતીત અવસ્થા તરફની ઉન્નતિ પ્રત્યે કોઈ રુચિ અનુભવતા નથી. સત્ત્વગુણ બુદ્ધિને જ્ઞાન દ્વારા પ્રકાશિત પણ કરે છે. જો આ જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનથી યુક્ત હોતું નથી તો તેવું જ્ઞાન અહંકારમાં પરિણમે છે અને અહંકાર ભગવદ્દ-ભક્તિના માર્ગમાં બાધક બને છે. પ્રાય: વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્વાનો વગેરેમાં આ જોવા મળે છે. તેઓ તેમના સમય અને શક્તિનો ઉપયોગ જ્ઞાનનાં સંવર્ધન માટે કરતા હોવાથી સામાન્યત: તેમનામાં સત્ત્વગુણનું આધિપત્ય જોવા મળે છે. પરંતુ, જે જ્ઞાન તેઓ ધરાવે છે, તે તેમને અહંકારી બનાવી દે છે. પરિણામે તેઓ એમ માનવા લાગે છે કે તેમની બુદ્ધિથી જે ગ્રાહ્ય છે તેનાથી પરે કોઈ સત્ય નથી. આ રીતે, તેમને શાસ્ત્રોમાં કે ભગવદ્દ-પ્રાપ્ત સંતોમાં શ્રદ્ધા વિકસિત કરવી કઠિન લાગે છે.

રજોગુણમાં વ્યક્તિ અથાક્ પરિશ્રમ પ્રત્યે પ્રેરિત થાય છે. તેમની સંસાર પ્રત્યેની આસક્તિ અને સુખ, પ્રતિષ્ઠા, સંપત્તિ તથા શારીરિક સુવિધાઓની પ્રાથમિકતા તેમને આ ધ્યેયો, જેને તેઓ અતિ અગત્યના માને છે, તેને સિદ્ધ કરવા કઠિન પરિશ્રમ કરવા તરફ ધકેલે છે. રજોગુણ સ્ત્રી અને પુરુષ વચ્ચે આકર્ષણની વૃદ્ધિ કરે છે અને કામનો ઉદ્ભવ કરે છે. આ વાસનાની તૃપ્તિ માટે સ્ત્રી અને પુરુષ પરિણય સંબંધમાં પ્રવેશે છે અને નિવાસસ્થાન બનાવે છે. નિવાસસ્થાનની જાળવણી સંપત્તિની આવશ્યકતાનું સર્જન કરે છે. તેથી તેઓ આર્થિક વિકાસ માટે અથાક્ પરિશ્રમ કરવાનો આરંભ કરે છે. તેઓ સતત ઉત્કટ રીતે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે પરંતુ પ્રત્યેક પ્રવૃત્તિ કર્મનું સર્જન કરે છે, જે તેમને માયિક અસ્તિત્ત્વમાં અધિક બાંધી દે છે.

તમોગુણ જીવની બુદ્ધિને આચ્છાદિત કરી દે છે. સુખની કામના હવે વિકૃત શૈલીમાં અભિવ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે, પ્રત્યેક વ્યક્તિ જાણે છે કે ધૂમ્રપાન કરવું એ સ્વાસ્થ્ય મારે હાનિકારક છે. સિગરેટના પ્રત્યેક પેકેટ ઉપર સરકારી અધિકારીઓ દ્વારા નિર્દિષ્ટ લિખિત ચેતવણી હોય છે. ધૂમ્રપાન કરનારો વ્યક્તિ તે વાંચે છે અને છતાં ધૂમ્રપાન કરવાનું છોડી શકતો નથી. આ થવાનું કારણ એ છે કે, બુદ્ધિ તેની વિવેક શક્તિ ગુમાવી દે છે અને ધૂમ્રપાન કરવાનું સુખ મેળવવા માટે સ્વ-હાનિની સજા ભોગવતા સંકોચ પામતા નથી. કોઈકે રમૂજમાં કહ્યું છે, “સિગારેટ એવી નળી છે, જેના એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે મૂર્ખ.” તમોગુણનો આવો પ્રભાવ છે, જે આત્માને અજ્ઞાનનાં અંધકારમાં બાંધી દે છે.