Bhagavad Gita: Chapter 14, Verse 16

કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્ત્વિકં નિર્મલં ફલમ્ ।
રજસસ્તુ ફલં દુઃખમજ્ઞાનં તમસઃ ફલમ્ ॥ ૧૬॥

કર્મણા:—કર્મોનું; સુ-કૃતસ્ય—શુદ્ધ; આહુ:—કહેવાયું છે; સાત્ત્વિકમ્—સત્ત્વગુણ; નિર્મલમ્—વિશુદ્ધ; ફલમ્—ફળ; રજસ:—રજોગુણ; તુ—વાસ્તવમાં; ફલમ્—ફળ; દુ:ખમ્—દુઃખ, અજ્ઞાનમ્—અજ્ઞાન; તમસ:—તમોગુણ; ફલમ્—ફળ.

Translation

BG 14.16: એવું કહેવાયું છે કે સત્ત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે. રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો દુઃખમાં પરિણમે છે, જયારે તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે.

Commentary

જે લોકો સત્ત્વગુણથી પ્રભાવિત હોય છે, તેઓ પવિત્રતા, સદ્દગુણ, જ્ઞાન તથા નિ:સ્વાર્થતાથી સંપન્ન હોય છે. તેથી, તેમના કર્મો પ્રમાણમાં વિશુદ્ધ ભાવનાયુક્ત હોય છે અને તે ઉન્નતિકારક અને સંતુષ્ટિયુક્ત ફળ પ્રદાન કરે છે. જે લોકો રજોગુણથી પ્રભાવિત હોય છે, તેઓ તેમની ઇન્દ્રિયો અને મનની તૃષ્ણાઓથી પ્રક્ષુબ્ધ હોય છે. તેમનાં કર્મો પાછળ તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય તેમની તથા તેમના આશ્રિતોની આત્મ-પ્રતિષ્ઠા અને ઇન્દ્રિય-સંતૃપ્તિની હોય છે. આ પ્રમાણે, તેમનાં કર્મો ઇન્દ્રિય-સુખોના ભોગ-વિલાસ તરફ અગ્રેસર કરે છે, જે અંતત: તેમની ઈન્દ્રિય-તૃષ્ણાઓને ઇંધણ પૂરું પડે છે. જે લોકો તમોગુણથી પ્રભાવિત હોય છે, તેમને શાસ્ત્રોક્ત આજ્ઞાઓ તથા આચાર-સંહિતા અંગે કોઈ આદરભાવ હોતો નથી. તેઓ વિકૃત આનંદ ભોગવવા માટે પાપયુક્ત કર્મો કરે છે, જે તેમને અધિક ભ્રમમાં લિપ્ત કરે છે.