Bhagavad Gita: Chapter 14, Verse 5

સત્ત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસમ્ભવાઃ ।
નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્ ॥ ૫॥

સત્ત્વમ્—સત્ત્વ ગુણ; રજ:—રજોગુણ; તમ:—તમોગુણ; ઈતિ—એ પ્રમાણે; ગુણા:—ગુણો; પ્રકૃતિ—ભૌતિક પ્રકૃતિ; સંભવા:—સમાવિષ્ટ; નિબધ્નન્તિ—બદ્ધ; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; દેહે—શરીરધારી આત્મા; અવ્યયમ્—અવિનાશી.

Translation

BG 14.5: હે મહાબાહુ અર્જુન, માયાશક્તિ ત્રણ ગુણોની બનેલી છે—સત્ત્વગુણ, રજોગુણ, અને તમોગુણ. આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે.

Commentary

સર્વ જીવ-સ્વરૂપો પુરુષ અને પ્રકૃતિમાંથી જન્મ પામે છે, તે અંગે વર્ણન કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે આગામી ૧૪ શ્લોકોમાં પ્રકૃતિ કેવી રીતે આત્માને બદ્ધ કરે છે, તે અંગે સમજાવે છે. તે દિવ્ય હોવા છતાં પણ તેનું શરીર સાથેનું તાદાત્મ્ય તેને માયિક પ્રકૃતિ સાથે બાંધી દે છે. માયા શક્તિ ત્રણ ગુણો ધરાવે છે—સત્ત્વ ગુણ, રજોગુણ અને તમોગુણ. તેથી પ્રકૃતિથી નિર્મિત શરીર, મન અને બુદ્ધિ પણ આ ત્રણ ગુણો ધરાવે છે.

ત્રણ રંગોની છાપના દૃષ્ટાંત દ્વારા આ વિષય સમજાવી શકાય. જો આમાંથી કોઈપણ રંગ કાગળ ઉપર મશીન દ્વારા અધિક માત્રામાં પ્રસરી જાય તો ચિત્ર તે રંગછટાથી પ્રભાવિત થાય છે. એ જ પ્રમાણે, પ્રકૃતિ ત્રણ ગુણોની શાહીથી સંપન્ન છે. મનુષ્યના વ્યક્તિગત વિચારો, બાહ્ય પરિસ્થિતિઓ, ભૂતકાળના સંસ્કારો, અને અન્ય પરિબળોને આધારે આમાંથી એક યા અન્ય ગુણ તે વ્યક્તિ પર હાવી થઈ જાય છે અને તે પ્રબળ પ્રભાવશાળી ગુણ તે વ્યક્તિના વ્યક્તિત્ત્વ પર તદ્દનુરૂપ છાયાનું સર્જન કરે છે. આમ, આત્મા આ પ્રબળ ગુણોના પ્રભાવ વચ્ચે અસ્થિરપણે ઝૂલ્યા કરે છે. શ્રીકૃષ્ણ હવે જીવ ઉપર આ ગુણોના પ્રભાવ અંગે વર્ણન કરે છે.