તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિનામ્ ।
પ્રમાદાલસ્યનિદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત ॥ ૮॥
તમ:—તમોગુણ; તુ—પરંતુ; અજ્ઞાન-જમ્—અજ્ઞાનથી ઉત્પન્ન; વિદ્ધિ—જાણ; મોહનમ્—ભ્રમ; સર્વ-દેહિનામ્—સર્વ દેહધારી આત્માઓ માટે; પ્રમાદ—પ્રમાદ; આલસ્ય—આળસ; નિદ્રાભિ:—અને નિદ્રા; તત્—તે; નિબધ્નાતિ—બદ્ધ કરે છે; ભારત—અર્જુન, ભરતપુત્ર.
Translation
BG 14.8: હે અર્જુન, તમોગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા દ્વારા સર્વ જીવોને ભ્રમિત કરે છે.
Commentary
તમોગુણ સત્ત્વ ગુણથી તદ્દન વિપરીત છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિ નિદ્રા, આળસ, નશો, હિંસા અને જુગારમાંથી સુખ પ્રાપ્ત કરે છે. તેઓ શું ઉચિત છે અને શું અનુચિત છે તેનો વિવેક ગુમાવી દે છે તથા તેમની સ્વ-કામનાઓની પૂર્તિ માટે અનૈતિક પ્રવૃત્તિઓનો આશ્રય લેતાં પણ અચકાતા નથી. તેમના કર્તવ્યોનું પાલન કરવું એ તેમના માટે બોજરૂપ બની જાય છે અને તેની તેઓ ઉપેક્ષા કરે છે. તેમનો પ્રમાદ (sloth) અને નિદ્રા પ્રત્યે અધિક ઝુકાવ રહે છે. આ પ્રમાણે, તમોગુણ આત્માને અજ્ઞાનના અંધકારની ગહનતામાં લઈ જાય છે. તે તેની આધ્યાત્મિક ઓળખાણ, જીવનનું ધ્યેય અને મનુષ્ય દેહથી પ્રાપ્ત ઉન્નતિના અવસર પ્રત્યે તદ્દન ઉપેક્ષિત બની જાય છે.