Bhagavad Gita: Chapter 14, Verse 19

નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ।
ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોઽધિગચ્છતિ ॥ ૧૯॥

ન—નહીં; અન્યમ્—અન્ય; ગુણેભ્ય:—ગુણોના; કર્તારમ્—કર્તા; યદા—જયારે; દૃષ્ટા—જોનારો; અનુપશ્યતિ—જોવું; ગુણેભ્ય:—ગુણોના; ચ—અને; પરમ્—દિવ્ય; વેત્તિ—જાણ; મત્-ભાવમ્—મારા દિવ્ય સ્વભાવને; સ:—તેઓ; અધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.

Translation

BG 14.19: જયારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કર્તા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે, ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે.

Commentary

ત્રણ ગુણોના જટિલ કાર્ય અંગે જ્ઞાન પ્રગટ કરીને શ્રીકૃષ્ણ હવે તેમના બંધનને તોડવા માટેનો સરળ ઉપાય દર્શાવે છે. આ વિશ્વમાં સર્વ જીવો ત્રણ ગુણોની પકડમાં છે અને તેથી આ ત્રણ ગુણો સંસારમાં થતાં સર્વ કાર્ય-કલાપોના સક્રિય કર્તા છે. પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમાંથી પર છે. તેથી, તેમને ત્રિ-ગુણાતીત (માયિક પ્રકૃતિથી પર) કહેવામાં આવે છે. એ જ પ્રમાણે, ભગવાન સંબંધિત સર્વ વિશેષતાઓ—તેમના નામ, રૂપ, ગુણ, લીલાઓ, ધામો અને સંતો—પણ ત્રિ-ગુણાતીત છે.

જો આપણે મનથી ત્રણ ગુણોના આધિપત્ય ધરાવતા પ્રદેશની અંતર્ગત કોઈપણ વિષય, પદાર્થ કે વ્યક્તિ પ્રત્યે આસક્ત થઈશું તો તેના પરિણામ સ્વરૂપે આપણા મન અને બુદ્ધિમાં તદ્દનુસાર રંગોની વૃદ્ધિ થશે. પરંતુ, જો આપણે મનને દિવ્ય પ્રદેશમાં અનુરક્ત કરીશું, તો તે ગુણાતીત થઈને દિવ્ય બને છે. જે લોકો આ સિદ્ધાંત સમજે છે, તેઓ સાંસારિક વિષયો અને લોકો સાથેના સંબંધોને શિથિલ કરવાનું આરંભી દે છે. તથા ભગવાન અને ગુરૂ સાથેના સંબંધને ભક્તિ દ્વારા દૃઢ કરે છે. આ તેમને ગુણાતીત બનવામાં અને ભગવાનની દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરવામાં સમર્થ બનાવે છે. આ અંગે ૧૪માં અધ્યાયના ૨૬મા શ્લોક (૧૪.૨૬)માં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.