Bhagavad Gita: Chapter 14, Verse 10

રજસ્તમશ્ચાભિભૂય સત્ત્વં ભવતિ ભારત ।
રજઃ સત્ત્વં તમશ્ચૈવ તમઃ સત્ત્વં રજસ્તથા ॥ ૧૦॥

રજ:—રજોગુણ; તમ:—તમોગુણ; ચ—અને; અભિભૂય—આધિપત્ય; સત્ત્વમ્—સત્ત્વગુણ; ભવતિ—બને છે; ભારત—અર્જુન, ભારતપુત્ર; રજ:—રજોગુણ; સત્ત્વમ્—સત્ત્વગુણ; તમ:—તમોગુણ; ચ—અને; એવ—વાસ્તવમાં; તમ:—તમોગુણ; સત્ત્વમ્—સત્ત્વગુણ; રજ:—રજોગુણ; તથા—પણ.

Translation

BG 14.10: હે ભરતપુત્ર, કેટલીક વાર સારાઈ (સત્ત્વ), આવેશ  (રજસ) અને અજ્ઞાન (તમસ) પર આધિપત્ય ધરાવે છે. કેટલીક વાર આવેશ (રજસ), ભલાઈ (સત્ત્વ) અને અજ્ઞાન (તમસ) પર વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીક વાર અજ્ઞાન (તમસ), ભલાઈ (સત્ત્વ) અને આવેશ (રજસ) પર હાવી થઈ જાય છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે સમજાવે છે કે, એક જ વ્યક્તિની પ્રકૃતિ કેવી રીતે ત્રણ ગુણો વચ્ચે ઝોલા ખાય છે. આ ત્રણ ગુણો પ્રાકૃત શક્તિમાં વિદ્યમાન હોય છે અને આપણું મન આ જ શક્તિમાંથી બનેલું છે. તેથી, આ ત્રણેય ગુણો આપણા મનમાં પણ વિદ્યમાન હોય છે. તેમની તુલના એક્બીજા સાથે સ્પર્ધા કરતા કુસ્તીબાજો સાથે કરી શકાય. પ્રત્યેક કુસ્તીબાજ અન્યને પછાડતા રહે છે અને તેથી ક્યારેક પ્રથમ કુસ્તીબાજ ઉપર હોય છે, ક્યારેક દ્વિતીય અને ક્યારેક તૃતીય. આ જ પ્રમાણે, ત્રણેય ગુણો વ્યક્તિના સ્વભાવ પર વર્ચસ્વ પ્રાપ્ત કરતા રહે છે, જે ત્રણ ગુણો વચ્ચે ઝૂલતો રહે છે. બાહ્ય વાતાવરણ, આંતરિક ચિંતન અને પૂર્વ જન્મનાં સંસ્કારોને આધારે એક કે અન્ય ગુણ આધિપત્ય સ્થાપવાનો આરંભ કરે છે. કોઈપણ ગુણનો પ્રભાવ કેટલો રહેશે તે અંગે કોઈ નિયમ નથી—કોઈપણ ગુણ મન અને બુદ્ધિ પર એક ક્ષણ જેટલી અલ્પાવધિ અથવા એક કલાક જેટલી દીર્ઘ અવધિ માટે હાવી રહી શકે છે.

જો સત્ત્વગુણનું આધિપત્ય હોય છે તો વ્યક્તિ શાંત, સંતૃપ્ત, ઉદાર, દયાળુ, સહાયક, નિર્મળ અને સ્થિર બને છે. જયારે રજોગુણની પ્રધાનતા હોય છે, ત્યારે વ્યક્તિ આસક્ત, પ્રક્ષુબ્ધ, મહત્ત્વાકાંક્ષી, અન્યની સરળતા પ્રત્યે ઈર્ષાળુ બને છે તથા ઇન્દ્રિય સુખ માટે ઉન્માદ વિકસિત કરે છે. જયારે તમોગુણ પ્રધાન હોય છે, ત્યારે વ્યક્તિ પર નિદ્રા, આળસ, ઘૃણા, ક્રોધ, આક્રોશ, હિંસા અને સંશય હાવી થઈ જાય છે.

ઉદાહરણ તરીકે, તમે પુસ્તકાલયમાં બેઠા છો અને અધ્યયનમાં વ્યસ્ત છો. ત્યાં કોઈ સાંસારિક ખલેલ પહોંચતો નથી અને તમારું મન સાત્ત્વિક બની જાય છે. તમારું અધ્યયન પૂર્ણ કર્યા પશ્ચાત્ તમે બેઠક ખંડમાં આવીને ટી.વી. ચાલુ કરો છે. તેના પર દર્શાવાતા ચિત્રો તમારાં મનને રાજસિક બનાવી દે છે અને ઇન્દ્રિયજન્ય સુખો માટેની લાલસામાં વૃદ્ધિ કરે છે. જયારે તમે તમારો મનભાવન કાર્યક્રમ નિહાળી રહ્યા હો છો ત્યારે પરિવારનો કોઈ સદસ્ય આવીને ટી.વી. બંધ કરી દે છે. આ ખલેલ મનમાં તમોગુણની વુદ્ધિ માટે કારણ બને છે અને તમે ક્રોધયુક્ત થઈ જાઓ છો. આ પ્રમાણે, મન આ ત્રણ ગુણો વચ્ચે ઝૂલતું રહે છે અને તેમના ગુણો અપનાવી લે છે.