અધ્યાય ૧૩: ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ

ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતા વચ્ચેના ભેદદર્શન દ્વારા યોગ

ભગવદ્દ ગીતામાં કુલ ૧૮ અધ્યાયો છે, જેનું સંપાદન ત્રણ વિભાગોમાં કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગના છ અધ્યાયોમાં કર્મયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. દ્વિતીય વિભાગમાં ભક્તિનો મહિમા તથા ભક્તિની પુષ્ટિ અર્થે ભગવાનના ઐશ્વર્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તૃતીય વિભાગના છ અધ્યાયમાં તત્ત્વજ્ઞાન (જ્ઞાન, શાસ્ત્રોક્ત વ્યાખ્યાઓ તથા સિદ્ધાંતો)નું વિસ્તારપૂર્વક વર્ણન થયું છે. આ અધ્યાય તૃતીય વિભાગના છ અધ્યાયોમાંથી પ્રથમ અધ્યાય છે અને તે બે વિભાવનાઓ—ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રનો જાણકાર)ને પ્રસ્તુત કરે છે. આપણે ક્ષેત્રને શરીર અને ક્ષેત્રજ્ઞને તેમાં નિવાસ કરતો આત્મા માની લઈએ, પરંતુ આ અતિ સામાન્ય સમજૂતી છે કારણ કે, ક્ષેત્રનો અર્થ વાસ્તવમાં અધિક વ્યાપક છે—તેમાં મન, બુદ્ધિ, અને અહંકાર તથા સર્વ માયિક ઘટકો કે જેનાથી આપણા વ્યક્તિત્ત્વનું નિર્માણ થાય છે તે સર્વનો સમાવેશ થાય છે. આ વ્યાપક દૃષ્ટિએ શરીરનું ક્ષેત્ર આત્મા એટલે કે “ક્ષેત્રનો જ્ઞાતા”ને છોડીને આપણા વ્યક્તિત્ત્વના સર્વ પાસાંઓને આવરી લે છે.

જે પ્રકારે, એક ખેડૂત ખેતરમાં બીજનું વાવેતર કરે છે અને તેના પાકની લણણી કરે છે, તે પ્રમાણે, આપણે આપણા શરીરરૂપી ક્ષેત્રમાં શુભ તથા અશુભ વિચારો અને કર્મોનું વાવેતર કરીએ છીએ અને તેના પરિણામ સ્વરૂપ ભાગ્યની લણણી કરીએ છીએ. ગૌતમ બુદ્ધે કહ્યું છે: “આપણે જે કંઈ છીએ તે આપણે શું વિચાર્યું છે તેનું પરિણામ છે, તે આપણા વિચારો પર સ્થાપિત છે અને તે આપણા વિચારોથી જ રચિત છે.” તેથી, આપણે જે વિચારીએ છીએ તેવા આપણે બની જઈએ છીએ. અમેરિકાના મહાન વિચારક, રાલ્ફ વાલ્ડો એમર્સને કહ્યું છે: “વિચાર એ પ્રત્યેક કાર્યનો પૂર્વજ છે.” તેથી આપણે શરીરરૂપી ક્ષેત્રનું ઉચિત વિચારો તથા કર્મો દ્વારા સંવર્ધન કરવાની કળા શીખવી જોઈએ. આ માટે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતા વચ્ચેની ભિન્નતાનું જ્ઞાન હોવું આવશ્યક છે. શ્રીકૃષ્ણ આ અધ્યાયમાં આ ભિન્નતા અંગે વિસ્તૃત વિશ્લેષણ કરે છે. તેઓ શરીરના ક્ષેત્રની સંરચના કરતી માયિક પ્રકૃતિનાં ઘટકોની ગણના કરે છે. તેઓ ભાવનાઓ, સંવેદનાઓ અને ઊર્મિઓના સ્વરૂપે ક્ષેત્રમાં ઉદ્ભવતા પરિવર્તનો અંગે વર્ણન કરે છે. તેઓ ક્ષેત્રને શુદ્ધ કરતા અને તેને જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરતા ગુણો અને વિશેષતાઓનો પણ ઉલ્લેખ કરે છે. આવું જ્ઞાન આપણને આત્મ-અનુભૂતિની પ્રાપ્તિમાં સહાયરૂપ થાય છે, જે ક્ષેત્રનો જ્ઞાતા છે. પશ્ચાત્ આ અધ્યાય ભગવાનનું વર્ણન કરે છે કે  જેઓ સર્વ જીવોનાં ક્ષેત્રોના પરમ જ્ઞાતા છે. તે પરમેશ્વર વિરોધાભાસી ગુણધર્મો ધારણ કરે છે અર્થાત્ એક જ સમયે વિરોધી ગુણો પ્રગટ કરે છે. આમ, તેઓ સૃષ્ટિમાં સર્વ-વ્યાપક પણ છે અને છતાં સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છે. આ પ્રમાણે, તેઓ સર્વ જીવોનાં પરમ-આત્મા છે.

આત્મા, પરમાત્મા અને માયિક પ્રકૃતિનું વર્ણન કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ જીવો દ્વારા થતાં કર્મો માટે કોણ ઉત્તરદાયી છે અને સંસારના વિશાળ ફલક ઉપર કાર્ય-કારણ માટે કોણ ઉત્તરદાયી છે તે અંગે સ્પષ્ટતા કરે છે. જે લોકોને આ ભિન્નતાનો બોધ છે અને કાર્યના કારણ અંગે સ્પષ્ટ નિર્દેશ કરે છે, તેઓ વાસ્તવમાં જોઈ શકે છે અને તેઓ જ્ઞાનમાં સ્થિત હોય છે. તેઓ સર્વ જીવોમાં પ્રવર્તમાન પરમાત્માનું દર્શન કરે છે અને તેથી તેઓ મનથી કોઈની અવહેલના કરતા નથી. તેઓ વિવિધ જીવોને એક જ માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે. જયારે તેઓ સમગ્ર અસ્તિત્વમાં એક-સમાન આધ્યાત્મિક મૂળાધારને વ્યાપ્ત જોવે છે ત્યારે તેઓ બ્રહ્મનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે.

અર્જુને કહ્યું, “હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે? હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે?

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર (કર્મક્ષેત્ર) કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણનાર) કહેવામાં આવે છે.

હે ભારતવંશી, હું સર્વ શરીરનાં કર્મક્ષેત્રોનો જ્ઞાતા પણ છું. શરીરની કર્મક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે.

હવે તું મારી પાસેથી આ સર્વ વિષે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે. તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે, તે શેમાંથી ઉત્પન્ન થાય છે, કર્મક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે, એ પણ હું સ્પષ્ટ કરીશ.

મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે. તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષત: બ્રહ્મસૂત્રમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવાઓ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે.

કર્મ ક્ષેત્ર પાંચ મહાન તત્ત્વો, અહંકાર, બુદ્ધિ, અપ્રગટ આદિ તત્ત્વ, અગિયાર ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને મન) તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે.

ઈચ્છા અને દ્વેષ, સુખ અને દુઃખ, શરીર, ચેતના તથા ઈચ્છા શક્તિ—આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે.

વિનમ્રતા, દંભથી મુક્તિ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરૂની ઉપાસના, શરીર અને મનની સ્વચ્છતા, દૃઢતા, આત્મસંયમ, ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ, અહંકારનો અભાવ, જન્મ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા; અનાસક્તિ, જીવનસાથી, સંતાનો, ઘર, વગેરે પ્રતિ મમતાનો અભાવ; જીવનની વાંછિત અને અવાંછિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા; મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ, એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા, આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની તાત્ત્વિક શોધ—આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છે અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું.

હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે, તે તારી સમક્ષ પ્રગટ કરીશ. તે અનાદિ બ્રહ્મ છે, જે અસ્તિત્ત્વ અને અસ્તિત્ત્વહીનથી પર છે.

તેમના શ્રીહસ્તો અને ચરણો, નેત્રો, શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે. તેમના કર્ણો પણ સર્વ સ્થાને છે કારણ કે, તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે.

યદ્યપિ તેમને સર્વ ઇન્દ્રિય-વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે. તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલનકર્તા છે. તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના ભોક્તા છે.

તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્ત્વ ધરાવે છે. તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય છે. તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે.

તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવમાત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોનાં પાલનકર્તા, સંહારક અને સર્જનહાર જાણ.

તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે. તેઓ જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ધ્યેય છે. તેઓ સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છે.

આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ, જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યો. કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે.

પ્રકૃતિ (માયા) અને પુરુષ (જીવાત્મા) આ બંને અનાદિ જાણ. એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયાં છે.

સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે; સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે.

જયારે પ્રકૃતિ (પ્રાકૃત શક્તિ)માં સ્થિત પુરુષ (જીવાત્મા) ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે, ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેનાં ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારણ બને છે.

શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે. તેઓને સાક્ષી, અનુમતિ પ્રદાન કરનાર, સહાયક, પરમ ભોક્તા, પરમ નિયંતા અને પરમાત્મા કહેવામાં આવે છે.

જે લોકો આ પરમાત્મા, જીવાત્મા, માયિક પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે, તે પુન: અહીં જન્મ લેતો નથી. તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય, તેઓ મુક્ત થઈ જાય છે.

કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંત:કરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે, જયારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

હજી અન્ય એવા લોકો પણ છે, જેઓ આ સાધનાના માર્ગોથી અનભિજ્ઞ છે, પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે. આ સંત-વાણીની શ્રવણ-ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે-ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે.

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્ત્વમાં તું જે કંઈપણ ચર અને અચર જોવે છે, તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ.

જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે, તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે  છે.

જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાનરૂપે ઉપસ્થિત જોવે છે, તેઓનું તેમના મન દ્વારા અધ:પતન થતું નથી. તેથી, તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે.

કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે, સર્વ કાર્યો (શરીરના) માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જયારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી.

જયારે તેઓ જીવોના જાત-જાતના વૈવિધ્યને એકસમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે, ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.

હે કૌન્તેય, પરમાત્મા અવિનાશી, અનાદિ અને માયિક ગુણોથી રહિત છે. શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે કે ન તો પ્રાકૃત શક્તિથી લિપ્ત થાય છે.

આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે, પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે, તેના પ્રત્યે લિપ્ત થતું નથી. એ જ પ્રમાણે, આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી.

જે પ્રમાણે, એક સૂર્ય સંપૂર્ણ સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે, તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને (ચેતનાથી) પ્રકાશિત કરે છે.

જે મનુષ્યો જ્ઞાન-દૃષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયિક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તે પરમ ધામને પ્રાપ્ત કરે છે.