Bhagavad Gita: Chapter 13, Verse 14

સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ ।
સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ॥ ૧૪॥

સર્વત:—સર્વત્ર; પાણિ—હાથ; પાદમ્—પગ; તત્—તે; સર્વત:—સર્વત્ર; અક્ષિ—નેત્ર; શિર:—માથું; મુખમ્—મુખ; સર્વત:—સર્વત્ર; શ્રુતિ-મત્—કર્ણયુક્ત; લોકે—બ્રહ્માંડમાં; સર્વમ્—સર્વ; આવૃત્ય—વ્યાપ્ત; તિષ્ઠતિ—અવસ્થિત છે.

Translation

BG 13.14: તેમના શ્રીહસ્તો અને ચરણો, નેત્રો, શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે. તેમના કર્ણો પણ સર્વ સ્થાને છે કારણ કે, તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે.

Commentary

પ્રાય: લોકો દલીલ કરે છે કે ભગવાનને હસ્ત, ચરણ, નેત્રો અને કર્ણો હોતા નથી. પરંતુ, શ્રીકૃષ્ણ કહે છે કે એ ભગવાન આ સર્વ ધરાવે છે અને તે પણ અસંખ્ય માત્રામાં. આપણે કદાપિ આપણા સીમિત જ્ઞાનની પરિધિમાં ભગવાનને વર્ણિત કરવાની જાળમાં ફસાવવું જોઈએ નહિ. તેઓ  કર્તુમકર્તું અન્યથા કર્તુમ્ સમર્થઃ  અર્થાત્ “તેઓ સંભવને અસંભવ અને અસંભવને સંભવમાં પરિવર્તિત કરી શકે છે.” એવા સર્વ-સમર્થ ભગવાન માટે એમ કહેવું કે તેઓ હાથ અને પગ ધરાવતા નથી, એ તો તેમના પર અંકુશ મૂકવા સમાન છે.

જો કે, ભગવાનનાં અંગો તથા ઇન્દ્રિયો દિવ્ય હોય છે, જયારે આપણા માયિક હોય છે. માયિક અને માયાતીત વચ્ચેનો ભેદ એ છે કે આપણી ઇન્દ્રિયો એક જ શરીરમાં સીમિત છે, જયારે ભગવાન અસંખ્ય હાથ, પગ, નેત્રો અને કર્ણો ધરાવે છે. આપણી ઇન્દ્રિયો કેવળ એક જ સ્થાને સ્થિત હોય છે, ત્યારે ભગવાનની ઇન્દ્રિયો સર્વત્ર અસ્તિત્વમાન હોય છે. તેથી, ભગવાન આ વિશ્વમાં જે થઈ રહ્યું છે તે સર્વ જોઈ શકે છે અને જે કંઈ કહેવામાં આવે છે તે તેમનું અંત:કરણ સાંભળી શકે છે. આ શક્ય છે કારણ કે, જેમ તેઓ સૃષ્ટિમાં સર્વ-વ્યાપક છે, તેમ તેમનાં નેત્રો અને કર્ણો પણ સર્વ-વ્યાપક છે. છાંદોગ્ય ઉપનિષદ્દ વર્ણન કરે છે:   સર્વં ખલ્વિદં બ્રહ્મ  (૩.૧૪.૧) “બ્રહ્મ સર્વત્ર છે.” તેથી, બ્રહ્માંડમાં ક્યાંય પણ તેમને સમર્પિત થતા પ્રસાદનો તેઓ સ્વીકાર કરે છે; તેઓ તેમના ભક્તોની પ્રાર્થનાઓને સાંભળે છે, ભલે પછી તેઓ કોઈ પણ સ્થાને હોય; અને ત્રણેય લોકમાં જે કંઈ થઈ રહ્યું છે તેના તેઓ સાક્ષી છે. જો એક જ સમયે લાખો ભક્તો તેમની આરાધના કરતા હોય, તો પણ તેમને તે સર્વની પ્રાર્થનાઓનો સ્વીકાર કરવામાં કોઈ સમસ્યા લાગતી નથી.