Bhagavad Gita: Chapter 13, Verse 26

અન્યે ત્વેવમજાનન્તઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે ।
તેઽપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણાઃ ॥ ૨૬॥

અન્યે—અન્ય; તુ—પરંતુ; એવમ્—એ પ્રમાણે; અજાનન્ત:—જેઓ (આધ્યાત્મિક માર્ગથી) અજાણ છે; શ્રુત્વા—સાંભળીને; અન્યેભ્ય:—બીજાઓથી; ઉપાસતે—ઉપાસનાનો આરંભ; તે—તેઓ; અપિ—પણ; ચ—અને; અતિતરન્તિ—પાર કરે છે; એવ—તો પણ; મૃત્યુમ્—મૃત્યુ; શ્રુતિ-પરાયણા:—શ્રવણભક્તિમાં પરાયણ.

Translation

BG 13.26: હજી અન્ય એવા લોકો પણ છે, જેઓ આ સાધનાના માર્ગોથી અનભિજ્ઞ છે, પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે. આ સંત-વાણીની શ્રવણ-ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે-ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે.

Commentary

આ એવા લોકો છે જેઓ સાધનાની પદ્ધતિથી અનભિજ્ઞ છે. પરંતુ કોઈક રીતે, તેઓ અન્યના માધ્યમથી જ્ઞાનનું શ્રવણ કરે છે અને પશ્ચાત્ આધ્યાત્મિક માર્ગ તરફ આકર્ષિત થાય છે. વાસ્તવમાં, પ્રાય: અધ્યાત્મમાં પ્રવેશતા અધિકાંશ લોકો સાથે આવું બને છે. તેઓને આધ્યાત્મિક જ્ઞાનનું કોઈ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત હોતું નથી, પરંતુ કોઈક રીતે તેમને તે વિષે શ્રવણ અથવા વાંચન કરવાનો અવસર પ્રાપ્ત થયો. પશ્ચાત્ તેમનો ભગવાનની ભક્તિમાં રસ વિકસિત થયો અને તેમણે તેમની યાત્રાનો પ્રારંભ કર્યો.

વૈદિક પરંપરામાં આધ્યાત્મિક ઉન્નતિ માટેના સશક્ત સાધન તરીકે સંત-વાણીના શ્રવણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શ્રીમદ્દ ભાગવતમ્ માં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન પૂછે છે: “હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, ઘૃણા વગેરે જેવા અવાંછિત વિકારોથી અંત:કરણને કેવી રીતે શુદ્ધ કરવું જોઈએ?” શુકદેવજીએ ઉત્તર આપ્યો:

            શૃણ્વતાં સ્વકથાં કૃષ્ણઃ પુણ્ય-શ્રવણ-કીર્તનઃ

           હૃદ્યન્તઃ સ્થો હ્યભદ્રાણિ વિધુનોતિ સુહૃત્સતામ્ (ભાગવતમ્ ૧.૨.૧૭)

“પરીક્ષિત! સંતોના મુખે કેવળ ભગવાનનાં દિવ્ય નામો, સ્વરૂપો, લીલાઓ, ગુણો, ધામો અને સંતોનાં વર્ણનનું શ્રવણ કરો. તે સ્વાભાવિક રીતે હૃદયમાં રહેલી અનંત જન્મોની અવાંછિત ગંદકી દૂર કરીને હૃદયને શુદ્ધ કરી દેશે.”

જયારે આપણે ઉચિત સ્રોત પાસેથી શ્રવણ કરીએ છીએ, ત્યારે આપણામાં આધ્યાત્મિકતાના પ્રમાણિત જ્ઞાનની ઉન્નતિ થાય છે. તદુપરાંત, જે સંત પાસેથી આપણે શ્રવણ કરીએ છીએ, તેમની અગાધ શ્રદ્ધા આપણામાં પ્રવાહિત થવાનો પ્રારંભ થાય છે. સંત-વાણીનું શ્રવણ કરવું એ આધ્યાત્મિક સત્યમાં શ્રદ્ધાનું સ્થાપન કરવાનો સરળતમ માર્ગ છે. આધ્યાત્મિક ક્રિયાઓ પ્રત્યેનો સંતના ઉત્સાહનો રંગ આપણને પણ લાગે છે. ભક્તિનો ઉત્સાહ સાધકને માયિક ચેતનાની જડતા પ્રત્યેની આધીનતા દૂર કરીને સાધનાના માર્ગ પર રહેલા વિઘ્નોને પાર કરવા માટે સક્ષમ કરે છે. હૃદયમાં ઉત્સાહ અને શ્રદ્ધા એ આધારશીલા છે, જેના પર ભક્તિનો મહેલ ટકી શકે છે.