Bhagavad Gita: Chapter 13, Verse 19

ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ ।
મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે ॥ ૧૯॥

ઈતિ—આ રીતે; ક્ષેત્રમ્—ક્ષેત્રની પ્રકૃતિ; તથા—અને; જ્ઞાનમ્—જ્ઞાનનો અર્થ; જ્ઞેયમ્—જ્ઞાનનો વિષય; ચ—અને; ઉક્તમ્—પ્રગટયું; સમાસત:—સંક્ષેપમાં; મત્-ભક્ત:—મારો ભક્ત; એતત્—આ; વિજ્ઞાય—જાણીને; મત્-ભાવાય—મારી દિવ્ય પ્રકૃતિ; ઉપપદ્યતે—પ્રાપ્ત કરે છે.

Translation

BG 13.19: આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ, જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યો. કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે આ વિષયના જ્ઞાનના ફળનો ઉલ્લેખ કરીને ક્ષેત્ર અને જ્ઞાનના તાત્પર્યના વર્ણનનું સમાપન કરે છે. પરંતુ, પુન: એકવાર તેઓ તેને ભક્તિમાં સમાવિષ્ટ કરીને કહે છે કે, કેવળ મારા ભક્તો વાસ્તવિક રીતે આ જ્ઞાનને સમજી શકે છે. જેઓ ભક્તિ રહિત કર્મ, જ્ઞાન, અષ્ટાંગ વગેરેની સાધના કરે છે, તેઓ ભગવદ્દ ગીતાના ભાવાર્થને વાસ્તવિક રીતે સમજી શકતા નથી. ભલે તેઓ એમ માનતા હોય કે તેઓ સમજે છે. ભગવદ્દ વિષયક જ્ઞાન તરફ અગ્રેસર કરતા સર્વ માર્ગોમાં ભક્તિ એ પરમાવશ્યક તત્ત્વ છે.

જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ આ અંગે સુંદર નિરૂપણ કરે છે:

જો હરિ સેવા હેતુ હો, સોઈ કર્મ બખાન

જો હરિ ભગતિ બઢાવે, સોઈ સમુઝિય જ્ઞાન (ભક્તિ શતક ૬૬)

“જે કર્મ ભગવદ્દ-સેવાના ઉદ્દેશ્યથી થયું હોય તે વાસ્તવિક કર્મ છે; અને જે જ્ઞાન ભગવદ્દ-પ્રેમમાં વૃદ્ધિ કરે છે, તે વાસ્તવિક જ્ઞાન છે.”

ભક્તિ આપણને કેવળ ભગવાનને જાણવામાં સહાય કરતી નથી, પરંતુ તે ભક્તને ભગવદીય બનાવી દે છે અને તેથી શ્રીકૃષ્ણ કહે છે કે ભક્તો તેમની પ્રકૃતિ પ્રાપ્ત કરે છે. આ અંગે વૈદિક ગ્રંથોમાં પુન: પુન: ભાર મૂકવામાં આવ્યો છે. વેદો વર્ણન કરે છે:

ભક્તિરેવૈનં નયતિ ભક્તિરેવૈનં પશ્યતિ ભક્તિરેવૈનં દર્શયતિ ભક્તિ વશઃ પુરુષો ભક્તિરેવ ભૂયસી

(માઠર શ્રુતિ)

“કેવળ ભક્તિ આપણને ભગવાન તરફ અગ્રેસર કરે છે. કેવળ ભક્તિ આપણને ભગવદ્દ-દર્શન કરાવે છે. કેવળ ભક્તિ આપણને ભગવાનની સન્મુખ લઇ જાય છે. ભગવાન ભક્તિને આધીન છે. તેથી, અનન્ય ભક્તિ કરો.” પુન: મુન્ડકોપનિષદ્દ વર્ણન કરે છે:

ઉપાસતે પુરુષં યે હ્યકામા-

સ્તે શુક્રમેતદતિવર્તન્તિ ધીરાઃ (૩.૨.૧)

“જેઓ સર્વ માયિક કામનાઓનો ત્યાગ કરીને પરમ દિવ્ય ભગવાનની ભક્તિમાં લીન રહે છે, તેઓ જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઇ જાય છે.” છતાં પુન: શ્વેતાશ્વતર ઉપનિષદ્દ વર્ણન કરે છે:

યસ્ય દેવે પરા ભક્તિર્યથા દેવે તથા ગુરૌ

તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ (૬.૨૩)

“જેઓ ભગવાનની દૃઢ ભક્તિ કરે છે અને ગુરુની પણ એ સમાન જ ભક્તિ કરે છે, એવા સંત પુરુષોના અંત:કરણમાં ભગવદ્દ-કૃપાથી વૈદિક ગ્રંથોનો ભાવાર્થ સ્વત: પ્રગટ થાય છે.” અન્ય વૈદિક ગ્રંથો પણ આ પુનરોક્તિ પર ભાર આપે છે:

ન સાધયતિ માં યોગો ન સાંખ્યં ધર્મ ઉદ્ધવ

ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો યથા ભક્તિર્મમોર્જિતા (ભાગવતમ્ ૧૧.૧૪.૨૦)

શ્રીકૃષ્ણ કહે છે: “હે ઉદ્ધવ, હું અષ્ટાંગ-યોગથી, સાંખ્યના અધ્યયનથી, શાસ્ત્રોક્ત જ્ઞાનના સંવર્ધનથી, તપથી કે ત્યાગથી પ્રાપ્ત થતો નથી. કેવળ ભક્તિ જ છે, જેના દ્વારા કોઈ મને જીતી શકે છે.” શ્રીકૃષ્ણ ભગવદ્દ ગીતામાં શ્લોક સં. ૮.૨૨, ૧૧.૫૪ વગેરેમાં વારંવાર આ કથનનું પુનરાવર્તન કરે છે. શ્લોક સં. ૧૮.૫૫માં તેઓ કહે છે: “કેવળ પ્રેમ ભક્તિ દ્વારા કોઈ એ જાણી શકે છે કે હું વાસ્તવમાં કોણ છું? ભક્તિ દ્વારા મારા સ્વરૂપને જાણ્યા પશ્ચાત્ મનુષ્ય મારા દિવ્ય ક્ષેત્રમાં પ્રવેશે છે.”

રામાયણ પણ વર્ણન કરે છે:

રામહિ કેવલ પ્રેમુ પિઆરા, જાનિ લેઉ જો જાનનિહારા

“પ્રભુ શ્રીરામ કેવળ પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય છે. આ સત્યને એ સર્વ સમક્ષ પ્રગટ કરો, જેઓ તેને જાણવામાં રસ ધરાવતા હોય.” આ સિદ્ધાંત પર અન્ય ધાર્મિક પરંપરાઓમાં પણ ભાર મૂકવામાં આવ્યો છે. જ્યુઈશ તોરહામાં લખ્યું છે: “તમારા સ્વામીને તમારા ભગવાનને પૂર્ણ હ્રદયથી અને પૂર્ણ આત્માથી અને પૂર્ણ સામર્થ્યથી પ્રેમ કરો (પુનર્નિયમ ૬.૫). ઈશુએ ખ્રિસ્તી નવો કરાર (Christian New Testament)માં આ ઉપદેશનું અનુકરણના પ્રથમ અને પ્રમુખ આદેશ તરીકે પુનરાવર્તન કર્યું છે. (માર્ક ૧૨.૩૦)

ગુરુ ગ્રંથ સાહેબ કહે છે:

હરિ સમ જગ મહઁ વસ્તુ નહિં, પ્રેમ પન્થ સોં પન્થ

સદ્ગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહિં ગ્રન્થ

“આ વિશ્વમાં ભગવાન સમાન કોઈ વિભૂતિ નથી; પ્રેમભક્તિ સમાન કોઈ પંથ નથી; ગુરુ સમાન કોઈ સજ્જન નથી અને ગીતાની તુલના કરી શકે તેવો કોઈ ગ્રંથ નથી.”