મહાભૂતાન્યહઙ્કારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ।
ઇન્દ્રિયાણિ દશૈકં ચ પઞ્ચ ચેન્દ્રિયગોચરાઃ ॥ ૬॥
મહા-ભૂતાનિ—પાંચ મહાન તત્ત્વો; અહંકાર:—અભિમાન; બુદ્ધિ:—બુદ્ધિ; અવ્યક્તમ્—અપ્રગટ આદિ પદાર્થ; એવ—ખરેખર; ચ—અને; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; દશ-એકમ્—અગિયાર; ચ—અને; પંચ—પાંચ; ચ—અને; ઇન્દ્રિય-ગો-ચર:—ઇન્દ્રિયોના પાંચ વિષયો.
Translation
BG 13.6: કર્મ ક્ષેત્ર પાંચ મહાન તત્ત્વો, અહંકાર, બુદ્ધિ, અપ્રગટ આદિ તત્ત્વ, અગિયાર ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને મન) તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે.
Commentary
જે ચોવીસ તત્ત્વો કર્મ ક્ષેત્રનું નિર્માણ કરે છે તે આ પ્રમાણે છે: પંચ મહાભૂત (પાંચ સ્થૂળ તત્ત્વો—પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ), પંચ તન્માત્રાઓ (પાંચ ઇન્દ્રિય વિષયો—સ્વાદ, સ્પર્શ, ગંધ, દૃશ્ય અને ધ્વનિ), પાંચ કર્મેન્દ્રિયો (સ્વર, હાથ, પગ, જનનેન્દ્રિયો તથા ગુદા), પાંચ જ્ઞાનેન્દ્રિયો (કર્ણ, ચક્ષુ, જિહ્વા, ચર્મ અને નાસિકા), મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ (માયિક શક્તિનું આદિ સ્વરૂપ). શ્રીકૃષ્ણ દશૈકમ્ શબ્દના ઉપયોગ દ્વારા અગિયાર ઇન્દ્રિયોનું સૂચન કરે છે. તેમાં તેઓ પંચ કર્મેન્દ્રિઓ તથા પંચ જ્ઞાનેન્દ્રિયો સાથે મનને પણ સામેલ કરે છે. અગાઉ, શ્લોક સં. ૧૦.૨૨માં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ઇન્દ્રિયોમાં તેઓ મન છે.
કોઈને એ આશ્ચર્ય થાય કે પાંચ ઇન્દ્રિય વિષયોને કર્મ ક્ષેત્રમાં શા માટે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જયારે તેઓ તો શરીરની બહાર હોય છે. તેનું કારણ એ છે કે, મન આ ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરતું રહે છે અને એ રીતે આ પાંચ ઇન્દ્રિય વિષયો સૂક્ષ્મ રૂપે મનમાં નિવાસ કરે છે. તેથી જ, જયારે આપણે નિદ્રાધીન હોઈએ છીએ, ત્યારે મન દ્વારા સ્વપ્ન જોઈએ છીએ અને આપણી સ્થૂળ ઇન્દ્રિયો પથારીમાં આરામાવસ્થામાં હોવા છતાં પણ આપણે સ્વપ્નાવસ્થામાં જોઈએ છીએ, સાંભળીએ છીએ, સ્વાદ લઈએ છીએ, સૂંઘીએ છીએ અને સ્પર્શનો અનુભવ કરીએ છીએ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઇન્દ્રિયોના સ્થૂળ વિષયો સૂક્ષ્મ સ્વરૂપે મનમાં પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. શ્રીકૃષ્ણે અહીં તેમનો સમાવેશ કર્યો છે કારણ કે, તેઓ અહીં આત્માનાં પૂર્ણ કર્મક્ષેત્રનું વર્ણન કરી રહ્યા છે. કેટલાક શાસ્ત્રો શરીરના વર્ણનમાં પાંચ ઇન્દ્રિય વિષયોને સમ્મિલિત કરતા નથી. તેના બદલે, તેઓ પાંચ પ્રાણનો સમાવેશ કરે છે. આ દાર્શનિક ભિન્નતાનો વિષય નથી, પરંતુ કેવળ વર્ગીકરણનો વિષય છે.
આ જ જ્ઞાન કોષાવરણના રૂપે સમજાવવામાં આવ્યું છે. શરીર ક્ષેત્રમાં પાંચ કોશ હોય છે, જે અંદર સ્થિત આત્માને આચ્છાદિત કરે છે:
અન્નમય કોષ. આ સ્થૂળ આવરણ છે, જે પાંચ સ્થૂળ તત્ત્વો (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ)થી નિર્મિત છે.
પ્રાણમય કોષ. આ જીવન-શક્તિનું આવરણ છે, જે પાંચ જીવનશક્તિઓ (પ્રાણ, અપાન, વ્યાન, સમાન, અને ઉપાન)થી બનેલું છે.
મનોમય કોષ. આ માનસિક આવરણ છે, જે મન તથા પાંચ કર્મેન્દ્રિયો (સ્વર, હાથ, પગ, જનેન્દ્રિયો અને ગુદા)થી બનેલું છે.
વિજ્ઞાનમય કોષ. આ બૌદ્ધિક આવરણ છે, જે બુદ્ધિ તથા પાંચ જ્ઞાનેન્દ્રિયો (કર્ણ, ચક્ષુ, જિહવા, ચર્મ તથા નાસિકા)થી બનેલું છે.
આનંદમય કોષ. આ આનંદનું આવરણ છે, જે અહંકારથી બનેલું છે, જે અહંકાર આપણા શરીર-મન-બુદ્ધિ તંત્રનાં સૂક્ષ્મ આનંદો સાથે તાદાત્મ્ય કરે છે.