અધ્યાય ૧૨: ભક્તિ યોગ

ભક્તિનો યોગ

આ લઘુ અધ્યાયમાં આધ્યાત્મિક સાધનાઓના અન્ય સર્વ પ્રકારોની તુલનામાં પ્રેમા ભક્તિમાર્ગની સર્વોત્કૃષ્ટતા ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. તેનો પ્રારંભ અર્જુન દ્વારા શ્રીકૃષ્ણને પૂછવામાં આવેલા પ્રશ્ન સાથે થાય છે કે તેઓ યોગમાં પૂર્ણ કોને માને છે—તેઓ કે જે ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ કરે છે કે તેઓ કે જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે? શ્રીકૃષ્ણ જણાવે છે કે બંને માર્ગ ભગવદ્-પ્રાપ્તિની દિશામાં અગ્રેસર કરનારા છે. પરંતુ, તેઓ તેમના સાકાર સ્વરૂપના ભક્તોનું શ્રેષ્ઠ યોગી તરીકે સમ્માન કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે મૂર્ત શરીરધારીઓ માટે તેમના નિરાકાર અપ્રગટ સ્વરૂપનું ધ્યાન ધરવું કષ્ટથી પૂર્ણ અને અત્યંત કઠિન છે. પરંતુ સાકાર સ્વરૂપના ભક્તો તેમની ચેતના સાથે ભગવાનમાં વિલીન થઈને તથા તેમના સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને સુગમતાથી જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઇ જાય છે. આમ, શ્રીકૃષ્ણ અર્જુનને તેની બુદ્ધિ તેમને સમર્પિત કરવા અને તેના મનને કેવળ તેમની અનન્ય પ્રેમા ભક્તિમાં સ્થિત કરવાનો ઉપદેશ આપે છે.

જો કે પ્રાય: આવો પ્રેમ સંઘર્ષ કરતા જીવને પ્રાપ્ત થતો નથી. તેથી, શ્રીકૃષ્ણ અન્ય વિકલ્પો પ્રસ્તુત કરે છે અને જણાવે છે કે જો અર્જુન શીઘ્રતાપૂર્ણ મનને ભગવાનમાં લીન કરી દેવાની અવસ્થાએ ન પહોંચી શકે તો તેણે નિરંતર સાધના દ્વારા પૂર્ણતાની અવસ્થાએ પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. ભક્તિ એ કોઈ રહસ્યમય ઉપહાર નથી, નિયમિત પ્રયાસો દ્વારા તેનું સંવર્ધન કરી શકાય છે. જો અર્જુન આટલું પણ ન કરી શકે તો પણ તેણે પરાજય સ્વીકારવો ન જોઈએ; પરંતુ, તેણે ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિયુક્ત કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો તેણે કેવળ તેનાં કર્મોના ફળોનો ત્યાગ કરીને સ્વમાં સ્થિત થવું જોઈએ. પશ્ચાત્ તેઓ સ્પષ્ટ કરે છે કે યાંત્રિક સાધનાની તુલનામાં જ્ઞાનનું સંવર્ધન શ્રેષ્ઠ છે; જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે; અને ધ્યાનની તુલનામાં કર્મોનાં ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે જેનાથી તુરંત શાંતિ પ્રાપ્ત થાય છે. આ અધ્યાયના અન્ય શ્લોકો ભગવાનના પ્રેમી ભક્તોના અદ્ભુત ગુણોનું વર્ણન કરે છે,  જે ભગવાનને અતિ પ્રિય છે.

અર્જુને પૂછયું: જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે, તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો?

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: જેઓ તેમનું મન મારામાં સ્થિત કરે છે અને સદા દૃઢ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે, હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું.

પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે કે જે અવિનાશી, અનિર્દેશ્ય, અપ્રગટ, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનીય, શાશ્વત તથા અવિચળ છે, તેવા લોકો પણ અન્ય જીવોનાં કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે.

જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમના માટે ભગવદ્ અનુભૂતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે. દેહધારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે.

પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને, મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે, હે પાર્થ, હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી શીઘ્રતાથી મુક્ત કરું છું કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઇ જાય છે.

તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર. પશ્ચાત્, તું સદૈવ મારામાં નિવાસ કરીશ. આ અંગે કોઈ સંશય નથી.

હે અર્જુન, જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર.

જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ-સાધના માટે અસમર્થ હોય તો, તું કેવળ મારા માટે કાર્ય કર. એ પ્રમાણે, મારા અર્થે ભક્તિપૂર્ણ સેવાના પાલન દ્વારા તું પૂર્ણતાની અવસ્થાને પ્રાપ્ત કરીશ.

જો તું ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય, તો તારા સર્વ કર્મોનાં ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા.

યાંત્રિક સાધના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે; જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતાં કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગથી મનને શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે.

એ ભક્તો મને અતિ પ્રિય છે, જે દ્વેષ રહિત છે, જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવયુક્ત છે અને કરુણાવાન છે. તેઓ સ્વામીત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે, સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે. તેઓ સદૈવ-સંતુષ્ટ રહે છે, ભક્તિપૂર્વક મારામાં દૃઢ રીતે ઐક્ય સાધે છે, આત્મસંયમી, કૃતનિશ્ચયી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે.

જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદ્વિગ્ન પણ થતા નથી, જે સુખ તથા દુઃખમાં સમભાવ રહે છે અને ભય તેમજ ચિંતાથી મુક્ત હોય છે, એવા ભક્તો મને અત્યંત પ્રિય છે.

જેઓ સંસારી પ્રલોભનો પ્રત્યે ઉદાસીન છે, આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ, નિપુણ, ચિંતામુક્ત, કષ્ટમુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થરહિત છે, એવા મારા ભક્તો મને અત્યંત પ્રિય છે.

જે ઐહિક સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી, જે હાનિ માટે શોક કરતો નથી કે કંઈ મેળવવા માટે લાલાયિત રહેતો નથી, જે શુભ તથા અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે, એવા મનુષ્યો જે ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ મને અત્યંત પ્રિય છે.

જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે, સમ્માન તથા અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં સમભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા અળગો રહે છે; જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે; જે મૌન ચિંતનમાં લીન રહે છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે, નિવાસસ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે, જેની મતિ દૃઢપણે મારામાં સ્થિર છે, તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે, તેવા મનુષ્યો મને અત્યંત પ્રિય છે.

જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સમ્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે.