Bhagavad Gita: Chapter 12, Verse 12

શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્જ્ઞાનાદ્ધ્યાનં વિશિષ્યતે ।
ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાન્તિરનન્તરમ્ ॥ ૧૨॥

શ્રેય:—શ્રેષ્ઠ; હિ—માટે; જ્ઞાનમ્—જ્ઞાન; અભ્યાસાત્—(યાંત્રિક) અભ્યાસ; જ્ઞાનાત્—જ્ઞાનથી; ધ્યાનમ્—ધ્યાન; વિશિષ્યતે—વિશેષ શ્રેષ્ઠ; ધ્યાનાત્—ધ્યાનથી; કર્મ-ફલ-ત્યાગ:—કર્મફળોનો ત્યાગ; ત્યાગાત્—ત્યાગથી; શાંતિ:—શાંતિ; અનન્તરમ્—શીઘ્ર.

Translation

BG 12.12: યાંત્રિક સાધના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે; જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતાં કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગથી મનને શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે.

Commentary

અધિકાંશ લોકો યાંત્રિક સાધનાની અવસ્થામાં હોય છે. તેઓ તેમના ધાર્મિક પંથ અનુસાર કર્મકાંડોનું પાલન કરે છે, પરંતુ મનને ભગવાનમાં પરોવતા નથી. જયારે તેઓ નવું ઘર કે નવી ગાડી ખરીદે છે, ત્યારે પંડિતજીને પૂજાવિધિ માટે બોલાવે છે. જયારે પંડિતજી પૂજા કરતા હોય છે, ત્યારે તેઓ બીજા ઓરડામાં બેસીને વાર્તાલાપ કરે છે અથવા ચા પીતા હોય છે. તેમના મતે, ભક્તિ એ ખાલી કર્મકાંડોની ગતિવિધિઓથી વિશેષ કંઈ નથી. પ્રાય: તે માતા-પિતા કે વડીલો દ્વારા દર્શાવેલ ઔપચારિક પરંપરા સ્વરૂપે કરવામાં આવે છે. કર્મકાંડોનું યાંત્રિક પાલન કરવું એ અનુચિત નથી, કારણ કે છેવટે કંઈ ન કરવા કરતાં કંઈક કરવું સારું છે. કમસેકમ આવા લોકો બાહ્ય દૃષ્ટિએ ભક્તિ પરાયણ રહે છે.

પરંતુ, શ્રીકૃષ્ણ કહે છે કે યાંત્રિક સાધના કરતાં આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું શ્રેષ્ઠ છે. જ્ઞાન એ સમજણ પ્રદાન કરે છે કે જીવનનું ધ્યેય ભગવદ્દ-પ્રાપ્તિ છે અને માયિક પ્રગતિ નહિ. જે લોકો જ્ઞાનમાં નિપુણ હોય છે, તેઓ ખોખલા કર્મકાંડોથી ઉપર ઊઠી જાય છે અને મનનાં શુદ્ધિકરણ અંગેની કામનાનો વિકાસ કરે છે. પરંતુ કેવળ જ્ઞાન પોતે અંત:કરણ શુદ્ધ કરી શકતું નથી. તેથી, શ્રીકૃષ્ણ કહે છે કે જ્ઞાનના સંવર્ધનથી શ્રેષ્ઠ મનને ધ્યાન-પરાયણ કરતી પ્રક્રિયાઓ છે. ધ્યાન દ્વારા મનને સંયમિત કરીને આપણામાં સંસારી સુખો પ્રત્યે વિરક્તિનો વિકાસ થાય છે. જયારે મનમાં વિરક્તિનો ગુણ આંશિક રીતે વિકસિત થાય છે, ત્યારે આપણે આગલા સોપાનની સાધના કરી શકીએ છીએ, જે છે, કર્મફળોનો ત્યાગ. આગલા શ્લોકમાં સ્પષ્ટ કર્યા પ્રમાણે, તે મનમાંથી લૌકિકતા દૂર કરવામાં અને બુદ્ધિને અનુગામી ઉચ્ચાવસ્થા માટે બળ પ્રાપ્ત કરવામાં સહાયરૂપ થશે.