યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ ।
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ ॥ ૧૫॥
યસ્માત્—જેનાથી; ન—નહીં; ઉદ્વિજતે—ઉદ્વિગ્ન; લોક:—લોકો; લોકાત્—લોકોથી; ન—નહિ; ઉદ્વિજતે—ઉદ્વિગ્ન; ચ—અને; ય:—જે; હર્ષ—સુખ; અમર્ષ—દુઃખ; ભય—ભય; ઉદ્વેગૈ:—ચિંતા; મુક્ત:—મુક્ત; ય:—જે; સ:—તે; ચ—અને; મે—મને; પ્રિય:—પ્રિય.
Translation
BG 12.15: જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદ્વિગ્ન પણ થતા નથી, જે સુખ તથા દુઃખમાં સમભાવ રહે છે અને ભય તેમજ ચિંતાથી મુક્ત હોય છે, એવા ભક્તો મને અત્યંત પ્રિય છે.
Commentary
આત્મા પ્રાકૃતિક રીતે વિશુદ્ધ તેમજ વિકારરહિત હોય છે. સમસ્યા એ છે કે તે અત્યારે અશુદ્ધ મન દ્વારા આચ્છાદિત છે. એકવાર તે અશુદ્ધિ દૂર થઈ જાય છે, પશ્ચાત્ આત્માના તેજસ્વી ગુણો સ્વાભાવિક રીતે પ્રકાશિત થાય છે. શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:
યસ્યાસ્તિ ભક્તિર્ભગવત્યકિઞ્ચના
સર્વૈર્ગુણૈસ્તત્ર સમાસતે સુરાઃ
હરાવભક્તસ્ય કુતો મહદ્ગુણા
મનોરથેનાસતિ ધાવતો બહિઃ (૫.૧૮.૧૨)
“સ્વર્ગ-સ્થિત દેવોના સર્વ ગુણો તેમનામાં પ્રગટ થાય છે, જેઓ પોતાને ભગવાનને સમર્પિત કરે છે. પરંતુ જેઓ ભક્તિમાં પરાયણ થતાં નથી, તેઓ કેવળ મનના રથ ઉપર સવાર થઈને દોડયા કરે છે (ચાહે ગમે એટલી સ્વ-પરિવર્તન અંગેની તકનિકોનો તેઓ અભ્યાસ કરતા હોય).” અહીં, શ્રીકૃષ્ણ કેટલાક અન્ય ગુણોનું વર્ણન કરે છે, જેનો તેમના ભક્તોમાં વિકાસ થાય છે.
કોઈને પણ ત્રાસ આપવાનું કારણ બનતા નથી. ભક્તિ હૃદયને પીગાળીને મૃદુ બનાવે છે અને પરિણામે ભક્તો પ્રાકૃતિક રીતે તેમના અન્ય પ્રત્યેના વ્યવહારમાં નરમ હોય છે. ઉપરાંત, તેઓ ભગવાનને પ્રત્યેકની અંદર સ્થિત થયેલા જોવે છે તથા સર્વને તેમના સૂક્ષ્મ અંશ સ્વરૂપે જોવે છે. પરિણામે, તેઓ કદાપિ કોઈને હાનિ પહોંચાડવાનું વિચારી પણ શકતા નથી.
કોઈથી ઉદ્વિગ્ન થતા નથી. ભક્તો કોઈને કષ્ટ પહોંચાડતા નથી પરંતુ તેનું તાત્પર્ય એ નથી કે અન્ય લોકો તેમને દુઃખી કરવાનો પ્રયાસ કરતા નથી. સમગ્ર વિશ્વના સંતોનો ઈતિહાસ દર્શાવે છે કે તેમના જીવનકાળ દરમ્યાન તેમનાં કલ્યાણકારી કાર્યો દ્વારા તથા સિદ્ધાંતોને કારણે જેમને તેઓ ધમકી સ્વરૂપ લાગ્યા, તેમણે તેમના પર અનેકવાર જુલમ કર્યા. પરંતુ, સંતોએ સદૈવ તેમને કષ્ટ આપનારા પ્રત્યે પણ કરુણાયુક્ત વલણ ધરાવ્યું છે. તેથી જ, આપણે જાણીએ છીએ કે જીસસ નઝરેથ ક્રોસ પરથી પ્રાર્થના કરે છે, “હે પરમ પિતા, તેમને ક્ષમા કરજે, તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.” (લ્યૂક ૨૩.૩૪)
સુખ અને દુઃખમાં સમાન. ભક્તો શાસ્ત્રોના જ્ઞાનથી સંપન્ન હોય છે અને તેથી, તેઓ જાણતા હોય છે કે જીવનના પ્રવાહ સાથે પસાર થતી ગ્રીષ્મ અને શરદ ઋતુઓની જેમ સુખ અને દુઃખ અનિવાર્ય છે. તેથી, તેમના અખૂટ હકારાત્મક વલણ સાથે તેઓ બંનેમાં ભગવાનની કૃપાનો અનુભવ કરે છે અને સર્વ પરિસ્થિતિઓનો ઉપયોગ તેમની ભક્તિમાં વૃદ્ધિ કરવા માટે કરે છે.
ભય અને ચિંતાથી મુક્ત. ભય અને ચિંતાનું કારણ આસક્તિ છે. તે આપણને આસક્તિના વિષય પ્રત્યે લાલાયિત કરે છે અને તેના વિયોગથી ભયભીત કરે છે. જે ક્ષણે આપણે માયિક વિષયોથી વિરક્ત થઈ જઈએ છીએ, આપણે ભયમુક્ત થઈ જઈએ છીએ. ભક્તો કેવળ આસક્તિથી જ મુક્ત હોતા નથી; તેઓ ભગવાનની ઈચ્છા સાથે સુસંગતતા પણ ધરાવે છે. તેથી, તેઓ ભય કે ચિંતાનો અનુભવ કરતા નથી.