શ્રીભગવાનુવાચ ।
મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે ।
શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ ॥ ૨॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; મયિ—મારામાં; આવેશ્ય—સ્થિત; મન:—મન; યે—જેઓ; મામ્—મને; નિત્ય યુક્તા:—નિત્ય લીન રહીને; ઉપાસતે—ભજે છે; શ્રદ્ધયા—શ્રદ્ધાથી; પરયા—શ્રેષ્ઠ; ઉપેતા:—યુક્ત થયેલા; તે—તેઓ; મે—મારા દ્વારા; યુક્ત-તમા:—યોગમાં પરમ સિદ્ધ; મતા:—હું માનું છું.
Translation
BG 12.2: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: જેઓ તેમનું મન મારામાં સ્થિત કરે છે અને સદા દૃઢ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે, હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું.
Commentary
ભગવાનની અનુભૂતિ નિકટતાના વિવિધ અંતરથી થઈ શકે છે. આ આપણે એક દૃષ્ટાંત દ્વારા સમજીએ. ધારો કે, તમે કોઈ રેલવેના પ્લેટફોર્મ પર ઉભા છો. દૂરથી એક ટ્રેન તેની ચમકતી હેડલાઈટ સાથે આવી રહી છે. તમને એમ લાગે છે કે કોઈ પ્રકાશ સમીપ આવી રહ્યો છે. જયારે ટ્રેન અધિક સમીપ આવે છે, ત્યારે તમે એની ઝબુકતી રોશની જોઈ શકો છો. અંતત: જયારે તે બિલકુલ પ્લેટફોર્મ પર આવીને તમારી સમક્ષ આવીને ઊભી રહે છે, ત્યારે તમને અનુભૂતિ થાય છે કે “ઓહ! આ ટ્રેન છે. હું તેના વિવિધ કમ્પાર્ટમેન્ટમાંથી બેઠેલા અને બારીની બહાર જોઈ રહેલા બધા યાત્રીઓને જોઈ શકું છું.” એ જ ટ્રેન જે દૂરથી એક પ્રકાશ જેવી લાગતી હતી. જેમ તે સમીપ આવી ત્યારે તેની ઝબૂકતી રોશનીઓ સાથે દેખાઈ. જયારે તે અધિક નિકટ આવી ત્યારે તમને બોધ થયો કે આ ટ્રેન છે. ટ્રેન તો એક-સમાન જ હતી, પરંતુ તેના સામીપ્યથી તમને તેની વિવિધ વિશેષતાઓ જેમ કે આકાર, રંગ, પ્રવાસીઓ, ખંડો, દ્વારો, તથા બારીઓ અંગેનાં જ્ઞાનમાં વૃદ્ધિ થઈ.
એ જ પ્રમાણે, ભગવાન પૂર્ણ અને સિદ્ધ છે તથા તેઓ અનંત શક્તિઓનાં સ્વામી છે. તેમનું વ્યક્તિત્ત્વ દિવ્ય નામો, સ્વરૂપો, લીલાઓ, ગુણો, પરિકરો અને ધામોથી પરિપૂર્ણ છે. પરંતુ, તેમની સાથેના સામીપ્યના વૈવિધ્યને આધારે બ્રહ્મ (ભગવાનનું સર્વ વ્યાપક નિરાકાર સ્વરૂપ), પરમાત્મા (સર્વ પ્રાણીઓના હૃદયમાં સ્થિત, આત્માથી ભિન્ન પરમ આત્મા) અને ભગવાન (ભગવાનનું સાકાર વ્યક્ત સ્વરૂપ જે પૃથ્વી પર અવતરિત થાય છે) તરીકેની અનુભૂતિ થાય છે. ભાગવતમ્ માં વર્ણન છે:
વદન્તિ તત્તત્ત્વ વિદસ્તત્ત્વં યજ્જ્ઞાનમદ્વયમ્
બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે (૧.૨.૧૧)
“સત્યના જાણકારો કહે છે કે કેવળ એક જ પરમ તત્ત્વ આ વિશ્વમાં ત્રણ સ્વરૂપોમાં પ્રગટ થાય છે—બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન.” તેઓ ત્રણ ભિન્ન ભગવાન નથી; પરંતુ, તેઓ એક જ સર્વ શક્તિમાન ભગવાનનાં ત્રણ પ્રાગટ્યો છે. પણ તેમનાં ગુણોમાં ભિન્નતા છે. જે પ્રમાણે, જળ, બાષ્પ અને બરફ ત્રણેય એક જ તત્ત્વમાંથી નિર્માણ થાય છે—હાઇડ્રોજન ડાયોક્સાઇડના અણુઓ—પણ તેમની ભૌતિક વિશેષતાઓમાં ભિન્નતા છે. જો તરસ્યા માનવીને આપણે બરફ આપીશું તો તે તેની પિપાસા તૃપ્ત કરી શકશે નહિ. બરફ અને પાણી બંને એક જ તત્ત્વ છે પરંતુ તેમનાં ભૌતિક ગુણો વિભિન્ન છે. એ જ પ્રમાણે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એક જ પરમ તત્ત્વનાં પ્રાગટ્યો છે પરંતુ તેમનાં ગુણોમાં ભિન્નતા છે. બ્રહ્મ એ ભગવાનનું સર્વ વ્યાપક સ્વરૂપ છે, જે સર્વત્ર છે.
શ્વેતાશ્વતર ઉપનિષદ્દ વર્ણન કરે છે:
એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ
સર્વવ્યાપી સર્વભૂતાન્તરાત્મા...(૬.૧૧)
“પરમ તત્ત્વ કેવળ એક જ છે. તેઓ સર્વત્ર અને સર્વ પ્રાણીઓમાં સ્થિત છે.” પરમ તત્ત્વના આ સર્વ વ્યાપક તત્ત્વને બ્રહ્મ કહે છે. તેઓ સત્-ચિત્ત-આનંદથી પરિપૂર્ણ છે. જો કે આ તત્ત્વમાં ભગવાન તેમનાં અનંત ગુણો, આકર્ષક સૌન્દર્ય અને મધુર લીલાઓનું પ્રાગટય કરતા નથી. તેઓ એક દિવ્ય પ્રકાશ સમાન હોય છે, જે નિર્ગુણ (ગુણરહિત), નિર્વિશેષ (વિશેષતા રહિત), નિરાકાર (સ્વરૂપ રહિત) છે.
જે લોકો જ્ઞાન યોગનાં માર્ગનું અનુસરણ કરે છે, તેઓ આ તત્ત્વની ઉપાસના કરે છે. જેમ દૂરથી ટ્રેન એક પ્રકાશ સમાન લાગે છે તેમ ભગવાનના આ નિરાકાર પ્રકાશ સ્વરુપની દૂરસ્થ અનુભૂતિ છે.
પરમાત્મા એ ભગવાનનું એ તત્ત્વ છે જે સર્વ પ્રાણીઓના હૃદયમાં સ્થિત છે. શ્લોક સં. ૧૮.૬૧માં શ્રીકૃષ્ણ વર્ણન કરે છે: “હે અર્જુન, પરમાત્મા સર્વ પ્રાણીઓનાં હૃદયમાં નિવાસ કરે છે. તેમનાં કર્મો અનુસાર આ ભટકતા આત્માઓને તેઓ નિર્દેશ કરે છે. ભગવાનનું તે તત્ત્વ માયિક શક્તિથી નિર્મિત આ યંત્રમાં સ્થિત હોય છે.” અંદર નિવાસ કરીને ભગવાન આપણા સર્વ વિચારો તથા કર્મો નોંધે છે, તેનો હિસાબ રાખે છે તથા ઉચિત સમયે તેનું ફળ પ્રદાન કરે છે. આપણે કદાચ ભૂલી જઈએ કે આપણે શું કર્યું છે પરંતુ ભગવાન ભૂલતા નથી. તેઓ આપણે જન્મ્યા ત્યારથી આપણા પ્રત્યેક વિચાર, શબ્દ અને કર્મને યાદ રાખે છે. અને કેવળ આ જન્મનાં જ નહીં! અનંત જન્મોથી આપણે જ્યાં પણ ગયાં, ત્યાં ભગવાન પણ આપણી સાથે ગયા. તેઓ એવા મિત્ર છે જેઓ આપણો કદાપિ એક ક્ષણ માટે પણ ત્યાગ કરતા નથી. ભગવાનનું આ આપણી અંદર નિવાસ કરતું તત્ત્વ પરમાત્મા છે.
મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં અષ્ટાંગ-યોગનો ઉલ્લેખ છે. જેનો ઉદ્દેશ્ય અંદર સ્થિત ભગવાનની અનુભૂતિ કરવાનો છે તથા જે ભગવાનના પરમાત્મા તત્ત્વની અનુભૂતિ તરફ લઈ જાય છે. જે પ્રમાણે, દૂરથી એક પ્રકાશ સમાન લાગતી ટ્રેન થોડી નિકટ આવતાં ઝળહળતી રોશની સમાન લાગે છે, તે જ પ્રમાણે, પરમાત્મા સ્વરૂપે પરમ તત્ત્વની અનુભૂતિ બ્રહ્મની તુલનામાં અધિક સમીપસ્થ અનુભૂતિ છે.
ભગવાન એ પરમ તત્ત્વનું સાકાર સ્વરૂપમાં પ્રગટ થતું તત્ત્વ છે. શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:
કૃષ્ણમેનમવેહિ ત્વમાત્માનમખિલાત્મનામ્
જગદ્ધિતાય સોઽપ્યત્ર દેહીવાભાતિ માયયા (૧૦.૧૪.૫૫)
“પરમ તત્ત્વ જે સર્વ આત્માઓનો આત્મા છે, તેઓ શ્રીકૃષ્ણ સ્વરૂપે આ જગતનાં કલ્યાણ અર્થે આ પૃથ્વી પર તેમના સાકાર સ્વરૂપમાં અવતરિત થયા.” ભગવાનના આ તત્ત્વમાં તેઓ તેમનાં નામ, સ્વરૂપ, ગુણ, ધામ, લીલાઓ તથા પરિકરોના સર્વ માધુર્ય સહિત પ્રગટ થાય છે. આ ગુણો બ્રહ્મ અને પરમાત્મામાં પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેમનામાં તેઓ સુષુપ્તાવસ્થામાં રહે છે. જેમ દીવાસળીમાં આગ અપ્રગટ હોય છે અને કેવળ તેને માચીસની જવલનશીલ પટ્ટી પર ઘસવાથી જ તે પ્રગટ થાય છે, એ જ પ્રમાણે, ભગવાન સ્વરૂપે, તેમની સર્વ શક્તિઓ તેમજ તત્ત્વો જે અન્ય સ્વરૂપોમાં સુષુપ્ત અવસ્થાએ હોય છે, તે પ્રગટ થઈ જાય છે.
ભક્તિનો માર્ગ પરમ તત્ત્વના ભગવાન સ્વરૂપના તત્ત્વની અનુભૂતિ તરફ અગ્રેસર કરે છે. જેમ ટ્રેન તેને જોઈ રહેલી વ્યક્તિની સમીપ આવીને અટકતાં તેની પ્રત્યેક વિશેષતાઓ સાથે દૃશ્યમાન થાય છે, તેમ આ ભગવાનની સર્વાધિક સમીપસ્થ અનુભૂતિ છે. તેથી, શ્લોક સં. ૧૮.૫૫માં શ્રીકૃષ્ણ વર્ણન કરે છે: “મારા પરમ દિવ્ય તત્ત્વને કેવળ પ્રેમા ભક્તિ દ્વારા હું છું એ સ્વરૂપે જાણી શકાશે.” આ પ્રમાણે, શ્રીકૃષ્ણ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપીને સ્પષ્ટ કરે છે કે તેઓ તેમના સાકાર સ્વરૂપના ભક્તોને સર્વશ્રેષ્ઠ યોગી માને છે.