Bhagavad Gita: Chapter 12, Verse 20

યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે ।
શ્રદ્દધાના મત્પરમા ભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ ॥ ૨૦॥

યે—જે; તુ—ખરેખર; ધર્મ—જ્ઞાન; અમૃતમ્—અમૃત; ઈદમ્—આ; યથા—જેવી રીતે; ઉક્તમ્—કહેવામાં આવ્યું; પર્યુપાસતે—અનન્ય ભક્તિ; શ્રદ્ધાના:—શ્રદ્ધા પૂર્વક; મત્-પરમ:—મને પરમ ધ્યેય માનનારા; ભક્તા:—ભક્ત; તે—તેઓ, અતીવ—અતિશય; મે—મને; પ્રિય:—પ્રિય.

Translation

BG 12.20: જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સમ્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે.

Commentary

શ્રીકૃષ્ણ અર્જુનનાં પ્રશ્નની સાર-ગર્ભિત વ્યાખ્યા કરીને આ અધ્યાયનું સમાપન કરે છે. આ અધ્યાયના પ્રારંભમાં અર્જુને તેમને પ્રશ્ન પૂછયો હતો કે તેઓ કોને શ્રેષ્ઠ માને છે—ભક્તિયોગ દ્વારા તેમના સાકાર સ્વરૂપની ભક્તિ કરનારને કે જ્ઞાનયોગ દ્વારા તેમના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરનારને. શ્રીકૃષ્ણે બીજા શ્લોકમાં ઉત્તર આપ્યો કે જે લોકો દૃઢતાપૂર્વક તેમના સાકાર સ્વરૂપની ભક્તિમાં પરાયણ રહે છે, તેમને તેઓ સર્વોત્કૃષ્ટ યોગી માને છે. પશ્ચાત્ તેમણે ભક્તિ વિષય અંગે નિરંતર વર્ણન કરતાં પ્રથમ ભક્તિની વિવિધ સાધનાઓ અંગે અને પછી ભક્તોની વિશેષતાઓ અંગે વર્ણન કર્યું. હવે તેઓ એ પુષ્ટિ સાથે સમાપન કરતા કહે છે કે ભક્તિ એ આધ્યાત્મિકતાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. જે લોકો ભગવાનને તેમનું ધ્યેય બનાવે છે અને અગાઉના શ્લોકોમાં વર્ણિત ગુણોમાં પરિપ્લુત થઈને પ્રગાઢ શ્રદ્ધાપૂર્વક ભક્તિનું સંવર્ધન કરે છે, એવા ભક્તો ભગવાનને અત્યંત પ્રિય છે.