Bhagavad Gita: Chapter 12, Verse 18-19

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ ॥ ૧૮॥
તુલ્યનિન્દાસ્તુતિર્મૌની સન્તુષ્ટો યેન કેનચિત્ ।
અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ ॥ ૧૯॥

સમ:—સમાન; શત્રૌ—શત્રુ; ચ—અને; મિત્રે—મિત્ર પ્રત્યે; ચ તથા—તેવી રીતે; માન-અપમાનયો:—માન અને અપમાનમાં; શીત-ઉષ્ણ—ઠંડી અને ગરમીમાં; સુખ-દુ:ખેષુ—સુખ અને દુઃખમાં; સમ:—સમભાવ; સંગ-વિવર્જિત:—સર્વ પ્રતિકૂળ સંગથી મુક્ત; તુલ્ય—સમાન; નિન્દા-સ્તુતિ—અપયશ અને યશ; મૌની—મૌન ચિંતન; સંતુષ્ટ:—સંતુષ્ટ; યેન કેનચિત્—જે કોઈ વસ્તુથી; અનિકેત: —નિવાસસ્થાન પ્રત્યેની આસક્તિ રહિત; સ્થિર—દૃઢ રીતે સ્થિર; મતિ:—બુદ્ધિ; ભક્તિ-માન્—ભક્તિપૂર્ણ; મે—મને; પ્રિય:—અતિ પ્રિય; નર:—મનુષ્ય.

Translation

BG 12.18-19: જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે, સમ્માન તથા અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં સમભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા અળગો રહે છે; જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે; જે મૌન ચિંતનમાં લીન રહે છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે, નિવાસસ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે, જેની મતિ દૃઢપણે મારામાં સ્થિર છે, તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે, તેવા મનુષ્યો મને અત્યંત પ્રિય છે.

Commentary

શ્રીકૃષ્ણ અન્ય દસ ગુણોનું વર્ણન કરે છે:

મિત્ર અને શત્રુ પ્રત્યે સમત્વ. ભક્તો સર્વ પ્રત્યે સકારાત્મક વ્યવહાર કરે છે તથા શત્રુતા અને મિત્રતાની ભાવનાથી પ્રભાવિત થતો નથી. આ અંગે ભક્ત પ્રહલાદની એક અતિ અર્થપૂર્ણ કથા છે. એકવાર તેમનો પુત્ર, વિરોચન, તેમના ગુરુના પુત્ર સુધન્વા સાથે વાદ-વિવાદ કરવા લાગ્યો. વિરોચને કહ્યું, “હું તારી તુલનામાં શ્રેષ્ઠ છું, કારણ કે હું રાજાનો પુત્ર છું.” સુધન્વાનો દાવો હતો કે “ઋષિપુત્ર હોવાના કારણે હું શ્રેષ્ઠ છું.” તેઓ બંને નાના હતા અને ઉતાવળમાં બંને શરત લગાવી બેઠા. બંનેએ કહ્યું કે “જે શ્રેષ્ઠ સાબિત થશે તે જીવિત રહેશે અને અન્યએ પોતાનો પ્રાણ-ત્યાગ કરવો પડશે. હવે ન્યાયાધીશ કોણ બને? સુધન્વાએ વિરોચનને કહ્યું, “તારા પિતા, પ્રહલાદ, ન્યાયાધીશ બનશે.” વિરોચને જોશથી પૂછયું, “ખરેખર! પરંતુ પશ્ચાત્ તું ફરિયાદ કરીશ કે તેઓએ પક્ષપાત કર્યો.” સુધન્વાએ ઉત્તર આપ્યો, “ના, મારા પિતા, ઋષિ અંગિર કહે છે કે તારા પિતા પ્રહલાદ પ્રત્યક્ષ ન્યાયની મૂર્તિ છે અને તેઓ કદાપિ મિત્ર અને શત્રુ વચ્ચે ભેદભાવ કરશે નહીં.”

બંને કુમારો પ્રહલાદ પાસે ગયા. વિરોચને પૂછયું, “પિતાજી, હું શ્રેષ્ઠ છું કે સુધન્વા?” પ્રહલાદે કહ્યું, “આ પ્રશ્ન ઉપસ્થિત શા માટે થયો?” “પિતાજી, અમે શરત લગાવી છે કે જે શ્રષ્ઠ સાબિત થશે તે જીવિત રહેશે અને અન્યએ પ્રાણ ત્યાગવા પડશે.” પ્રહલાદે સ્મિત કર્યું ને કહ્યું કે તારો મિત્ર, સુધન્વા, શ્રેષ્ઠ છે કારણ કે તે તારા પિતાના ગુરુનો પુત્ર છે.” પ્રહલાદે તેના સેવકોને આદેશ આપ્યો કે “મારા પુત્રને ફાંસીએ લટકાવી દો.”

તે ક્ષણે, સુધન્વાએ હસ્તક્ષેપ કરતા કહ્યું, “પ્રતીક્ષા કરો.” તેણે પ્રહલાદને કહું, “મારો બીજો પ્રશ્ન છે. શું હું આપનાથી શ્રેષ્ઠ છું?” પ્રહલાદે ઉત્તર આપ્યો, “હું અસુર કુળમાં જનમ્યો છું, જયારે તમે તો ઋષિપુત્ર છો, જે મારા ગુરુ પણ છે. તેથી, તમે શ્રેષ્ઠ છો.” સુધન્વાએ પુન: પૂછયું, “એ દૃષ્ટિએ, શું તમે મારા આદેશનું પાલન કરશો?” “હા, નિશ્ચિતપણે.” પ્રહલાદે ઉત્તર આપ્યો. “તો વિરોચનને છોડી દો.” સુધન્વાએ કહ્યું. પ્રહલાદે તેના સેવકોને એ જ રીતે “તેને છોડી દો”નો આદેશ આપ્યો કે જે રીતે “તેને ફાંસીએ ચડાવી દો”નો આદેશ આપ્યો હતો.

સ્વર્ગમાંથી દેવતાઓએ પ્રહલાદના રાજદરબાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને તેણે પ્રદર્શિત કરેલા ન્યાયનો જયકાર કર્યો. ન્યાયનો આ અભિગમ પ્રહલાદમાં પ્રાકૃતિક રીતે હતો કારણ કે ભગવાનના પૂર્ણ ભક્ત હોવાના ગુણને કારણે તે મિત્ર, શત્રુ, સંબંધી, સગાં-વ્હાલા, તથા પારકા લોકો સાથે એકસમાન વ્યવહાર કરતા હતા.

માન અને અપમાનમાં સમભાવ. શ્રીકૃષ્ણ પુન: ઉલ્લેખ કરે છે કે ભક્તો માન-અપમાન તરફ કોઈ ધ્યાન આપતા નથી. જે રીતે વ્યક્તિ કોઈ નિષિદ્ધ સંબંધમાં લિપ્ત થાય છે, ત્યારે તે જાણતી હોય છે કે લોકો શું કહેશે, પરતું જયારે આ સંબંધ પ્રગાઢ થઇ જાય છે, પશ્ચાત્ તે વ્યક્તિને કોઈ પરવા હોતી નથી કે આ સંબંધને કારણે કેટલી બદનામી થશે. એ જ પ્રમાણે, ભક્તના હૃદયમાં દિવ્ય પ્રેમની એટલી તેજસ્વી જ્યોત પ્રગટેલી હોય છે કે તેને સાંસારિક માન અને અપમાનનું કોઈ મહત્ત્વ રહેતું નથી.

ઠંડી અને ગરમી, સુખ અને દુઃખમાં સમભાવ.  ભક્તો અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમભાવ ધરાવે છે. તેઓ જાણે છે કે આ બંનેમાંથી કોઈપણ સ્થાયી નથી. તેઓ રાત્રિ અને દિવસની જેમ આવતા-જતા રહે છે પરિણામે તેઓ આ બંનેમાંથી કોઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને મનને ભગવાનમાંથી હટાવવાનું ઉચિત અને આવશ્યક સમજતા નથી. રામકૃષ્ણ પરમહંસના જીવનનો પ્રસંગ સંતોની આ પ્રકૃતિનું સુંદર વર્ણન કરે છે. વૃદ્ધાવાસ્થામાં તેમને ગળાનું કેન્સર થઇ ગયું હતું. લોકો કહેતા કે આપ ઉપચાર માટે મા કાળીને પ્રાર્થના કરો. તેમણે કહ્યું, “મારું મન કાળી માતાના પ્રેમમાં નિમગ્ન છે. હું શા માટે તેને માતામાંથી હટાવીને આ ગંદા શારીરિક કેન્સરમાં પરોવું? ભગવાનની જે ઈચ્છા છે, એ થવા દો.”

કુસંગથી મુક્ત. કોઈ વ્યક્તિ સાથેના સંબંધને સંગ કહે છે. સંગ બે પ્રકારના હોય છે. જે સંગથી આપણું મન સંસારમાં જાય, તેને કુસંગ (પ્રતિકૂળ સંગત) કહેવાય છે અને જે સંગથી મન સંસારથી હટીને ભગવાન તરફ જાય છે, તેને સત્સંગ (અનુકૂળ સંગત) કહે છે.  ભક્તોને સાંસારિક ચિંતનથી સુખ પ્રાપ્ત થતું ન હોવાના કારણે તેઓ સ્વાભાવિક રીતે કુસંગને અવગણે છે અને સત્સંગમાં લીન થાય છે.

પ્રશંસા અને નિંદાને એક સમાન ભાવથી સ્વીકારે છે. જે લોકો બાહ્ય રૂપે પ્રેરિત હોય છે, તેમને માટે અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી પ્રશંસા અને નિંદા અતિ મહત્ત્વ ધરાવે છે. પરંતુ, ભક્તો આંતરિક રૂપે એ મૂલ્યોથી પ્રેરિત હોય છે, જેને તેઓ અંતર્ગત રીતે અગત્યના માને છે. તેથી, અન્ય દ્વારા કરવામાં આવેલી પ્રશંસા કે નિંદાનો તેમના પર કોઈ પ્રભાવ પડતો નથી.

મૌન ચિંતન. કાગડા અને હંસની પસંદ પૂર્ણત: વિપરીત હોય છે. કાગડો ઉકરડા પ્રત્યે આકર્ષિત થાય છે, જયારે રાજવી હંસ શાંત સરોવર પ્રત્યે આકર્ષિત થાય છે. એ જ પ્રમાણે, સાંસારિક લોકોનું માનસ માયિક વિષયોના વાર્તાલાપમાં આનંદનો રસ પ્રાપ્ત કરે છે. પરંતુ સંત-ભક્તો શુદ્ધ ચિત્ત ધરાવે છે, તેથી તેમને સાંસારિક વિષયોની ચર્ચા ઉકરડા સમાન લાગે છે. અહીં તાત્પર્ય એવું નથી કે તેઓ વાતચીત કરતા નથી. જે પ્રમાણે, હંસનું મન મનોહર સરોવર પ્રત્યે આકર્ષિત થાય છે, તે પ્રમાણે, ભક્તોનું મન ભગવાનનાં નામો, રૂપો, ગુણો, લીલાઓ અને મહાત્મ્ય પ્રત્યે આકર્ષિત થાય છે.

જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ. ભક્તોની આવશ્યકતાઓ તેમના શરીરના નિર્વાહપૂર્તિ કરવા અતિ ન્યૂનતમ ચીજો પૂરતી હોય છે. સંત કબીર આ અંગે તેમના દોહામાં સુંદર અભિવ્યક્તિ કરે છે:

માલિક ઇતના દીજિયે, જામે કુટુમ્બ સમાય

મૈં ભી ભૂખા ન રહૂઁ, સાધુ ન ભૂખા જાય

“હે પ્રભુ! મને કેવળ એટલું આપજે કે હું મારા પરિવારની ન્યૂનતમ શારીરિક આવશ્યકતાઓનો નિર્વાહ કરી શકું અને મારા દ્વારે આવેલા સંતને દક્ષિણા આપી શકું.”

નિવાસસ્થાન પ્રત્યે અનાસક્ત. પૃથ્વી પરનું કોઈપણ ઘર આત્માનું સ્થાયી નિવાસસ્થાન નથી, કારણ કે મૃત્યુ સમયે તે નિશ્ચિત રૂપે છોડવું પડે છે. જયારે મોગલ બાદશાહ અકબરે ફતેહપુર સિક્રીમાં પોતાની રાજધાનીનું નિર્માણ કર્યું, ત્યારે તેના મુખ્ય દ્વાર પર નિમ્ન લિખિત શિલાલેખ કોતરાવ્યો હતો: “આ વિશ્વ એક સેતુ છે; તેને પાર કરો પરંતુ તેના પર કોઈ નિવાસસ્થાનનું નિર્માણ કરશો નહીં.” આ જ વિષયમાં જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ કહે છે:

જગ મેં રહો ઐસે ગોવિન્દ રાધે, ધર્મશાલા મેં યાત્રી રહેં જ્યોં બતા દે. (રાધા ગોવિન્દ ગીત)

“આ સંસારમાં જેમ પ્રવાસી ધર્મશાળામાં (એ જાગૃતતા સાથે કે આવતી કાલે સવારે આ છોડી દેવાનું છે) નિવાસ કરે, તેમ  નિવાસ કરો.” આ કથનના સત્યની અનુભૂતિ સાથે ભક્તો તેમના નિવાસસ્થાનને કેવળ અલ્પકાલીન રહેણાંકના રૂપે જોવે છે.

મારામાં દૃઢતાપૂર્ણ સમર્પિત બુદ્ધિ. સમગ્ર સૃષ્ટિમાં ભગવાનના પરમ પદ અને ભગવાન સાથેના તેમના શાશ્વત સંબંધમાં ભક્તોને ગહન આસ્થા હોય છે. તેમને એ પણ પૂર્ણ અને દૃઢ શ્રદ્ધા હોય છે કે જો તેઓ ભગવાનને પ્રેમપૂર્વક સમર્પિત રહેશે તો તેઓ ભગવદ્દ-કૃપાથી નિશ્ચિત રૂપે શ્રેષ્ઠતમ પરમતાને પામશે. તેથી, તેઓ એક પ્રલોભનથી બીજા પ્રલોભન પર અને એક પંથથી બીજા પંથ ઉપર ભટકતા નથી. શ્રીકૃષ્ણ ઘોષણા કરે છે કે આવા દૃઢ ભક્તો મને અત્યંત પ્રિય છે.