ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ ।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે ॥ ૫॥
કલેશ:—કષ્ટ; અધિકતર:—અત્યધિક; તેષામ્—તેમના; અવ્યક્ત—અપ્રગટ પ્રત્યે; આસક્ત—આસક્ત; ચેતસામ્—જેમના મન; અવ્યકતા—અવ્યક્ત તરફ; હિ—નિશ્ચિત; ગતિ:—માર્ગ; દુ:ખમ્—અત્યંત કઠિન; દેહ-વદ્ભી:—દેહધારીઓ માટે; અવાપ્યતે—પ્રાપ્ત કરાય છે.
Translation
BG 12.5: જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમના માટે ભગવદ્ અનુભૂતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે. દેહધારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે.
Commentary
તેમના વિવિધ પ્રાગટ્યોના ઉપાસકોના સમુદાયોને અપનાવ્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ પુન: સાકાર સ્વરૂપની ભક્તિની પોતાની પસંદગી અંગે પુનરુક્તિ કરે છે. તેઓ નિરાકાર બ્રહ્મની ભક્તિ અંગે સમજાવતા કહે છે કે તે અત્યંત પડકાર સ્વરૂપ માર્ગ છે, જે દુષ્કર કષ્ટોથી પૂર્ણ છે.
નિરાકાર બ્રહ્મની ઉપાસના શા માટે કઠિન છે? આ માટેનું પ્રથમ અને પ્રમુખ કારણ એ છે કે આપણે મનુષ્યો પોતાના માટે રૂપ ધારણ કરીએ છીએ અને અનંત જન્મોથી સાકાર સ્વરૂપ સાથે આંતરક્રિયા કરવાની આદત ધરાવીએ છીએ. આમ, ભગવદ્દ-પ્રેમ માટેના પ્રયાસોમાં પણ જો આપણા મન પાસે ધ્યાન ધરવા માટે મોહક સ્વરૂપ હોય તો મનને સુગમતાથી તેના પર એકાગ્ર કરી શકીએ છીએ અને ભગવાન પ્રત્યેના અનુરાગમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. પરંતુ, નિરાકાર સ્વરૂપમાં બુદ્ધિ તેને ગ્રહણ કરી શકતી નથી તેમજ મન તથા ઇન્દ્રિયો પાસે સંબંધ પ્રસ્થાપિત કરવા કોઈ વાસ્તવિક વિષય હોતો નથી. પરિણામે, ભગવાનનું ધ્યાન ધરવાના અને તેમના પ્રત્યે મનની આસક્તિમાં વૃદ્ધિ કરવાના, આ બંને પ્રયાસો દુષ્કર બની જાય છે.
ભગવાનની તુલનામાં બ્રહ્મની ભક્તિ કરવી એ અન્ય કારણસર પણ કઠિન છે. બંને માર્ગો વચ્ચેનાં અંતરને મર્કટ-કિશોર ન્યાય (વાંદરાના બચ્ચાંનો તર્ક) તથા માર્જાર-કિશોર-ન્યાય (બિલાડીના બચ્ચાંનો તર્ક) દ્વારા સમજી શકાય છે. વાંદરાનું બચ્ચું તેની માતાના ઉદર પર લટકવા માટે પોતે ઉત્તરદાયી હોય છે; તેને માતાની સહાય પ્રાપ્ત હોતી નથી. જયારે વાનર-માતા એક શાખા પરથી બીજી શાખા પર કૂદે છે ત્યારે માતાને જકડીને વળગી રહેવાનો ભાર વાનર-બાળક પર હોય છે અને જો તે એમ કરવા માટે અસમર્થ હોય તો તે પડી જાય છે. તેનાથી વિપરીત, બિલાડીનું બચ્ચું અતિ નાનું અને નમણું હોય છે, પરંતુ માતા તેને પોતાના ગળાની પાછળ પકડી, મોઢેથી ઉપાડીને એક સ્થાનેથી અન્ય સ્થાને વહન કરવાનું ઉત્તરદાયિત્ત્વ સ્વીકારે છે. આ દૃષ્ટાંતમાં, નિરાકારના ઉપાસકોની તુલના વાનર-બાળક સાથે અને સાકાર સ્વરૂપનાં ભક્તોની તુલના બિલાડીનાં બચ્ચાં સાથે કરી શકાય. જે લોકો નિરાકાર બ્રહ્મનાં ઉપાસકો છે, તેમના માટે માર્ગ પર પ્રગતિનું ઉત્તરદાયિત્ત્વ તેમના પોતાના પર રહેલું છે, કારણ કે બ્રહ્મ તેમના પર કૃપા વર્ષા કરતા નથી. બ્રહ્મ નિરાકાર છે અને નિર્ગુણ પણ છે. તેમને નિર્ગુણ (ગુણરહિત), નિર્વિશેષ (વિશેષતા રહિત) અને નિરાકાર (રૂપ રહિત) વર્ણવાયા છે. આ પ્રમાણે, બ્રહ્મ કૃપાના ગુણને પ્રગટ કરતા નથી. જે જ્ઞાનીઓ ભગવાનને નિર્ગુણ, નિર્વિશેષ અને નિરાકાર સ્વરૂપે ભજે છે, તેમણે પ્રગતિ માટે પૂર્ણત: સ્વ-પ્રયાસ ઉપર આધાર રાખવો પડે છે. બીજી બાજુ, ભગવાનનું સાકાર સ્વરૂપ દયા અને કરુણાનો સિંધુ છે. તેથી, સાકાર સ્વરૂપના ભક્તો તેમની સાધનામાં દિવ્ય સહાય પ્રાપ્ત કરે છે. ભગવાન તેમના ભક્તોને સંરક્ષણ પૂરું પાડે છે, તેના આધારે, શ્રીકૃષ્ણ શ્લોક સં. ૯.૩૧માં કહે છે: “હે કુંતીપુત્ર, નિર્ભયપણે એ ઘોષિત કર કે મારા ભક્તોનું કદાપિ પતન થતું નથી.” તેઓ આ જ કથનની આગામી બે શ્લોકોમાં પુષ્ટિ કરે છે.