અભ્યાસેઽપ્યસમર્થોઽસિ મત્કર્મપરમો ભવ ।
મદર્થમપિ કર્માણિ કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ ॥ ૧૦॥
અભ્યાસે—અભ્યાસમાં; અપિ—જો; અસમર્થ:—અસમર્થ; અસિ—તું હોય; મત્-કર્મ-પરમ:—મારાં કર્મ પ્રતિ પરાયણ; ભવ—થા; મત્-અર્થમ્—મારા માટે; અપિ—પણ; કર્માણિ—કર્મો; કુર્વન્—કરતાં રહી; સિદ્ધિમ્—સિદ્ધિ; અવાપ્સ્યસિ—તું પ્રાપ્ત કરીશ.
Translation
BG 12.10: જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ-સાધના માટે અસમર્થ હોય તો, તું કેવળ મારા માટે કાર્ય કર. એ પ્રમાણે, મારા અર્થે ભક્તિપૂર્ણ સેવાના પાલન દ્વારા તું પૂર્ણતાની અવસ્થાને પ્રાપ્ત કરીશ.
Commentary
ભગવાનનાં સ્મરણની સાધના કરવાનો ઉપદેશ પ્રાય: કરવા કરતાં કહેવામાં સરળ હોય છે. મન ભૌતિક શક્તિ માયાથી બનેલું છે અને તે સ્વાભાવિક રીતે સંસારનાં માયિક વિષયો તરફ દોડી જાય છે. તેને ભગવાન તરફ લઈ જવા માટે સાવધાનીપૂર્ણ તથા દૃઢ પ્રયાસોની આવશ્યકતા રહે છે. આપણે ઉપદેશોનું શ્રવણ પણ કરીએ છીએ કે આપણે નિરંતર ભગવદ્દ-સ્મરણ કરવું જોઈએ, આપણે તેનું પાલન કરવાની ઈચ્છા પણ ધરાવીએ છીએ, પરંતુ જયારે આપણે કાર્ય કરવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ ત્યારે ભગવાનનું મનમાંથી વિસ્મરણ થઈ જાય છે. જેમને સમગ્ર દિવસ દરમ્યાન પ્રત્યેક સમયે ભગવાનનાં સ્મરણની સાધના કરવી કઠિન લાગતી હોય, એવા લોકોએ શું કરવું જોઈએ? શ્રીકૃષ્ણ આ પ્રશ્નનો ઉત્તર ઉપરના શ્લોકમાં આપે છે.
જે લોકો નિરંતર ભગવાનનું સ્મરણ કરી શકતા નથી, તે લોકોએ કેવળ તેમના માટે કાર્ય કરવાનો અભ્યાસ કરવો જોઈએ. શ્લોક સં. ૯.૨૭ અને ૯.૨૮માં દર્શાવ્યા મુજબ, જે કંઈ પણ કાર્ય કરતી વખતે તેમણે એવો ભાવ કેળવવો જોઈએ કે તેઓ તે કાર્ય ભગવાનના સુખ માટે કરી રહ્યા છે. ગૃહસ્થાશ્રમ જીવનમાં મનુષ્યનો અધિકાંશ સમય પરિવારની સાર-સંભાળ કરવામાં જાય છે. વ્યક્તિએ આ જ કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ, પરંતુ આંતરિક ચેતનામાં પરિવર્તન કરવું જોઈએ. પરિવાર પ્રત્યેની શારીરિક આસક્તિથી કાર્યો કરવાના સ્થાને વ્યક્તિએ એ ચેતનાનો વિકાસ કરવો જોઈએ કે પરિવારનાં સર્વ સભ્યો ભગવાનના સંતાનો છે અને મારું એ ઉત્તરદાયિત્ત્વ છે કે ભગવાનના સુખ માટે હું તેમની દેખભાળ કરું. મનુષ્યે જીવનનિર્વાહ અંગે અર્થ-ઉપાર્જન કરવાનું ચાલુ રાખવું જોઈએ, પરંતુ પુન:, તે જે કાર્ય કરે છે તે અંગેની ચેતનામાં પરિવર્તન કરી શકાય છે. સાંસારિક સુખોને ભોગવવા માટે અર્થોપાર્જન કરવાના ઉદ્દેશ્યને સ્થાને મનુષ્ય એમ ચિંતન કરી શકે “હું આ અર્થોપાર્જન દ્વારા મારું તથા મારા પરિવારનું જતન કરવા ઈચ્છું છું કે જે અમને સર્વને ભક્તિ પરાયણ થવા માટે સમર્થ બનાવશે અને મારી પાસે જે કોઈ બચત થશે તે હું ભગવદ્દ-સેવાર્થે દાન કરીશ.” એ જ પ્રમાણે, ખાવું, પીવું, સુવું, સ્નાન કરવું વગેરે શારીરિક પ્રક્રિયાઓનો પણ ત્યાગ કરવાનો નથી, પરંતુ અહીં પણ, પુન: આપણે આ દિવ્ય ચેતનાનો વિકાસ કરી શકીએ છીએ. “મારે મારું શરીર તંદુરસ્ત રાખવું જોઈએ, કે જેથી હું ભગવાનની સેવા કરી શકું. તેથી હું તેનાં સ્વાસ્થ્યની જાળવણી માટે આવશ્યક કાર્યો કરીશ.”
જયારે આપણે ભગવાનના સુખ માટે કાર્ય કરવાનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે સ્વાભાવિક રીતે સ્વાર્થયુકત પ્રવૃત્તિઓ પ્રત્યે પરાયણ થતાં અટકી જઈએ છીએ અને ભક્તિયુક્ત સેવાની પ્રકૃતિ તરફ અગ્રેસર થઈએ છીએ. આ પ્રમાણે, પરમ પૂર્ણ શ્રીકૃષ્ણની અનન્ય સંતુષ્ટિ માટે સર્વ કાર્યોનું પાલન કરીને આપણું મન સ્થિર થઈ જશે અને આપણે શીઘ્રતાથી તેમના પર એકાગ્ર થવા સમર્થ બનીશું. પશ્ચાત્, અંત:કરણમાં ધીમે ધીમે ભગવદ્દ-પ્રેમ પ્રગટ થશે અને આપણે નિરંતર ભગવદ્દ-ચિંતન કરવામાં સફળ થઈશું.