Bhagavad Gita: Chapter 12, Verse 8

મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિં નિવેશય ।
નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ ॥ ૮॥

મયિ—મારામાં; એવ—કેવળ; મન:—મન; આધસ્ત્વ—સ્થિર; મયિ—મારામાં; બુદ્ધિમ્—બુદ્ધિ; નિવેશય—સમર્પિત; નિવસિષ્યસી—તું સદા નિવાસ કરીશ; મયિ—મારામાં; એવ—કેવળ; અત: ઊર્ધ્વમ્—આથી પછી; ન—નહીં; સંશય:—શંકા.

Translation

BG 12.8: તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર. પશ્ચાત્, તું સદૈવ મારામાં નિવાસ કરીશ. આ અંગે કોઈ સંશય નથી.

Commentary

સાકાર સ્વરૂપની ભક્તિ ઉત્તમ છે, એ સ્પષ્ટ કરીને શ્રીકૃષ્ણ હવે તેમની ભક્તિ કેવી રીતે કરવી તે અંગે વ્યાખ્યા કરવાનું પ્રારંભ કરે છે. તેઓ અર્જુનને બે વસ્તુ કરવાનું કહે છે—ભગવાનમાં મનને સ્થિર કર અને બુદ્ધિને તેમને સમર્પિત કર. મનનું કાર્ય ઈચ્છાઓ, પ્રલોભનો અને ઘૃણાનું સર્જન કરવાનું છે. બુદ્ધિનું કાર્ય ચિંતન, વિશ્લેષણ તથા વિભેદ કરવાનું છે.

મનની અગત્યતા અંગે વૈદિક શાસ્ત્રોમાં પુન: પુન: વર્ણન કરવામાં આવ્યું છે:

             ચેતઃ ખલ્વસ્ય બન્ધાય મુક્તયે ચાત્મનો મતમ્

            ગુણેષુ સક્તં બન્ધાય રતં વા પુંસિ મુક્તયે (ભાગવતમ્ ૩.૨૫.૧૫)

“માયાની કેદ અને તેમાંથી મુક્તિ અંગેનો નિર્ણય મન દ્વારા લેવાય છે. જો તે સંસારમાં અનુરક્ત હોય છે, તો વ્યક્તિ બંધનમાં પડે છે અને જો મન સંસારથી વિરક્ત હોય છે, તો વ્યક્તિ મુક્તિ પામે છે.”

            મન એવ મનુષ્યાણાં કારણં બન્ધ મોક્ષયોઃ (પંચદશી)

“બંધન અને મુક્તિનો નિર્ણય મનની અવસ્થાને આધારે લેવાય છે.” કેવળ શારીરિક ભક્તિ પર્યાપ્ત નથી; આપણે મનને પણ ભગવાનના ચિંતનમાં પરાયણ રાખવું જોઈએ. તેનું કારણ એ છે કે મનની પરાયણતા રહિત કેવળ ઇન્દ્રિયો દ્વારા થતી ક્રિયાઓનું કોઈ મહત્ત્વ નથી. ઉદાહરણ તરીકે, આપણે કાન દ્વારા પ્રવચન સાંભળીએ છીએ પરંતુ મન ભટકતું હોય તો આપણે શું કહેવામાં આવ્યું તે જાણી શકતા નથી. શબ્દો કાન સાથે અથડાય છે પરંતુ તેની નોંધ લેવાતી નથી. આ દર્શાવે છે કે મનની પરાયણતા રહિત ઈન્દ્રિયો દ્વારા થતા કાર્યોની નોંધ લેવાતી નથી. બીજી બાજુ, મન એવું સાધન છે કે જેમાં સર્વ ઇન્દ્રિયો સૂક્ષ્મ સ્વરૂપે નિવાસ કરે છે. તેથી, વાસ્તવિક રીતે ઇન્દ્રિયજન્ય ક્રિયાઓ વિના પણ મન દૃશ્ય, ગંધ, સ્વાદ, સ્પર્શ અને ધ્વનિના બોધનો અનુભવ કરે છે. ઉદાહરણ તરીકે, રાત્રે જયારે આપણે નિદ્રાધીન હોઈએ છીએ ત્યારે આપણી ઇન્દ્રિયો નિષ્ક્રિય હોય છે. છતાં સ્વપ્ન દરમ્યાન આપણું મન ઇન્દ્રિયોના બધા વિષયોનો અનુભવ કરે છે. આ સિદ્ધ કરે છે કે મન સ્થૂળ ઇન્દ્રિયો વિના પણ સર્વ બોધનો અનુભવ કરવા માટે સમર્થ છે. તેથી, કર્મોની નોંધ લેતી વખતે ભગવાન માનસિક કાર્યને મહત્ત્વ આપે છે અને ઇન્દ્રિયોના શારીરિક કાર્યને નહીં.

મનથી પણ ઉપર બુદ્ધિ છે. આપણે મનને ભગવાનમાં ત્યારે જ સ્થિર કરી શકીએ, જયારે આપણે આપણી બુદ્ધિ તેમને સમર્પિત કરીએ. ભૌતિક વિષયોમાં પણ જયારે આપણે બુદ્ધિની સીમાથી બહારની પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે અધિક બુદ્ધિશાળી વ્યક્તિનું માર્ગદર્શન લઈએ છીએ. ઉદાહરણ તરીકે, જયારે આપણે માંદા હોઈએ છીએ ત્યારે ડૉક્ટરની મુલાકાત લઈએ છીએ. આપણને તબીબી શાસ્ત્રનું કોઈ જ્ઞાન હોતું નથી અને તેથી આપણે જાણકાર મેડીકલ ડૉક્ટરની સલાહનું અનુસરણ કરીએ છીએ. તે ડૉક્ટર આપણા લક્ષણોની તપાસ કરે છે, આપણા મેડીકલ રિપોર્ટોનું અવલોકન કરે છે, નિદાન કરે છે અને પશ્ચાત્ દવાઓ સૂચવે છે. આપણે આપણી બુદ્ધિને સમર્પિત કરીને તેમની સૂચના અનુસાર દવાઓ લઈએ છીએ. એ જ પ્રમાણે, આપણે કોઈ કાયદાકીય પ્રકરણમાં સંડોવાયેલા હોઈએ તો વકીલની સહાય લઈએ છીએ. વકીલ આપણને વિપક્ષના વકીલની પૂછપરછનો કેવી રીતે ઉત્તર આપવો એ અંગે સૂચનો કરે છે. કાયદાઓનું કોઈ જ્ઞાન ન હોવાના કારણે આપણે બુદ્ધિને સમર્પિત કરીને વકીલ જે પ્રમાણે કહે તેમ કરીએ છીએ.

એ જ પ્રમાણે, વર્તમાનમાં આપણી બુદ્ધિમાં અનેક દોષો છે. અક્રૂર, શ્રીકૃષ્ણના ગોપીઓના સંદેશવાહક, ભાગવતમ્ (૧૦.૧૪.૨૫)માં બુદ્ધિની અપૂર્ણતાઓનું વર્ણન કરે છે: અનિત્યાનાત્મદુઃખેષુ વિપર્યયમતિર્હ્યહમ્  અક્રૂર કહે છે: “આપણી બુદ્ધિ અનુચિત જ્ઞાનથી બંધાયેલી છે. આપણે શાશ્વત આત્મા હોવા છતાં આપણે પોતાને નશ્વર શરીર માનીએ છીએ. સંસારના સર્વ પદાર્થો નશ્વર હોવા છતાં આપણે માનીએ છીએ કે તેઓ સદા આપણી સાથે રહેશે. તેથી, દિવસ અને રાત તેમને એકત્રિત કરવામાં વ્યસ્ત રહીએ છીએ. અને લાંબા ગાળે ઇન્દ્રિય સુખ સંબંધી પ્રવૃત્તિઓ અંતત: દુઃખદાયી બની રહે છે, છતાં સુખ-પ્રાપ્તિની આશામાં  આપણે તેનો પીછો છોડતા નથી.” બુદ્ધિના ઉપરોક્ત ત્રણ વિકારોને વિપર્યય, અર્થાત્ માયિક ભ્રમણાના પ્રભાવમાં જ્ઞાનની અધોગતિ કહે છે. આપણી સમસ્યાઓની ગહનતામાં અધિક વૃદ્ધિ થાય છે કારણ કે અસંખ્ય પૂર્વ જન્મોથી આપણી બુદ્ધિને આ પ્રકારનાં ક્ષતિપૂર્ણ ચિંતનની આદત છે. જો આપણે આપણા જીવનનું વહન બુદ્ધિના નિર્દેશ અનુસાર કરીશું, તો આપણે નિશ્ચિતપણે દિવ્ય માર્ગ પર વિશેષ ઉન્નતિ કરી શકીશું નહીં. આથી, જો આપણે આધ્યાત્મિક ઉન્નતિ સાધવાની ઈચ્છા ધરાવતા હોઈએ તો આપણે આપણી બુદ્ધિને ભગવાનને સમર્પિત કરવી પડશે અને તેમના ઉપદેશોનું પાલન કરવું પડશે. બુદ્ધિના સમર્પણનો અર્થ એ છે કે શાસ્ત્રો તથા વાસ્તવિક ગુરુનાં માધ્યમથી પ્રાપ્ત ભગવદીય જ્ઞાન અનુસાર ચિંતન કરવું. સમર્પિત બુદ્ધિના લક્ષણો શ્લોક સં. ૧૮.૬૬માં વર્ણવવામાં આવ્યા છે.