Bhagavad Gita: Chapter 12, Verse 17

યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ ।
શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ ॥ ૧૭॥

ય:—જે; ન—નહીં; હ્રષ્યતિ—હર્ષ પામે છે; ન—નહીં; દ્વેષ્ટિ—શોક; ન—નહીં; શોચતિ—શોક; ન—ન તો; કાંક્ષતિ—મેળવવાની ઈચ્છા; શુભ-અશુભ-પરિત્યાગી—શુભ અને અશુભનો ત્યાગ કરનારો; ભક્તિ-માન્—ભક્તિપૂર્ણ; ય:—જે; સ:—તે; મે—મને; પ્રિય: —અતિ પ્રિય.

Translation

BG 12.17: જે ઐહિક સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી, જે હાનિ માટે શોક કરતો નથી કે કંઈ મેળવવા માટે લાલાયિત રહેતો નથી, જે શુભ તથા અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે, એવા મનુષ્યો જે ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ મને અત્યંત પ્રિય છે.

Commentary

તેઓ ન તો ઐહિક સુખોથી હર્ષ પામે છે કે ન તો સાંસારિક દુઃખોમાં નિરાશ થાય છે. જો આપણે અંધારામાં હોઈએ અને કોઈ દીપક બતાવીને આપણી સહાય કરે તો સ્વાભાવિક રીતે આપણે ખુશ થઈએ છીએ. પશ્ચાત્, કોઈ જ્યોત બુઝાવી દે તો આપણે નારાજ થઈ જઈએ છીએ. પરંતુ જો આપણે મધ્યાહ્ને સૂર્યના પ્રકાશમાં ઊભા હોઈએ તો આપણને કોઈ દીપક બતાવે કે જ્યોત બુઝાવી નાખે, કોઈ ફરક પડતો નથી. એ જ પ્રમાણે, ભગવાનના ભક્તો દિવ્ય પ્રેમાનંદથી સંતૃપ્ત તથા કૃતજ્ઞ હોવાથી હર્ષ અને નિરાશાથી ઉપર ઊઠી જાય છે.

ન તો હાનિ માટે શોક કરવો કે ન તો કંઈ મેળવવા લાલાયિત થવું. આવા ભક્તો ન તો સાંસારિક સુખપૂર્ણ પરિસ્થિતિઓ માટે લાલાયિત રહે છે કે ન તો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં શોક કરે છે.

નારદ ભક્તિ દર્શન વર્ણન કરે છે:

     યત્પ્રાપ્ય ન કિઞ્ચિદ્વાઞ્છતિ, ન શોચતિ, ન દ્વેષ્ટિ, ન રમતે, નોત્સાહિ ભવતિ (સૂત્ર ૫)

“ભગવાન માટે દિવ્ય પ્રેમની પ્રાપ્તિ પશ્ચાત્ ભક્તો ન તો કોઈ લાભ માટે લાલાયિત થાય છે કે ન તો તેને ગુમાવવાથી શોક કરે છે. તેઓ તેમને હાનિ કરનારા પ્રત્યે પણ ઘૃણા કરતા નથી. તેઓને સાંસારિક સુખો પ્રત્યે કોઈ અભિરુચિ હોતી નથી. તેઓ તેમની સાંસારિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા અંગે ચિંતિત હોતા નથી.” ભક્તો ભગવદ્દ આનંદના રસનું પાન કરે છે, તેથી તેની તુલનામાં સર્વ માયિક વિષયોનો આનંદ તેમને તુચ્છ પ્રતીત થાય છે.

શુભ અને અશુભ બંને કાર્યોનો ત્યાગ. ભક્તો સ્વાભાવિક રીતે અશુભ કર્મો (વિકર્મ)નો ત્યાગ કરે છે, કારણ કે તે તેમની પ્રકૃતિથી વિરુદ્ધ હોય છે તથા ભગવાનને અપ્રસન્ન કરનારા હોય છે. શ્રીકૃષ્ણ જેને શુભ કર્મો કહે છે, તેનું તાત્પર્ય શાસ્ત્રોમાં વર્ણિત કર્મકાંડો છે. ભક્તો દ્વારા કરવામાં આવતા સર્વ કાર્યો અકર્મ બની જાય છે કારણ કે તેઓ તેમનું પાલન કોઈ સ્વાર્થી હેતુથી કરતા નથી અને તે ભગવાનને સમર્પિત હોય છે. અકર્મની વિભાવનાને વિસ્તૃત રીતે શ્લોક સં. ૪.૧૪ થી ૪.૨૦માં સ્પષ્ટ કરવામાં આવી છે.

ભક્તિથી પરિપૂર્ણ. ભક્તિમાન્  અર્થાત્ “ભક્તિથી પરિપૂર્ણ”. દિવ્ય પ્રેમની પ્રકૃતિ જ એવી છે કે તેમાં નિત્ય વૃદ્ધિ થયા કરે છે. ભક્ત કવિઓએ કહ્યું છે: “પ્રેમ મે પૂર્ણિમા નહીં”  “ચંદ્રની કલાઓમાં પૂર્ણિમા સુધી વૃદ્ધિ થાય છે અને પશ્ચાત્ તેનો ક્ષય થવા લાગે છે, પરંતુ દિવ્ય પ્રેમ અસીમિત રીતે વૃદ્ધિ પામતો રહે છે.”  તેથી, ભક્તના હૃદયમાં ભગવાન માટે પ્રેમનો સમુદ્ર સમાયેલો હોય છે. શ્રીકૃષ્ણ કહે છે કે આવા ભક્તો તેમને અત્યંત પ્રિય છે.