જ્યોતિષામપિ તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે ।
જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્ ॥ ૧૮॥
જ્યોતિષમ્—સર્વ પ્રકાશમય વસ્તુઓમાં; અપિ—અને; તત્—તે; જ્યોતિ:—પ્રકાશનો સ્રોત; તમસ:—અંધકાર; પરમ્—પર; ઉચ્યતે—કહેવાય છે; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞેયમ્—જ્ઞાનનો વિષય; જ્ઞાન-ગમ્યમ્—જ્ઞાનનું ધ્યેય; હ્રદિ—અંત:કરણમાં; સર્વસ્ય—સર્વ જીવોનાં; વિષ્ઠિતમ્—સ્થિત.
Translation
BG 13.18: તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે. તેઓ જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ધ્યેય છે. તેઓ સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છે.
Commentary
અહીં શ્રીકૃષ્ણ, ભગવાનની પ્રભુતાને વિવિધ સ્વરૂપે પ્રસ્થાપિત કરે છે. સૃષ્ટિમાં અનેક પ્રકાશમાન પદાર્થો જેમ કે, સૂર્ય, ચંદ્ર, તારાગણ, અગ્નિ, આભૂષણો ઈત્યાદિ છે. તેમને એકલા છોડી દેવામાં આવે તો આમાંથી કોઈનામાં પણ પ્રકાશિત કરવાની કોઈ શક્તિ નથી. જયારે ભગવાન તેમને શક્તિ પ્રદાન કરે છે, કેવળ ત્યારે જ તેઓ અન્યને પ્રકાશિત કરી શકે છે. વેદો કહે છે:
તમેવ ભાન્તમનુભાતિ સર્વં
તસ્ય ભાસા સરવમિદં વિભાતિ (કઠોપનિષદ્દ ૨.૨.૧૫)
“ભગવાન સર્વ પદાર્થોને પ્રકાશિત કરે છે. તેમની તેજસ્વિતાને કારણે સર્વ પ્રકાશિત પદાર્થો પ્રકાશ પ્રદાન કરે છે.”
સૂર્યસ્તપતિ તેજસેન્દ્રઃ (વેદ)
“તેમના પ્રકાશ દ્વારા સૂર્ય અને ચંદ્ર પ્રકાશિત થાય છે.” અન્ય શબ્દોમાં, સૂર્ય અને ચંદ્રની તેજસ્વીતા ભગવાન પાસેથી ઉછીની પ્રાપ્ત થઈ છે. કોઈક દિવસે તેઓ કદાચ તેમની તેજસ્વીતા લુપ્ત કરી દેશે, પરંતુ ભગવાનની તેજસ્વીતા કદાપિ લુપ્ત થશે નહીં.”
ભગવાનના ત્રણ અનુપમેય નામ છે: વેદ-કૃત્, વેદ-વિત્ અને વેદ-વેદ્ય. તેઓ વેદ-કૃત્ છે અર્થાત્ “જેમણે વેદો પ્રગટ કર્યા.” તેઓ વેદ-વિત્ છે અર્થાત્ “જેઓ વેદોના જ્ઞાતા છે.” તેઓ વેદ-વેદ્ય પણ છે અર્થાત્ “તે જેમને વેદો દ્વારા જાણી શકાય છે.” એ જ પ્રમાણે, શ્રીકૃષ્ણે પરમાત્માનું નિરૂપણ જ્ઞેય (જાણવા યોગ્ય), જ્ઞાન-ગમ્ય (જ્ઞાનનું ધ્યેય) અને જ્ઞાન (વાસ્તવિક જ્ઞાન) તરીકે કર્યું છે.