Bhagavad Gita: Chapter 13, Verse 23

ઉપદ્રષ્ટાનુમન્તા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ ।
પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેઽસ્મિન્પુરુષઃ પરઃ ॥ ૨૩॥

ઉપદૃષ્ટ:—સાક્ષી; અનુમન્તા—અનુમોદન આપનાર; ચ—અને; ભર્તા—નિર્વાહક; ભોક્તા—પરમ ભોક્તા; મહા-ઈશ્વર:—પરમ નિયંતા; પરમ-આત્મા—પરમાત્મા; ઈતિ—તે; ચ—અને; અપિ—પણ; ઉક્ત:—કહેવાયો છે; દેહે—શરીરમાં; અસ્મિન્—આ; પુરુષ: પર:—પરમાત્મા.

Translation

BG 13.23: શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે. તેઓને સાક્ષી, અનુમતિ પ્રદાન કરનાર, સહાયક, પરમ ભોક્તા, પરમ નિયંતા અને પરમાત્મા કહેવામાં આવે છે.

Commentary

શ્રીકૃષ્ણે જીવાત્માનું શરીરમાં શું સ્થાન છે તેનું વર્ણન કર્યું. હવે આ શ્લોકમાં, તેઓ પરમાત્માના સ્થાનનું વર્ણન કરે છે, જેઓ પણ શરીરમાં નિવાસ કરે છે. તેમણે અગાઉ શ્લોક સં. ૧૩.૨માં પણ પરમાત્માનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે પ્રત્યેક શરીરમાં સ્થિત જીવાત્મા કેવળ પોતાના શરીરનો જ્ઞાતા છે, જયારે પરમાત્મા સર્વ અનંત શરીરોનાં જ્ઞાતા છે.

પ્રત્યેક શરીરમાં સ્થિત પરમાત્મા ભગવાન વિષ્ણુ તરીકે સાકાર સ્વરૂપમાં પણ પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપે તે પરમેશ્વર આ સૃષ્ટિના પાલન-પોષણ માટે ઉત્તરદાયી છે. તેઓ આ બ્રહ્માંડના શીર્ષ સ્થાને ક્ષીર સાગરમાં તેમના સાકાર સ્વરૂપે નિવાસ કરે છે. તેઓ સ્વયંને સર્વ જીવોનાં અંત:કરણમાં નિવાસ કરીને પ્રસારિત કરે છે. અંદર સ્થિત રહીને તેઓ તેમનાં કર્મોને નોંધે છે, તેમનાં કર્મોનો હિસાબ રાખે છે અને ઉચિત સમયે તેનું ફળ પ્રદાન કરે છે. જીવાત્મા પ્રત્યેક જન્મમાં જે કોઈ શરીર પ્રાપ્ત કરે તેમાં તેઓ તેની સાથે રહે છે. તેમને સર્પના, ભૂંડના કે જંતુના શરીરમાં નિવાસ કરવામાં પણ સંકોચ થતો નથી. મુન્ડકોપનિષદ્દ વર્ણન કરે છે:

            દ્વા સુપર્ણા સયુજા સખાયા

           સમાનં વૃક્ષં પરિષસ્વજાતે

           તયોરન્યઃ પિપ્પલં સ્વાદ્વત્ત્ય-

           નશ્નન્નન્યો અભિચાકશીતિ

           સમાને વૃક્ષે પુરુષો નિમગ્નો-

           ઽનીશયા શોચતિ મુહ્યમાનઃ

           જુષ્ટં યદા પશ્યત્યન્યમીશ-

           મસ્ય મહિમાનમિતિ વીતશોકઃ (૩.૧.૧-૨)

“જીવ સ્વરૂપના વૃક્ષ (શરીર)નાં માળા (હૃદય)માં બે પક્ષીઓ નિવાસ કરે છે. તે જીવાત્મા અને પરમાત્મા છે. જીવાત્મા પરમાત્માથી વિમુખ પીઠ બતાવીને વૃક્ષના ફળો (શરીરમાં નિવાસ કરતી વખતે પ્રાપ્ત થતાં કર્મોનાં ફળો)ને ભોગવવામાં વ્યસ્ત છે. જયારે મિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે ત્યારે તે સુખ અનુભવે છે; જયારે કડવું ફળ મળે છે ત્યારે તે ઉદાસ થઈ જાય છે. પરમાત્મા એ જીવાત્માના મિત્ર છે, પરંતુ તેઓ હસ્તક્ષેપ કરતા નથી; તેઓ કેવળ બેસીને નિરીક્ષણ કરે છે. જો જીવાત્મા કેવળ પરમાત્માની સન્મુખ થઈ જાય તો તેના સર્વ દુઃખોનો અંત આવી જશે.” જીવાત્માને પરમાત્માથી સન્મુખ થવું કે વિમુખ એ અંગે સ્વતંત્ર ઈચ્છાશક્તિ પ્રદત્ત છે. તે સ્વતંત્ર ઈચ્છાશક્તિના દુરુપયોગથી જીવાત્મા બંધનમાં રહે છે અને તેના ઉચિત ઉપયોગની શિક્ષા મેળવીને તે ભગવાનની શાશ્વત સેવા પ્રાપ્ત કરી શકે છે અને અનંત આનંદનો અનુભવ મેળવી શકે છે.