Bhagavad Gita: Chapter 13, Verse 35

ક્ષેત્રક્ષેત્રજ્ઞયોરેવમન્તરં જ્ઞાનચક્ષુષા
ભૂતપ્રકૃતિમોક્ષં ચ યે વિદુર્યાન્તિ તે પરમ્ ॥ ૩૫॥

ક્ષેત્ર—શરીર; ક્ષેત્ર-જ્ઞયો:—શરીરને જાણનાર; એવમ્—આ પ્રમાણે; અન્તરમ્—તફાવત; જ્ઞાન-ચક્ષુષા—જ્ઞાન-ચક્ષુ દ્વારા; ભૂત—જીવ; પ્રકૃતિ-મોક્ષમ્—માયિક પ્રકૃતિથી મુક્ત; ચ—અને; યે—જે; વિદુ:—જાણે છે; યાન્તિ—પામે છે; તે—તેઓ; પરમ્—પરમ.

Translation

BG 13.35: જે મનુષ્યો જ્ઞાન-દૃષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયિક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તે પરમ ધામને પ્રાપ્ત કરે છે.

Commentary

તેમની પ્રચલિત શૈલીથી શ્રીકૃષ્ણ હવે તેમણે જે કંઈ કહ્યું તેના ઉપસંહાર દ્વારા ક્ષેત્ર અને ક્ષેત્રના જ્ઞાતાના વિષયનું સમાપન કરે છે. માયિક ક્ષેત્ર (ક્રિયાક્ષેત્ર) અને આધ્યાત્મિક ક્ષેત્ર (ક્ષેત્રના જ્ઞાતા) વચ્ચેનો તફાવત જાણવો એ વાસ્તવિક જ્ઞાન છે. જે આ પ્રકારનું પૃથકાત્મક જ્ઞાન ધરાવે છે, તેઓ પોતાને પ્રાકૃત શરીર સ્વરૂપે જોતા નથી. તેઓ સ્વયંની ઓળખ આધ્યાત્મિક પ્રકૃતિ સાથે આત્મા સ્વરૂપે તથા ભગવાનના અંશ સ્વરૂપે કરે છે. તેથી, તેઓ આધ્યાત્મિક ઉન્નતિ તથા માયિક  પ્રકૃતિથી મુક્ત થવાનો માર્ગ શોધે છે. પશ્ચાત્ આધ્યાત્મિક જ્ઞાનના માર્ગ પર ચાલીને આવા જ્ઞાની મનુષ્યો ભગવદ્દ-પ્રાપ્તિનું પોતાનું અંતિમ ધ્યેય પ્રાપ્ત કરે છે.