Bhagavad Gita: Chapter 13, Verse 27

યાવત્સઞ્જાયતે કિઞ્ચિત્સત્ત્વં સ્થાવરજઙ્ગમમ્ ।
ક્ષેત્રક્ષેત્રજ્ઞસંયોગાત્તદ્વિદ્ધિ ભરતર્ષભ ॥ ૨૭॥

યાવત્—જે કંઈ; સંજાયતે—ઉત્પન્ન થાય છે; કિંચિત્—કંઈપણ; સત્ત્વમ્—અસ્તિત્વ; સ્થાવર—અચળ; જંગમમ્—ચલ; ક્ષેત્ર—કર્મક્ષેત્ર; ક્ષેત્રજ્ઞ—ક્ષેત્રનો જ્ઞાતા; સંયોગાત્—સંયોગથી; તત્—તે; વિદ્ધિ—જાણ; ભરત-ઋષભ—ભરતવંશીઓમાં શ્રેષ્ઠ.

Translation

BG 13.27: હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્ત્વમાં તું જે કંઈપણ ચર અને અચર જોવે છે, તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ.

Commentary

શ્રીકૃષ્ણ યાવત્ કિંચિત્ શબ્દનો પ્રયોગ કરે છે, અર્થાત્ “જીવનમાં જે કંઈપણ અસ્તિત્વ ધરાવે છે”, પછી ભલે તે અતિ પ્રચંડ કે અતિ સૂક્ષ્મ હોય, તે સર્વ કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે. અબ્રાહમ પરંપરા મનુષ્યમાં આત્માના અસ્તિત્વને સ્વીકારે છે પરંતુ અન્ય જીવન રૂપોમાં પણ આત્માનું અસ્તિત્વ છે, તેનો સ્વીકાર કરતી નથી. આ વિભાવના અન્ય જીવો પ્રત્યેની હિંસાને ક્ષમ્ય માને છે. પરંતુ વૈદિક દર્શન ભારપૂર્વક જણાવે છે કે જ્યાં જ્યાં ચેતનાનું અસ્તિત્ત્વ હોય છે, ત્યાં ત્યાં આત્માની ઉપસ્થિતિ હોય જ છે. તેના વિના ચેતનાનું અસ્તિત્વ હોઈ શકે જ નહિ.

૨૦મી સદીની શરૂઆતમાં સર જે.સી. બોસે પ્રયોગો કરીને સિદ્ધ કર્યું કે છોડ પણ, કે જે જીવનનું અચર સ્વરૂપ છે, તે પણ ભાવનાઓનો અનુભવ કરી શકે છે અને તે અંગે પ્રતિક્રિયા પણ આપે છે. તેમના પ્રયોગોએ સાબિત કર્યું કે, નિર્મળ સંગીત છોડના વિકાસમાં વૃદ્ધિ કરે છે. જ્યારે વૃક્ષ પર બેઠેલા પક્ષીને શિકારી ગોળી મારે છે ત્યારે તે વૃક્ષનાં સ્પંદનો દર્શાવે છે કે તે પક્ષી માટે રુદન કરે છે અને જયારે પ્રેમાળ માળી બગીચામાં પ્રવેશ કરે છે ત્યારે વૃક્ષો હર્ષનો અનુભવ કરે છે. વૃક્ષનાં સ્પંદનોમાં થતા પરિવર્તનો દર્શાવે છે કે તે પણ ચેતના ધરાવે છે અને ભાવનાઓનો સાદૃશ્ય અનુભવ કરે છે. આ અવલોકનો શ્રીકૃષ્ણના આ કથનોનું સમર્થન કરે છે કે જીવનના સર્વ રૂપો ચેતના ધરાવે છે; તેઓ શાશ્વત આત્મા કે જે ચેતનાનો સ્રોત છે અને શરીર કે જે જડ માયા શક્તિનું બનેલું છે, તેનો સંયોગ છે.