યદા ભૂતપૃથગ્ભાવમેકસ્થમનુપશ્યતિ ।
તત એવ ચ વિસ્તારં બ્રહ્મ સમ્પદ્યતે તદા ॥ ૩૧॥
યદા—જયારે; ભૂત—જીવો; પૃથક્-ભાવમ્—ભાત-ભાતનું વૈવિધ્ય; એક-સ્થમ્—એક સ્થાને સ્થિત; અનુપશ્યતિ—જોવું; તત:—ત્યાર પછી; એવ—ખરેખર; ચ—અને વિસ્તારમ્—વિસ્તારને; બ્રહ્મ—બ્રહ્મન; સંપદ્યતે—(તેઓ) પ્રાપ્ત કરે છે; તદા—ત્યારે.
Translation
BG 13.31: જયારે તેઓ જીવોના જાત-જાતના વૈવિધ્યને એકસમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે, ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.
Commentary
સમુદ્ર પોતાને તરંગો, ફીણ, ભરતી, લહેરો જેવા અનેક સ્વરૂપોમાં પરિવર્તિત કરતો રહે છે. જે લોકો આ સર્વ વિવિધતાઓને પ્રથમ વાર જોવે છે, તેઓ કદાચ એમ માની લે કે આ સર્વ ભિન્ન-ભિન્ન છે. પરંતુ જેને સમુદ્ર અંગે જ્ઞાન છે, તે આ સર્વ વૈવિધ્યમાં આંતરિક ઐક્ય જોવે છે. એ જ પ્રમાણે, અતિ સૂક્ષ્મ અમીબાથી શરૂ કરીને અતિ બળશાળી સ્વર્ગીય દેવો સુધી જીવનનાં અનેક સ્વરૂપો અસ્તિત્ત્વમાં છે. આ સર્વનું મૂળ એકસમાન વાસ્તવિકતામાં છે—તે છે પ્રાકૃત શક્તિથી નિર્મિત શરીરમાં સ્થિત આત્મા, કે જે ભગવાનનો અંશ છે. આ રૂપો વચ્ચેની ભિન્નતા આત્માને કારણે નથી, પરંતુ પ્રાકૃત શક્તિ દ્વારા પ્રગટ થયેલા વિભિન્ન શરીરોને કારણે છે. જન્મ સમયે સર્વ જીવોના શરીરોનું પ્રાકૃત શક્તિથી સર્જન કરવામાં આવે છે અને મૃત્ય સમયે, તેમનાં શરીરો પુન: તેમાં જ વિલીન થઈ જાય છે. જયારે આપણે જીવોના વૈવિધ્યના મૂળને એકસમાન પ્રાકૃત શક્તિમાં જોઈએ છીએ ત્યારે આ વૈવિધ્ય પાછળ રહેલ એકત્ત્વની અનુભૂતિ કરીએ છીએ. વળી, આ પ્રાકૃત શક્તિ ભગવાનની જ શક્તિ હોવાને કારણે આવું જ્ઞાન આપણને સર્વ અસ્તિત્ત્વમાં વ્યાપ્ત એકસમાન આધ્યાત્મિક મૂળાધારને જોવામાં સહાય કરે છે.