Bhagavad Gita: Chapter 13, Verse 13

જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે ।
અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ॥ ૧૩॥

જ્ઞેયમ્—જાણવા યોગ્ય; યત્—જે; તત્—તે; પ્રવક્ષ્યામિ—હું હવે પ્રગટ કરીશ; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; અમૃતમ્—શાશ્વતતા; અશ્નુતે—પ્રાપ્ત કરે છે; અનાદિ—જેનો આરંભ નથી; મત્-પરમ્—મને આધીન; બ્રહ્મ—બ્રહ્મન; ન—નહીં; સત્—અસ્તિત્ત્વ; તત્—તે; ન—નહીં; અસત્—અસ્તિત્ત્વ-રહિત; ઉચ્યતે—કહે છે.

Translation

BG 13.13: હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે, તે તારી સમક્ષ પ્રગટ કરીશ. તે અનાદિ બ્રહ્મ છે, જે અસ્તિત્ત્વ અને અસ્તિત્ત્વહીનથી પર છે.

Commentary

દિવસ તથા રાત્રિ એક જ સિક્કાની બે બાજુઓ છે, કારણ કે બંનેનું અસ્તિત્ત્વ એક-બીજા વિના શક્ય નથી. જો કોઈ સ્થાને રાત્રિ થતી હોય તો કોઈક સ્થાને ત્યારે દિવસ હશે તેમ આપણે ચોક્કસપણે કહી જ શકીએ. પરંતુ જો ત્યાં રાત્રિ જ નથી, તો પછી દિવસ પણ નથી; ત્યાં કેવળ શાશ્વત પ્રકાશ છે. એ જ પ્રમાણે, બ્રહ્મના વિષયમાં, “અસ્તિત્ત્વ” શબ્દ પર્યાપ્ત રીતે વર્ણનાત્મક નથી. શ્રીકૃષ્ણ કહે છે કે, બ્રહ્મ અસ્તિત્ત્વ તથા અસ્તિત્ત્વરહિતતાના સાપેક્ષ સંબંધથી પરે છે.

બ્રહ્મ, તેના નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપમાં જ્ઞાનીઓની આરાધનાનો વિષય હોય છે. ભગવાન તરીકેના તેના સાકાર સ્વરૂપમાં, તેઓ ભક્તોની આરાધનાનો આધાર હોય છે. શરીરમાં સ્થિત સ્વરૂપને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. આ સર્વ એક જ પરમ તત્ત્વના ત્રણ પ્રાગટ્ય સ્વરૂપો છે. આગળ, શ્લોક સં. ૧૪.૨૭માં શ્રીકૃષ્ણ વર્ણન કરે છે:   “બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ્”   “હું જ નિરાકાર બ્રહ્મનો આધાર છું.” આ પ્રમાણે, નિરાકાર બ્રહ્મ તથા ભગવાનનું સાકાર સ્વરૂપ આ બંને એક જ પરમ તત્ત્વનાં બે સ્વરૂપ છે. બંને સર્વત્ર વ્યાપ્ત છે અને તેથી તેમને સર્વ-વ્યાપક કહેવામાં આવે છે. આ સંદર્ભમાં, શ્રીકૃષ્ણ ભગવાનમાં પ્રગટ થતા વિરોધાભાસી ગુણોનું વર્ણન કરે છે.