ઇચ્છા દ્વેષઃ સુખં દુઃખં સઙ્ઘાતશ્ચેતના ધૃતિઃ ।
એતત્ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતમ્ ॥ ૭॥
ઈચ્છા—ઈચ્છા; દ્વેષ:—દ્વેષ; સુખમ્—સુખ; દુ:ખમ્—દુઃખ; સંઘાત:—સમુચ્ચય; ચેતના—ચેતના; ધૃતિ:—ઈચ્છા શક્તિ; એતત્—આ સર્વ; ક્ષેત્રમ્—કર્મ ક્ષેત્ર; સમાસેન—સમાવિષ્ટ; સ-વિકારમ્—પરિવર્તન સાથે; ઉદાહ્રતમ્—કહેવાતું.
Translation
BG 13.7: ઈચ્છા અને દ્વેષ, સુખ અને દુઃખ, શરીર, ચેતના તથા ઈચ્છા શક્તિ—આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે.
Commentary
શ્રીકૃષ્ણ હવે ક્ષેત્ર તથા તેના વિકારો ઉપર પ્રકાશ પાડે છે.
શરીર. કર્મના ક્ષેત્રમાં શરીર સમાવિષ્ટ હોય છે પરંતુ તેમાં તેનાથી અતિરિક્ત અનેક પાસાંઓ છે. મૃત્યુ સુધીમાં શરીર કુલ છ પ્રકારના રૂપાંતરણમાંથી પસાર થાય છે—અસ્તિ (અસ્તિત્વમાં આવવું), જાયતે (જન્મ), વર્ધતે (વૃદ્ધિ), વિપરિણમતે (પ્રજનન), અપક્ષીયતે (ઉંમર સાથે ક્ષીણ થવું), વિનશ્યતિ (મૃત્યુ). આત્માના નિર્દેશ અનુસાર શરીર તેને સંસાર અથવા ભગવાનમાં સુખ શોધવામાં સાથ આપે છે.
ચેતના. તે આત્મામાં અસ્તિત્ત્વ ધરાવતું જીવન બળ છે તથા તે શરીરમાં સ્થિત હોય ત્યારે તેને પણ જીવન શક્તિ પ્રદાન કરે છે. જે પ્રમાણે, અગ્નિમાં ગરમીનો ગુણ રહેલો છે અને કોઈ તેમાં લોખંડનો સળીયો મૂકે તો તે સળિયો પણ અગ્નિમાં રહેલી ગરમીના કારણે લાલઘૂમ ગરમ થઈ જાય છે. તે જ પ્રમાણે, આત્મા પણ તેમાં રહેલી ચેતનાનો ગુણ ગ્રહણ કરીને શરીરને જીવંત રાખે છે. આમ, શ્રીકૃષ્ણ ચેતનાને પણ કર્મક્ષેત્રના લક્ષણ તરીકે સમ્મિલિત કરે છે.
સંકલ્પ. આ એ નિશ્ચયાત્મક શક્તિ છે જે શરીરના વિવિધ ઘટકો અને તત્ત્વોને ક્રિયાશીલ રાખે છે તથા તેને ચોક્કસ દિશામાં કેન્દ્રિત કરે છે. આ ઈચ્છાશક્તિના કારણે જ આત્મા કર્મ ક્ષેત્ર દ્વારા ધ્યેયની સિદ્ધિ કરે છે. સત્ત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણના કારણે ઈચ્છા શક્તિમાં રહેલા વૈવિધ્ય અંગે શ્લોક સં. ૧૮.૩૩ થી ૧૮.૩૫માં વર્ણન કરવામાં આવ્યું છે.
કામના. આ મન તથા બુદ્ધિનું કાર્ય છે; જે પદાર્થ, સ્થિતિ, વ્યક્તિ વગેરેના સંપાદન માટે ઉત્કંઠાનું સર્જન કરે છે. શરીરની ચર્ચામાં આપણે ઘણી વાર ઈચ્છાને પર્યાપ્ત મહત્ત્વ આપતાં નથી, પરંતુ કલ્પના કરો કે જો ઈચ્છાઓ ન હોત તો જીવનનું સ્વરૂપ કેટલું અલગ હોત? તેથી જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જેમણે કર્મ ક્ષેત્રનું નિર્માણ કર્યું છે તથા કામનાને તેના ભાગ તરીકે સમાવિષ્ટ કરી છે, તેઓ સ્વાભાવિક રીતે તેનો વિશેષ ઉલ્લેખ કરે છે. બુદ્ધિ પદાર્થની વાંછનીયતાનું વિશ્લેષણ કરે છે અને મન તેનો સંગ્રહ કરે છે. જયારે મનુષ્યને આત્મ-સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે સર્વ માયિક કામનાઓ સમાપ્ત થઈ જાય છે અને હવે વિશુદ્ધ મન ભગવાન માટેની કામનાઓનો સંગ્રહ કરે છે. માયિક કામનાઓ બંધનનું કારણ બને છે, જયારે આધ્યાત્મિક કામનાઓ મુક્તિ તરફ અગ્રેસર કરે છે.
દ્વેષ. આ મન તથા બુદ્ધિની અવસ્થા છે, જે તેના માટે પ્રતિકૂળ પદાર્થ, મનુષ્ય અને પરિસ્થિતિ માટે ઘૃણાનું સર્જન કરે છે અને તેને ટાળવાનો પ્રયત્ન કરે છે.
આનંદ. આ સુખની લાગણી છે, જેનો અનુભવ મનમાં અનુકૂળ સંયોગો તથા કામનાઓની પૂર્તિ દ્વારા થાય છે. મન સુખના સ્પંદનોનો બોધ કરે છે અને આત્મા પણ સાથેસાથે તેનો અનુભવ કરે છે કારણ કે તે મન સાથે તાદાત્મ્ય સાધે છે. પરંતુ, માયિક સુખો કદાપિ આત્માની ક્ષુધાની તુષ્ટિ કરી શકતા નથી અને જ્યાં સુધી તે ભગવાનના અનંત દિવ્ય આનંદનો અનુભવ ન કરે ત્યાં સુધી તે અસંતુષ્ટ રહે છે.
દુઃખ. આ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મન દ્વારા અનુભવાતું કષ્ટ છે.
શ્રીકૃષ્ણ હવે એ ગુણો તથા લક્ષણોનું વર્ણન કરે છે, જે મનુષ્યના જ્ઞાનનું સંવર્ધન કરે છે અને તે રીતે કર્મ ક્ષેત્રના ઉદ્દેશ્યની પરિપૂર્તિ કરે છે; જે માનવ સ્વરૂપ છે.