Bhagavad Gita: Chapter 13, Verse 3

ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ।
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્જ્ઞાનં મતં મમ ॥ ૩॥

ક્ષેત્રજ્ઞમ્—ક્ષેત્રને જાણનારો; ચ—પણ; અપિ—કેવળ; મામ્—મને; વિદ્ધિ—જાણ; સર્વ—બધા; ક્ષેત્રેષુ—વ્યક્તિગત કર્મક્ષેત્રમાં; ભારત—ભારતવંશી; ક્ષેત્ર—કર્મક્ષેત્ર; ક્ષેત્રજ્ઞયો:—ક્ષેત્રનો જાણનાર; જ્ઞાનમ્—જ્ઞાન; યત્—જે; તત્—તે; જ્ઞાનમ્—જ્ઞાન; મત્તમ્—મત; મમ—મારો.

Translation

BG 13.3: હે ભારતવંશી, હું સર્વ શરીરનાં કર્મક્ષેત્રોનો જ્ઞાતા પણ છું. શરીરની કર્મક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે.

Commentary

જીવ કેવળ સ્વયંના શરીરના વ્યક્તિગત ક્ષેત્રનો જ્ઞાતા હોય છે. તેના સીમિત સંદર્ભમાં પણ આત્માનું તેના ક્ષેત્ર અંગેનું જ્ઞાન અપૂર્ણ હોય છે. ભગવાન સર્વ પ્રાણીઓના અંત:કરણમાં પરમાત્મા સ્વરૂપે સ્થિત હોવાના કારણે સર્વ આત્માઓના ક્ષેત્રોના જ્ઞાતા છે. ઉપરાંત, પ્રત્યેક ક્ષેત્ર અંગેનું ભગવાનનું જ્ઞાન સચોટ અને પૂર્ણ હોય છે. આ ભિન્નતાની વ્યાખ્યાની સ્પષ્ટતા દ્વારા શ્રીકૃષ્ણ માયિક શરીર, આત્મા તથા પરમાત્મા આ ત્રણેય તત્ત્વોની તુલનાત્મક સ્થિતિ પ્રસ્થાપિત કરે છે.

ઉપરોક્ત શ્લોકના દ્વિતીય વિભાગમાં તેઓ જ્ઞાનની પરિભાષા આપે છે. “આત્મા, પરમાત્મા તથા શરીર અને તેમની વચ્ચે રહેલી ભિન્નતાને સમજવી એ વાસ્તવિક જ્ઞાન છે.” આ પ્રમાણે, PhD કે DLitt થયેલા લોકો ભલે પોતાને વિદ્વાન સમજે, પરંતુ જો તેઓ તેમના શરીર, આત્મા, અને પરમાત્મા વચ્ચેની ભિન્નતાનું જ્ઞાન ધરાવતા નથી, તો શ્રીકૃષ્ણના મતાનુસાર તેઓ વાસ્તવિક રીતે જ્ઞાની નથી.