Bhagavad Gita: Chapter 13, Verse 22

પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુઙ્ક્તે પ્રકૃતિજાન્ગુણાન્ ।
કારણં ગુણસઙ્ગોઽસ્ય સદસદ્યોનિજન્મસુ ॥ ૨૨॥

પુરુષ:—જીવાત્મા; પ્રકૃતિ-સ્થ:—પ્રાકૃત શક્તિમાં સ્થિત; હિ—નિશ્ચિત; ભુંક્તે—સુખની કામના; પ્રકૃતિ-જાન્—પ્રાકૃત શક્તિ દ્વારા ઉત્પન્ન; ગુણાન્—પ્રકૃતિના ત્રણ ગુણોને; કારણમ્—કારણ; ગુણ-સંગ:—આસક્તિ (ત્રણ ગુણો); અસ્ય—તેનો; સત્-અસત્-યોનિ—ઉચ્ચતર કે નિમ્નતર યોનિ; જન્મસુ—જન્મમાં.

Translation

BG 13.22: જયારે પ્રકૃતિ (પ્રાકૃત શક્તિ)માં સ્થિત પુરુષ (જીવાત્મા) ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે, ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેનાં ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારણ બને છે.

Commentary

અગાઉના શ્લોકમાં શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે પુરુષ (જીવાત્મા) સુખ અને દુઃખની અનુભૂતિ માટે ઉત્તરદાયી છે. હવે તેઓ આ કેમ થાય છે તે સમજાવે છે. પોતાને શરીર માનીને જીવાત્મા તેને એવી ગતિવિધિઓ પ્રત્યે ક્રિયાશીલ કરે છે, જે શારીરિક સુખોના ભોગ તરફ નિર્દિષ્ટ હોય છે. શરીર માયાનું બનેલું હોવાથી તે ત્રણ ગુણો—સત્ત્વ ગુણ, રજોગુણ, અને તમોગુણ—થી બનેલી માયિક શક્તિને ભોગવવાની ઝંખના કરે છે.

અહમ્ ના કારણે જીવાત્મા પોતાને કર્તા અને ભોક્તા માને છે. શરીર, મન અને બુદ્ધિ સર્વ કાર્યકલાપો કરે છે પરંતુ જીવાત્મા તેમના માટે ઉત્તરદાયી ગણાય છે. જે રીતે, બસનો અકસ્માત થાય છે તો તેનાં પૈડાં કે સ્ટીયરીંગ ઉપર આરોપ મૂકવામાં આવતો નથી; તેનો ચાલક બસની કોઈપણ દુર્ઘટના માટે ઉત્તરદાયી ગણાય છે. એ જ પ્રમાણે, ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ આત્મા દ્વારા ક્રિયાન્વિત થાય છે અને તેઓ તેના જ આધિપત્યમાં કાર્યો કરે છે. તેથી, જીવાત્મા શરીર દ્વારા કરવામાં આવતી સર્વ ક્રિયાઓનો સંચય કરે છે. આ અસંખ્ય પૂર્વ જન્મોથી એકત્રિત સંચિત કર્મોનો ભંડાર ઉચ્ચતર કે નિમ્નતર યોનિમાં પુનરાવર્તિત જન્મો માટેનું કારણ બને છે.