ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના ।
અન્યે સાઙ્ખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે ॥ ૨૫॥
ધ્યાનેન—ધ્યાન દ્વારા; આત્મનિ—પોતાની અંદર; પશ્યન્તિ—જોવે છે; કેચિત્—કેટલાક લોકો; આત્માનમ્—પરમ આત્મા; આત્મના—મનથી; અન્યે—અન્ય; સાંખ્યેન—જ્ઞાનના સંવર્ધનથી; યોગેન—યોગ પદ્ધતિ દ્વારા; કર્મ-યોગેન—કર્મયોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય; ચ—અને; અપરે—અન્ય.
Translation
BG 13.25: કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંત:કરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે, જયારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
Commentary
વૈવિધ્ય એ ભગવાનની સૃષ્ટિની સાર્વભૌમિક વિશેષતા છે. એક વૃક્ષના બે પર્ણો પણ એકસમાન હોતા નથી; કોઈપણ બે મનુષ્યોની આંગળીઓની છાપ પણ એકસમાન હોતી નથી; કોઈપણ બે જનસમુદાયની લાક્ષણિકતાઓ એકસમાન હોતી નથી. એ જ પ્રમાણે, સર્વ જીવાત્માઓ અનુપમ હોય છે અને તેઓ તેમના વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, જે તેમણે તેમની જીવન-મૃત્યુના ચક્રની આગવી યાત્રા દરમ્યાન પ્રાપ્ત કર્યા હોય છે. આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં પણ બધાં એકસમાન પ્રકારની સાધના પ્રત્યે આકર્ષિત થતાં નથી. ભગવદ્દ ગીતા અને વૈદિક શાસ્ત્રોની સુંદરતા જ એ છે કે તેમને મનુષ્યોની આ અંતર્ગત વૈવિધ્યતા અંગેનું જ્ઞાન હોવાથી તેમને પોતાના ઉપદેશોમાં સમાવી લીધી છે.
શ્રીકૃષ્ણ અહીં જણાવે છે કે કેટલાક સાધકોને પોતાના મન સાથે બાથ ભીડવામાં અને તેને પોતાને વશ કરવામાં અતિ આનંદ પ્રાપ્ત થાય છે. તેઓ તેમના અંત:કરણમાં સ્થિત પરમાત્માનું ધ્યાન કરવા પ્રત્યે આકર્ષિત થાય છે. જયારે તેમનું મન અંદર સ્થિત પરમાત્મા પર સ્થિર થવાનો અનુભવ કરે છે, ત્યારે તેઓ એ આધ્યાત્મિક આનંદનું આસ્વાદન કરે છે.
અન્ય કેટલાક લોકો તેમની બુદ્ધિની કવાયતમાં સંતુષ્ટિ પ્રાપ્ત કરે છે. આત્મા અને શરીર, મન, બુદ્ધિ તથા અહંકાર વચ્ચે રહેલ ભેદનો વિષય તેમને રોમાંચિત કરી દે છે. તેઓ શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા ત્રણ તત્ત્વો—આત્મા, ભગવાન અને માયા—વિષેનાં જ્ઞાનના સંવર્ધનનું આસ્વાદન કરે છે.
અન્ય કેટલાક લોકો જયારે તેઓ અર્થપૂર્ણ કાર્યોમાં વ્યસ્ત રહે છે, ત્યારે તેમના આત્માની ઉન્નત અવસ્થાનો અનુભવ કરે છે. તેઓ તેમની ભગવદ્દ-દત્ત યોગ્યતાઓનો ભગવદ્દ-સેવા અર્થે ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. તેમની શક્તિના અંતિમ બુંદનો ઉપયોગ ભગવાનની સેવા માટે કરવાથી અધિક અન્ય કોઈપણ વિષય તેમને સંતુષ્ટ કરી શકતો નથી. આ પ્રમાણે, સર્વ પ્રકારના સાધકો તેમની વ્યક્તિગત વૃત્તિઓનો ઉપયોગ પરમ તત્ત્વની અનુભૂતિ માટે કરે છે. જ્ઞાન, કર્મ, પ્રેમ વગેરે કોઈપણ પ્રયાસની પરિપૂર્તિ ત્યારે જ થાય છે, જયારે તે ભગવાનના સુખ માટે કરેલી ભક્તિથી યુક્ત હોય છે.
શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:
સા વિદ્યા તન્મતિર્યયા (૪.૨૯.૪૯)
“વાસ્તવિક વિદ્યા એ છે જે ભગવાન માટે પ્રેમનો ઉત્કર્ષ કરવામાં સહાય કરે છે. કર્મની પરિપૂર્તિ ત્યારે થાય છે, જયારે તે ભગવાનના સુખ માટે કરવામાં આવે.”