Bhagavad Gita: Chapter 13, Verse 2

શ્રીભગવાનુવાચ ।
ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે ।
એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ ૨॥

શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; ઈદમ્—આ; શરીરમ્—શરીર; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; ક્ષેત્રમ્—કર્મક્ષેત્ર; ઈતિ—એ પ્રમાણે; અભીધિયતે—કહેવાય છે; એતત્—આ; ય:—જે; વેત્તિ—જાણે છે; તમ્—તે; પ્રાહુ:—કહેવામાં આવે છે; ક્ષેત્ર-જ્ઞ—ક્ષેત્રને જાણનારો; ઈતિ—એ પ્રમાણે; તત્-વિદ:—સત્યને સમજનારા.

Translation

BG 13.2: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર (કર્મક્ષેત્ર) કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણનાર) કહેવામાં આવે છે.

Commentary

શ્રીકૃષ્ણ, અહીં શરીર તથા આત્મા વચ્ચેના ભેદના વિષયની વ્યાખ્યાનો પ્રારંભ કરે છે. આત્મા દિવ્ય છે તથા તે આરોગી, જોઈ, સાંભળી, ચાખી કે સ્પર્શી શકતો નથી. તે કેવળ એક પ્રતિનિધિ તરીકે શરીર-મન-બુદ્ધિના તંત્ર દ્વારા આ સર્વ કાર્યો કરે છે, જેને કર્મક્ષેત્ર કહેવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનમાં આપણે તેને ‘ક્ષેત્ર ઉર્જા’ તરીકે ઓળખીએ છીએ. ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય છે, જે સતત ઝડપી આંદોલનોથી વિદ્યુત ઉત્પન્ન કરે છે. વિદ્યુત શક્તિની આસપાસ એક ઉર્જા હોય છે. અહીં, શરીર મનુષ્યનાં કર્મોનું પાત્ર છે. તેથી, તેને ક્ષેત્ર (કર્મક્ષેત્ર) કહેવામાં આવે છે.

આત્મા આ શરીર-મન-બુદ્ધિના તંત્રથી ભિન્ન છે પરંતુ તેની દિવ્ય પ્રકૃતિનું વિસ્મરણ થઈ જવાથી તે આ માયિક અસ્તિત્વ સાથે તાદાત્મ્ય સાધે છે. આમ છતાં, તેને શરીરનું જ્ઞાન હોવાથી તેને ક્ષેત્રજ્ઞ (શરીર ક્ષેત્રનો જાણનાર) કહેવામાં આવે છે. આ પરિભાષા આત્મજ્ઞાની સંતો દ્વારા આપવામાં આવી છે, જેઓ આત્માની અવસ્થાએ ગુણાતીત સ્થિતિમાં સ્થિત હતા અને પોતાના શરીરથી ભિન્ન અસ્તિત્વનો બોધ પામી ચૂક્યા હતા.