Bhagavad Gita: Chapter 13, Verse 21

કાર્યકારણકર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે ।
પુરુષઃ સુખદુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે ॥ ૨૧॥

કાર્ય—કાર્ય; કારણ—કારણ; કર્તૃત્વે—સર્જનના વિષયમાં; હેતુ:—માધ્યમ; પ્રકૃતિ:—ભૌતિક પ્રકૃતિ; ઉચ્યતે—કહેવાય છે; પુરુષ:—જીવાત્મા; સુખ-દુ:ખાનામ્—સુખ-દુઃખના; ભોક્તૃત્વે—ભોગવવામાં; હેતુ:—ઉત્તરદાયી; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 13.21: સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે; સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે.

Commentary

બ્રહ્માના નિર્દેશનમાં પ્રાકૃત શક્તિ જીવનના અસંખ્ય તત્ત્વો અને સ્વરૂપોનું સર્જન કરે છે, જે સૃષ્ટિનું નિર્માણ કરે છે. બ્રહ્મા બૃહદ યોજનાની રચના કરે છે અને પ્રાકૃત શક્તિ તેને અમલમાં મૂકે છે. વેદોમાં વર્ણન છે કે, માયિક વિશ્વમાં જીવનની ૮૪ લાખ યોનિઓ છે. આ સર્વ શારીરિક રૂપો પ્રાકૃત શક્તિનું રૂપાંતરણ છે. તેથી, વિશ્વમાં સર્વ કાર્ય-કારણ માટે માયા ઉત્તરદાયી છે.

આત્મા તેના પૂર્વ કર્મોને અનુસાર શારીરિક રૂપ (કર્મક્ષેત્ર) પ્રાપ્ત કરે છે અને તે શરીર, મન અને બુદ્ધિ સાથે પોતાનું તાદાત્મ્ય માની લે છે. તેથી, તે શરીરેન્દ્રિયોના સુખની કામના કરે છે. જયારે ઈન્દ્રિયો ઈન્દ્રિય-જન્ય વિષયોના સંપર્કમાં આવે છે, ત્યારે મન સુખદ સંવેદનોની અનુભૂતિ કરે છે. આત્મા પોતાનું મન સાથે તાદાત્મ્ય માનતો હોવાથી તે પ્રતિનિધિ તરીકે તે સુખદ સંવેદનોનો ઉપભોગ કરે છે. આ પ્રમાણે, આત્મા ઈન્દ્રિયો, મન અને બુદ્ધિના માધ્યમથી સુખ અને દુઃખ બંનેના સંવેદનોનો બોધ મેળવે છે. આની સ્વપ્નાવસ્થા સાથે તુલના કરી શકાય:

એહિ બિધિ જગ હરિ આશ્રિત રહઈ, જદપિ અસત્ય દેત દુઃખ અહઈ (રામાયણ)

જૌં સપનેં સિર કાટૈ કોઈ, બિનુ જાગેં ન દૂરિ દુખ હોઈ (રામાયણ)

“આ સંસારનું પાલન ભગવાન દ્વારા થાય છે. તે ભ્રમનું સર્જન કરે છે, જે અસત્ય હોવા છતાં જીવાત્માને કષ્ટ આપે છે. જેવી રીતે સ્વપ્નમાં કોઈનું મસ્તક કપાઈ જાય તો તેની પીડા જ્યાં સુધી તે વ્યક્તિ જાગી ન જાય અને સ્વપ્ન સમાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે.” શરીર સાથે તાદાત્મ્ય સાધવાની આ સ્વપ્નાવસ્થામાં, જીવાત્મા તેના પોતાના ભૂતકાળનાં અને વર્તમાનનાં કર્મોને અનુસાર સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે. પરિણામે, તે બંને પ્રકારનાં અનુભવો માટે ઉત્તરદાયી ગણાય છે.