Bhagavad Gita: Chapter 13, Verse 5

ઋષિભિર્બહુધા ગીતં છન્દોભિર્વિવિધૈઃ પૃથક્ ।
બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ ॥ ૫॥

ઋષિભિ:—મહાન ઋષિઓ દ્વારા; બહુધા—અનેક પ્રકારે; ગીતમ્—વર્ણવેલ; છંદોભિ:—વૈદિક મંત્રો દ્વારા; વિવિધૈ:—વિવિધ પ્રકારના; પૃથક્—ભિન્ન-ભિન્ન; બ્રહ્મ-સૂત્ર—બ્રહ્મસૂત્ર; પદૈ:—સૂત્રો દ્વારા; ચ—અને; એવ—સવિશેષ; હેતુ-મદ્ભિ:—તર્ક દ્વારા; વિનીશ્ચિતૈ:—સંક્ષિપ્ત પુરાવો.

Translation

BG 13.5: મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે. તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષત: બ્રહ્મસૂત્રમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવાઓ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે.

Commentary

જ્ઞાન ત્યારે સ્વીકાર્ય બને છે જયારે તે સત્યતા અને સ્પષ્ટતા સાથે વ્યક્ત કરવામાં આવે તથા સિદ્ધ તર્ક દ્વારા સાબિત થાય. ઉપરાંત, તેને અનિવાર્યપણે સ્વીકારવા માટે તે અમોઘ સત્તાના આધારે સુનિશ્ચિત થવું આવશ્યક છે. આધ્યાત્મિક જ્ઞાનની યથાર્થતાના સંદર્ભ માટે વેદો આધાર છે. 

વેદો: વેદ એ કેવળ કોઈ પુસ્તકનું નામ નથી; તે ભગવાનનું સનાતન જ્ઞાન છે. જયારે જયારે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે ત્યારે તેઓ જીવાત્માના કલ્યાણાર્થે વેદો પ્રગટ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદ્દ વર્ણન કરે છે:  નિઃશ્વસિતમસ્ય વેદાઃ  “વેદો ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા છે.” સર્વ પ્રથમ તેઓને પ્રથમ-જન્મા બ્રહ્માજીના અંત:કરણમાં પ્રગટ કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ શ્રુતિ પરંપરા અર્થાત્ “કર્ણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન”ની પરંપરા દ્વારા અવતરિત થયા. કળિયુગના પ્રારંભમાં વેદ વ્યાસજી કે જેઓ સ્વયં ભગવાનનો અવતાર છે તેમણે વેદોને ગ્રંથોના સ્વરૂપે પ્રગટ કર્યા અને જ્ઞાનનાં એક તત્ત્વને ચાર વિભાગમાં વિભાજીત કર્યા—ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ તથા યજુર્વેદ. તેથી, તેમને વેદ વ્યાસ નામ પ્રાપ્ત થયું અર્થાત્ “જેમણે વેદોને વિભાજીત કર્યા”. આ વિષય અવશ્ય ધ્યાનમાં રાખવો જોઈએ કે વેદ વ્યાસજીને કદાપિ વેદોના રચયિતા તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા નથી, પરંતુ તેઓ કેવળ તેના વિભાજન કર્તા છે. તેથી, વેદોને પણ અપૌરુષેય કહેવામાં આવે છે જેનો અર્થ છે, “જેનું કોઈ મનુષ્ય દ્વારા સર્જન થયું નથી.” તેઓ આધ્યાત્મિક જ્ઞાનની અમોઘ સત્તા તરીકે સન્માનીય છે.

           ભૂતં ભવ્યં ભવિષ્યં ચ સર્વં વેદાત્પ્રસિધ્યતિ (મનુ સ્મૃતિ ૧૨.૯૭)

“કોઈપણ આધ્યાત્મિક સિદ્ધાંતની યથાર્થતા વેદોના પ્રાધિકારને આધીન માન્ય હોવી જોઈએ.” વેદોનાં આ જ્ઞાનના વિસ્તૃતિકરણ માટે અનેક ઋષિઓએ ગ્રંથોની રચના કરી છે અને પારંપરિક રીતે આ ગ્રંથોને વૈદિક શાસ્ત્રોના ક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા કારણ કે, તેઓ વેદોની સત્તાને સુનિશ્ચિત કરે છે. કેટલાક મહત્ત્વના વૈદિક શાસ્ત્રો નિમ્ન લિખિત છે:

ઈતિહાસ: આ ઐતિહાસિક ગ્રંથો છે અને તે બે છે: રામાયણ તથા મહાભારત. તેઓ ભગવાનના બે પ્રમુખ અવતારોનું વર્ણન કરે છે. રામાયણની રચના મહર્ષિ વાલ્મિકી દ્વારા કરવામાં આવી હતી અને તેમાં પ્રભુ શ્રીરામની દિવ્ય લીલાઓનું વર્ણન છે. આશ્ચર્યજનક વિષય એ છે કે, વાલ્મિકીજીએ શ્રીરામે વાસ્તવમાં તેમની લીલાઓ પ્રદર્શિત કરી, તે પૂર્વે તેની રચના કરી હતી. મહર્ષિ વાલ્મિકી દિવ્ય દૃષ્ટિથી સંપન્ન હોવાના કારણે શ્રીરામ પૃથ્વી પર અવતરિત થઈને જે લીલાઓ કરવાના હતા, તેનું દર્શન શ્રીરામના અવતાર પૂર્વે કરી શક્યા. તે પ્રમાણે, તેમણે અતિ રોચક રીતે રચેલા કુલ ૨૪૦૦૦ સંસ્કૃત શ્લોકોમાં રામાયણની રચના કરી. આ શ્લોકોમાં પુત્ર, ભાઈ, પત્ની, રાજા અને વૈવાહિક દંપતી જેવી વિવિધ સામાજિક ભૂમિકાઓ અંગેના આદર્શ આચરણ અંગેની શિક્ષા સમાહિત છે. રામાયણ ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓમાં પણ રચવામાં આવ્યું છે, જેથી તેની લોકપ્રિયતામાં અતિ વૃદ્ધિ થઈ છે. તેમાંથી શ્રીરામના મહાન ભક્ત સંત તુલસીદાસ દ્વારા રચિત હિન્દી રામાયણ તથા રામચરિત માનસ વિશેષ પ્રખ્યાત છે.

મહાભારતની રચના મહર્ષિ વેદ વ્યાસે કરી હતી. તેમાં ૧૦૦,૦૦૦ શ્લોકો સમાવિષ્ટ છે અને વિશ્વના સૌથી દીર્ઘ કાવ્ય તરીકે તેની ગણના થાય છે. ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓ એ મહાભારતનો કેન્દ્રીય વિષય છે. તે ભગવદ્દ ભક્તિ તથા માનવ જીવનની સર્વ અવસ્થાઓ સંબંધિત જ્ઞાન અને માર્ગદર્શનથી પરિપૂર્ણ છે. ભગવદ્દ ગીતા એ મહાભારતનો એક ભાગ છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અત્યંત રોચક રીતે વર્ણિત આધ્યાત્મિક જ્ઞાનનો સાર તેમાં નિહિત હોવાના કારણે તે અત્યંત લોકપ્રિય હિંદુ ગ્રંથ છે. તેનો વિશ્વની અનેક વિવિધ ભાષાઓમાં ભાષાનુવાદ થયો છે. ભગવદ્દ ગીતા ઉપર અસંખ્ય ભાષ્યો લખવામાં આવ્યા છે.

પુરાણો. મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લિખિત કુલ અઢાર પુરાણો છે. તેમાં કુલ મળીને ૪,૦૦,૦૦૦ શ્લોકો છે. આ શ્લોકોમાં ભગવાનનાં વિવિધ સ્વરૂપોની દિવ્ય લીલાઓ અને તેમનાં ભક્તો અંગે વર્ણન કરવામાં આવ્યું છે. પુરાણો પણ તત્ત્વદર્શી જ્ઞાનથી પરિપૂર્ણ છે. તેમાં બ્રહ્માંડનું સર્જન, તેનો વિલય તથા તેના પુન:સર્જન, માનવજાતિનો ઈતિહાસ, સ્વર્ગીય દેવતાઓ તથા પવિત્ર ઋષિઓની વંશાવળી વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે સૌમાં ભાગવત પુરાણ અર્થાત્ શ્રીમદ્દ ભાગવતમ્ અતિ મહત્ત્વ ધરાવે છે. મહર્ષિ વેદ વ્યાસ દ્વારા રચિત આ અંતિમ ગ્રંથ છે. તેઓએ જણાવ્યું છે કે આ ગ્રંથમાં તેમણે શુદ્ધ અને નિષ્કામ ભગવદ્દ પ્રેમનો પરમોત્કૃષ્ટ ધર્મ પ્રગટ કર્યો છે. તાત્ત્વિક દૃષ્ટિએ, જ્યાં ભગવદ્દ ગીતાનો અંત થાય છે, ત્યાંથી શ્રીમદ્દ ભાગવતમ્ નો પ્રારંભ થાય છે.

ષડ્-દર્શન. વૈદિક શાસ્ત્રોમાં તેઓ દ્વિતીય અગત્યનું સ્થાન ધરાવે છે. છ મહર્ષિઓએ હિંદુ તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ વિષયો પર પ્રકાશ પાડતા છ શાસ્ત્રોની રચના કરી. તેથી, તેઓ ષડ્-દર્શન તરીકે ઓળખાય છે.

૧. મીમાંસા: મહર્ષિ જૈમીની દ્વારા રચિત આ શાસ્ત્ર કર્મકાંડનાં વિધિ-વિધાનો તથા અનુષ્ઠાનો અંગે વર્ણન કરે છે.

૨. વેદાંત દર્શન: મહર્ષિ વેદ વ્યાસ દ્વારા રચિત આ શાસ્ત્ર પરમ પૂર્ણ સત્યની પ્રકૃતિની વ્યાખ્યા કરે છે.

૩. ન્યાય દર્શન: મહર્ષિ ગૌતમ દ્વારા રચિત આ શાસ્ત્ર જીવન તથા પરમ સત્યને સમજવા માટે તાર્કિક પ્રણાલીનું નિરૂપણ કરે છે.

૪. વૈશેષિક દર્શન: મહર્ષિ કણાદ દ્વારા રચિત આ શાસ્ત્ર બ્રહ્માંડીય વિજ્ઞાન તથા સૃષ્ટિનું તેમનાં વિવિધ તત્ત્વોના પરિપ્રેક્ષ્યથી વિશ્લેષણ કરે છે.

૫. યોગ દર્શન: મહર્ષિ પતંજલિ દ્વારા રચિત આ શાસ્ત્રમાં શારીરિક આસનોના વિષયથી પ્રારંભ કરીને ભગવાન સાથેના ઐક્ય માટે અષ્ટધા માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે.

૬. સાંખ્ય દર્શન: મહર્ષિ કપિલ દ્વારા રચિત આ શાસ્ત્ર માયિક શક્તિના આદિ સ્વરૂપ પ્રકૃતિ દ્વારા બ્રહ્માંડની ક્રમિક ઉત્ક્રાંતિ અંગે વર્ણન કરે છે.

હિંદુ તત્ત્વદર્શનમાં ઉપરોક્ત નિર્દિષ્ટ શાસ્ત્રો ઉપરાંત અન્ય અનેક શાસ્ત્રો છે. તે સર્વનું અહીં વર્ણન કરવું અશક્ય છે. અહીં એટલું કહેવું પર્યાપ્ત છે કે વૈદિક ગ્રંથો એ ભગવાન તથા ઋષિઓ દ્વારા માનવજાતિના સનાતન કલ્યાણ અર્થે પ્રગટ કરાયેલો દિવ્ય જ્ઞાનનાં વિશાળ ખજાનાનો ભંડાર છે.

આ સર્વ શાસ્ત્રીય પ્રસ્તુતિઓમાં બ્રહ્મ સૂત્રને આત્મા, પ્રાકૃત શરીર તથા ભગવાન વચ્ચેના ભેદ અંગેનાં વિષય માટે અંતિમ પ્રમાણ માનવામાં આવે છે. તેથી, શ્રીકૃષ્ણ તેમના ઉપરોક્ત શ્લોકમાં તેનો વિશેષ ઉલ્લેખ કરે છે. “વેદ” અર્થાત્ વેદો અને “અંત” અર્થાત્ નિષ્કર્ષ. આ પ્રમાણે, “વેદાંત” અર્થાત્ “વૈદિક જ્ઞાનનો નિષ્કર્ષ”. વેદાંત દર્શનની રચના મહર્ષિ વેદ વ્યાસ દ્વારા થઈ હોવા છતાં, અનેક વિદ્વાનોએ તેનો તત્ત્વજ્ઞાનના મહાનિબંધ માટે પ્રમાણિત સંદર્ભ તરીકે સ્વીકાર કર્યો અને આત્મા તથા ભગવાન અંગેની તેમનાં વિશિષ્ટ દૃષ્ટિકોણની સ્થાપના કરવા તે અંગે અનેક ભાષ્યોની  રચના કરી. જગદ્દગુરુ શંકરાચાર્યે વેદાંત દર્શન ઉપર રચેલા ભાષ્યને શારીરિક ભાષ્ય તરીકે ઓળખવામાં આવે છે, જે અદ્વૈતવાદી દર્શન-પ્રણાલીના પાયા રૂપ છે. વાચસ્પતિ અને પદમપાદ જેવા તેમનાં અનેક અનુયાયીઓએ તેમના રચિત ભાષ્ય ઉપર વિસ્તૃત ટીપ્પણી કરી છે. જગદ્દગુરુ નિમ્બાર્કાચાર્યએ વેદાંત પારિજાત સૌરભની રચના કરી, જે દ્વૈત-અદ્વૈત-વાદ વિચારધારાનું વર્ણન  કરે છે. જગદ્ગુરુ રામાનુજાચાર્યના ભાષ્યને શ્રી ભાષ્ય કહેવામાં આવે છે, જે તત્વજ્ઞાનની વિશિષ્ટ-અદ્વૈત-વાદ પ્રણાલીનો આધાર પ્રસ્થાપિત કરે છે. જગદ્દગુરુ માધવાચાર્યનાં ભાષ્યને બ્રહ્મસૂત્ર ભાષ્યમ્ કહેવામાં આવે છે, જે દ્વૈતવાદ પ્રણાલીનો આધારસ્તંભ છે. મહાપ્રભુ વલ્લભાચાર્યએ અણુ ભાષ્યની રચના કરી, જેમાં તેમણે તત્ત્વજ્ઞાનની શુદ્ધ-અદ્વૈત-વાદ પ્રણાલીની સ્થાપના કરી. આ ઉપરાંત, કેટલાક અન્ય સુપ્રસિદ્ધ ભાષ્ય્કારોમાં ભાટ ભાસ્કર, યાદવ પ્રકાશ, કેશવ, નીલકંઠ, વિજ્ઞાનભિક્ષુ અને બળદેવ વિદ્યાભૂષણનો સમાવેશ થાય છે.

ચૈતન્ય મહાપ્રભુ, જેઓ સ્વયં પરમોત્કૃષ્ટ વૈદિક વિદ્વાન હતા, તેમણે વેદાંત દર્શન અંગે કોઈ ભાષ્યની રચના કરી નથી. તેમના દૃષ્ટિકોણ પ્રમાણે વેદાંતના રચયિતા સ્વયં વેદ વ્યાસજીએ ઘોષિત કર્યું છે કે, તેમનો અંતિમ ગ્રંથ શ્રીમદ્દ ભાગવતમ્ એ તેમનું પૂર્ણ ભાષ્ય છે:

             અર્થોઽયં બ્રહ્મસૂત્રાણં સર્વોપનિષદામપિ

“શ્રીમદ્દ ભાગવતમ્, વેદાંત દર્શન તેમજ સર્વ ઉપનિષદોનો અર્થ અને સાર પ્રગટ કરે છે.” તેથી, મહર્ષિ વેદ વ્યાસ પ્રત્યેના આદરભાવથી ચૈતન્ય મહાપ્રભુને આ ગ્રંથ ઉપર અન્ય ભાષ્યની રચના કરવી ઉચિત ન લાગી.