Bhagavad Gita: Chapter 16, Verse 11

ચિન્તામપરિમેયાં ચ પ્રલયાન્તામુપાશ્રિતાઃ ।
કામોપભોગપરમા એતાવદિતિ નિશ્ચિતાઃ ॥ ૧૧॥

ચિન્તામ્—ચિંતાઓ; અપરિમેયામ્—અમાપ; ચ—અને; પ્રલય-અન્તમ્—મૃત્યુ સુધી; ઉપાશ્રિતા:—આશ્રય લઈને; કામ-ઉપભોગ—કામનાઓની તૃપ્તિ; પરમા:—પરમ; એતાવત્—હજી; ઈતિ—આ રીતે; નિશ્ચિતા:—પૂર્ણ નિશ્ચિતતા સાથે.

Translation

BG 16.11: તેઓ અનંત ચિંતાઓથી યુક્ત હોય છે, જેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે. તેમ છતાં, તેઓ ખાતરીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે.

Commentary

માયિક રુચિ ધરાવતા લોકો પ્રાય: આધ્યાત્મિક માર્ગને બોજારૂપ અને શ્રમસાધ્ય માનીને તથા તેનું અંતિમ લક્ષ્ય અતિ દૂર હોવાનું માનીને તેનો અસ્વીકાર કરે છે. તેઓ સંસારના માર્ગ પર ચાલવાનું પસંદ કરે છે, જે તત્કાળ સંતૃપ્તિ પ્રદાન કરવા માટે બદ્ધ હોય છે, પરંતુ અંતત: તેઓ સાંસારિક દિશામાં અધિક સંઘર્ષ પ્રાપ્ત કરે છે. તેમની માયિક સંસિદ્ધિઓ માટેની કામનાઓ તેમને યાતના આપે છે તથા મહત્ત્વકાંક્ષાઓની પરિપૂર્તિ માટે અનેક યોજનાઓ હાથ ધરે છે. જયારે તેમનો પ્રિય પદાર્થ હાંસલ થાય છે ત્યારે ક્ષણભર તેમને રાહતની અનુભૂતિ થાય છે, પરંતુ પશ્ચાત્ નવા સંતાપનો આરંભ થાય છે. તેમને આ પદાર્થ છીનવાઈ જવાની ચિંતા હોય છે તથા તેની જાળવણી માટે તેઓ અતિ શ્રમ કરે છે. અંતત: આસક્તિના પદાર્થ સાથે અનિવાર્ય વિયોગ થાય છે, ત્યારે કેવળ દુઃખ રહે છે. કહેવાયું છે કે,

યા ચિન્તા ભુવિ પુત્ર પૌત્ર ભરણવ્યાપાર સમ્ભાષણે

યા ચિન્તા ધન ધાન્ય યશસાં લાભે સદા જાયતે

સા ચિન્તા યદિ નન્દનન્દન પદદ્વન્દ્વાર વિન્દેક્ષણમ્

કા ચિન્તા યમરાજ ભીમ સદન્દ્વારપ્રયાણે વિભો (સૂક્તિ સુધાકર)

“લોકો સાંસારિક પ્રયાસોમાં અકથનીય ચિંતાઓ તથા તણાવોની અનુભૂતિ કરે છે—સંતાનો અને પૌત્રોનો ઉછેર, વ્યવસાયની વ્યસ્તતા, સંપત્તિ અને ખજાનાઓનો સંગ્રહ તથા યશ પ્રાપ્તિ. જો તેઓ આ જ પ્રકારની અને કક્ષાની આસક્તિ તથા ભાવના શ્રીકૃષ્ણના ચરણ-કમળ પ્રત્યે પ્રેમ વિકસિત કરવા માટે ધરાવે તો તેમણે યમરાજ, મૃત્યુના દેવની પણ પુન: કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. (કારણ કે, તેઓ જન્મ-મૃત્યુના ચક્રને પાર કરી જાય છે.) પરંતુ આસુરી માનસ ધરાવતા લોકો આ ઉઘાડા સત્યને સ્વીકારવાનો અસ્વીકાર કરે છે કારણ કે તેમની બુદ્ધિએ માની લીધું હોય છે કે સાંસારિક સુખો એ આનંદની સર્વોચ્ચ અનુભૂતિ છે. તેઓ એ પણ જોઈ શકતા નથી કે મૃત્યુ તેમને આવનારા જન્મોમાં કષ્ટદાયક પ્રારબ્ધ અને અધિક દુઃખો તરફ લઇ જવા માટે ધીરજપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યું છે.