Bhagavad Gita: Chapter 16, Verse 8

અસત્યમપ્રતિષ્ઠં તે જગદાહુરનીશ્વરમ્ ।
અપરસ્પરસમ્ભૂતં કિમન્યત્કામહૈતુકમ્ ॥ ૮॥

અસત્યમ્—પૂર્ણ સત્ય વિના; અપ્રતિષ્ઠમ્—આધાર રહિત; તે—તેઓ; જગત્—દુનિયા; આહુ:—કહે છે; અનીશ્વરમ્—ભગવાન વિના; અપરસ્પર—કારણ વિના; સમ્ભૂતમ્—ઉત્પન્ન થયેલું; કિમ્—શું; અન્યત્—અન્ય; કામ-હૈતુકમ્—કેવળ કામ વાસના માટે.

Translation

BG 16.8: તેઓ કહે છે કે, “જગત પૂર્ણ સત્ય રહિત, આધાર રહિત (નૈતિક વ્યવસ્થા માટે), ભગવાન રહિત (જેમણે સર્જન કર્યું હોય કે નિયંત્રણ કરતા હોય) છે. તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી.”

Commentary

અનૈતિક વર્તનથી દૂર રહેવાના બે માર્ગ છે. પ્રથમ છે, સંકલ્પ-શક્તિના અભ્યાસ દ્વારા અધર્મથી દૂર રહેવું. બીજો માર્ગ છે, ભગવાનના ડરથી પાપનો ત્યાગ કરવો. કેવળ સંકલ્પ-શક્તિ દ્વારા પાપાચારથી દૂર રહેવાની ક્ષમતા ધરાવતા લોકો ખૂબ ઓછા છે. અધિકાંશ લોકો દંડના ભયને કારણે ખોટું કરવાથી દૂર રહે છે. ઉદાહરણ તરીકે, હાઇવે પર જોવા મળે છે કે જેવી પોલીસની ગાડી દેખાય કે તરત જ લોકો ગાડીને ધીમી કરીને અનુમતિશીલ ગતિ મર્યાદામાં હંકારે છે, પરંતુ જયારે તેઓ જોવે છે કે પકડાઈ જવાનો કોઈ ભય નથી, ત્યારે તેઓ ગતિ મર્યાદા વધારી દેતા ખચકાતા નથી. આ પ્રમાણે, જો આપણે ભગવાનમાં માનતા હોઈશું તો અનૈતિક વર્તનથી દૂર રહીશું. તેના બદલે, જો આપણે ભગવાનમાં માનતા ન હોઈએ તો પણ તેમના સર્વ નિયમો તો આપણને લાગુ પડે જ છે અને તેથી આપણે અનુચિત વર્તનના પરિણામો ભોગવવા પડશે.

આસુરી પ્રકૃતિ ધરાવતા લોકો વર્તન અંગે કોઈ સત્તા કે નિયમનોના ભારણનો સ્વીકાર કરતા નથી કે જે ભગવાનની માન્યતાનો આવશ્યક આનુષાંગિક સિદ્ધાંત છે. તેના બદલે, તેઓ એ દૃષ્ટિકોણ સાથે સહમત થવાનું પસંદ કરે છે કે, ભગવાન છે જ નહિ અને નૈતિક વ્યવસ્થા માટે જગતમાં કોઈ આધાર નથી. તેઓ “બીગ બેંગ થીયરી” જેવી વિચારધારાનો પ્રચાર કરે છે જે એવી પૂર્વધારણા ધરાવે છે કે, સૃષ્ટિના શૂન્ય સમયે થયેલા આકસ્મિક વિસ્ફોટથી જગતનું સર્જન થયું છે અને તેથી આ જગતનું પાલન કરવા માટે ભગવાન જેવું કોઈ નથી. આવા સિદ્ધાંતો તેમને પરિણામના કોઈપણ સંકોચ કે ભય વિના વિષયાસક્ત સુખોમાં લીન રહેવાની અનુમતિ પ્રદાન કરે છે.

ઇન્દ્રિયજન્ય સુખોના વિવિધ સ્વરૂપોમાં જાતીય કામુકતા અતિ તીવ્ર હોય છે. તેનું કારણ એ છે કે માયિક ક્ષેત્ર એ આધ્યાત્મિક ક્ષેત્રનું વિકૃત પ્રતિબિંબ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં દિવ્ય પ્રેમ એ મુક્તાત્માઓની ક્રિયાઓનો તેમજ તેમની ભગવાન સાથેની આંતરક્રિયાઓનો આધાર હોય છે. માયિક ક્ષેત્રમાં તેનું વિકૃત પ્રતિબિંબ, કામુકતા, માયિક રીતે અભિસંધિત આત્માઓ, વિશેષ કરીને જે રાજસિક ગુણના પ્રભાવ હેઠળ હોય છે, તેમની ચેતનાને પ્રભાવિત કરે છે. તેથી, આસુરી-મનોવૃત્તિ ધરાવતા લોકો કામુક પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને માનવજીવનના ઉદ્દેશ્ય તરીકે જોવે છે.