Bhagavad Gita: Chapter 16, Verse 10

કામમાશ્રિત્ય દુષ્પૂરં દમ્ભમાનમદાન્વિતાઃ ।
મોહાદ્ગૃહીત્વાસદ્ગ્રાહાન્પ્રવર્તન્તેઽશુચિવ્રતાઃ ॥ ૧૦॥

કામમ્—કામ; આશ્રિત્ય—આશ્રય લઈને; દુષ્પુરમ્—અતૃપ્ત; દમ્ભ—દંભ; માન—અભિમાન; મદ-અન્વિતા:—મદમાં ડૂબેલા; મોહાત્—મોહિત; ગૃહીત્વા—પ્રત્યે આકર્ષિત થઈને; અસત્—ક્ષણભંગુર; ગ્રાહાન્—વસ્તુઓને; પ્રવર્તન્તે—તેઓ ખીલે છે; અશુચિ-વ્રતા:—અશુદ્ધ સંકલ્પ સાથે.

Translation

BG 16.10: અસંતૃપ્ત કામ-વાસનાને આશ્રય આપીને દંભ,અભિમાન તથા અહંકારથી પૂર્ણ આસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતને વળગી રહે છે. એ પ્રમાણે, ભ્રમિત થયેલા તે લોકો ક્ષણભંગુરતા પ્રત્યે આકર્ષિત થાય છે અને અપવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરે છે.

Commentary

અસંતૃપ્ત કામુક વાસનાયુક્ત આચરણની અભિવ્યક્તિ દ્વારા આસુરી મનોવૃત્તિવાળા લોકો ભયંકર અપવિત્ર હૃદયક્ષેત્રનો વિકાસ કરે છે. તેઓ પૂર્ણ દંભી બની જાય છે અને તેઓ જે નથી, તે હોવાનો ડોળ કરે છે. તેમની ભ્રમિત બુદ્ધિ અનુચિત આદર્શોનો અંગીકાર કરે છે તથા મદને કારણે તેઓ એમ માનવા લાગે છે કે તેમનાથી અધિક બુદ્ધિશાળી કોઈ નથી. ઇન્દ્રિયજન્ય વિષયોના અલ્પકાલીન સુખો પ્રત્યે આકર્ષિત થઈને તેમની બુદ્ધિ કુંઠિત, સ્વાર્થપરાયણ અને અહંકારી બની જાય છે. તેથી, તેઓ શાસ્ત્રોના ઉપદેશોનો અનાદર કરે છે અને જે ઉચિત તથા સત્ય છે, તેનાથી વિપરીત વ્યવહાર કરે છે.